સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણીને ભારે વિવાદ વચ્ચે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ રદ્દ થયા બાદ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમનો આજ દિન સુધી કોઈ સંપર્ક થયો નથી. કોંગ્રેસ દ્વારા આટલા દિવસો સુધી તેમના ખુલાસાની રાહ જોવામાં આવી હતી અને હવે અંતે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપ સાથે મેળાપીપણામાં કારસો
પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાની સાથે જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અનેક પાટીદારો માટે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી સાથે તેમને પાર્ટીએ લોકસભા બેઠક માટેની ટિકીટ આપી હતી. જો કે, નાટ્યાત્મક રીતે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થતાં ભારે વિવાદ સર્જાયો હતો અને આ માટે કોંગ્રેસ દ્વારા હવે તેમની સંપૂર્ણ નિષ્કાળજી અથવા ભાજપ સાથેના મેળાપીપણામાં કારસો રચાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
જો કે, આટલા દિવસો સુધી શિસ્ત સમિતિ સમક્ષ કુંભાણી હાજર થાય અને પોતાનો યોગ્ય ખુલાસો કરે તેવી અપેક્ષાએ કોંગ્રેસ દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવ્યા હતા. પરંતુ નિલેશ કુંભાણી દ્વારા અત્યાર સુધી કોઈપણ કોંગ્રેસી નેતાનો સંપર્ક કરવામાં આવ્યો નથી કે કોઈપણ રીતે પોતાની વાત રજુ કરવામાં આવી નથી. જેને પગલે પાર્ટી દ્વારા તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
લોકશાહીની થઈ હત્યા :
શિસ્ત સમિતિના સભ્ય બાલુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થવું અત્યંત કમનસીબ ઘટના છે અને આ ઘટના બાદ ભાજપ દ્વારા તમામ તંત્રનો દુરૂપયોગ કરીને અન્ય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષોને પણ લોભ, લાલચ અને ભય બતાવીને ફોર્મ પરત લેવડાવતાં લોકશાહીની હત્યા થઈ છે.
સુરતમાં જે ઘટનાક્રમ સર્જાયો છે તેનાથી સૌથી વધુ હતાશ મતદાતાઓ જોવા મળી રહ્યા છે. લોકશાહીના પર્વમાં 17 લાખથી વધુ સુરતીઓ મતદાનથી વંચિત રહ્યા છે અને તેના માટે નિલેશ કુંભાણી અને ભારતીય જનતા પાર્ટી જવાબદાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટેકેદારો દ્વારા બોગસ સહી મુદ્દે એફિડેવિટ દાખલ કરતાં શનિવાર અને રવિવાર બે દિવસ સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને અંતે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયું હતું. જો કે, આ ઘટના બાદ તેમના ટેકેદારો અને સ્વયં નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. બીજી તરફ આ પ્રકારની ઘટનાને કારણે કોંગ્રેસી કાર્યકરોમાં નિલેશ કુંભાણી વિરૂદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હાલમાં પણ કોંગ્રેસી કાર્યકરો દ્વારા અલગ – અલગ સ્થળે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.