BRTS Swing Gate: સુરતમાં વિવિધ વિસ્તારોમાં આવેલ બીઆરટીએસ કોરિડોરમાં લગાવવામાં આવેલ સ્વિંગ ગેટનું મેઈન્ટેનન્સ કરવામાં ધરાર નિષ્ફળ નીવડેલ મુંબઈ ખાતેની સંસ્થાને બ્લેક લિસ્ટ કરવા માટેની તજવીજ મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
BRTS રૂટમાં સ્વિંગ ગેટ રિપેરના ધાંધીયા
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ–અલગ વિસ્તારોમાં બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જો કે, બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર 276 સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે મુંબઈ ખાતેની ટેક્નોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રા. લિ. નામક સંસ્થાને ઈજારદાર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. પ્રારંભથી જ ઈજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેશન અને મેઈન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા છાશવારે ઈજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરીંગ કરવાની તાકિદ કરવામાં આવતી હતી.
BRTS Swing Gate: બેંક ગેરન્ટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવાયો
અલબત્ત, 2020થી ઈજારદાર દ્વારા મહાનગર પાલિકાની નોટિસોને ઘોળીને પી ગયો હોય તેમ જણાઈ આવ્યું હતું. ગત 2020માં ઈજારદારને પ્રિ-ટર્મીનેશન નોટિસ આપીને એક મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રીપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જો કે, સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સુચના છતાં ઈજારદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો.
આ સ્થિતિમાં મહાનગર પાલિકા દ્વારા સ્વિંગ ગેટનાં રિપેરીંગ બાબતે ઈજારદારને સ્પષ્ટ તાકિદ કરવામાં આવી હતી. તેમ છતાં ઈજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નિવડી હતી. જેને પગલે નાછૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેઈન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરન્ટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: