જયપુરઃ જેવી રીતે દોરી તૂટ્યા બાદ પણ ગાંઠ પડી જાય છે, તેવી જ રીતે સંબંધોમાં પણ એકવાર આવેલી તિરાડ કારણે પહેલા જેવી વાત નથી રહેતી. કેન્દ્રીય નેતૃત્વના કહેવા પર અશોક ગેહલોત અને સચિન પાયલટે હાથ તો મેળવ્યા, પણ દિલોની દૂરી સ્પષ્ટપણે દેખાતી હતી. આવું જ કંઈક આજે રાજસ્થાન વિધાનસભાના સત્રના પહેલા દિવસે જોવા મળ્યું. જ્યારે સચિન પાયલટની ખુરશી અશોક ગેહલોતની બાજુમાં રાખવામાં આવતી હતી, પરંતુ આજે તેને પાછળ ધકેલી દેવામાં આવી હતી. સચિન પાયલટના ભાષણમાં પણ આ વાત ઉડીને આંખે વળગી હતી. વિધાનસભામાં બોલતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે, ‘આજે હું ગૃહમાં આવ્યો તો જોયું કે મારી બેઠક પાછળ રાખવામાં આવી છે. હું છેલ્લી કતારમાં બેઠો છું. હું રાજસ્થાનથી આવું છું, જે પાકિસ્તાન બોર્ડર પર છે. બોર્ડર પર મજબૂત સિપાઈ તૈનાત રહે છે, હું જ્યાં સુધી અહીં બેઠો છું, સરકાર સુરક્ષિત છે.’
ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થયેલાં રાજસ્થાનના વિધાનસભા સત્રની શરૂઆતમાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અગાઉ તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરી દેવામાં આવ્યો હતો. જેથી વિપક્ષને કોઈ મોકો ના મળે. હકીકતમાં વિપક્ષ ભાજપ પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હતો, પરંતુ અશોક ગેહલોતે પહેલાં જ ચાલ ચાલી અને પૂરેપૂરી તાકાત સાથે વિધાનસભા પહોંચ્યા.
આપને જણાવી દઈએ કે, ગુરૂવારે લગભગ મહિના બાદ પહેલીવાર અશોક ગેહલોત અને તેમના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની મુલાકાત તેમના નિવાસસ્થાને થઈ. આ મુલાકાત બાદ સચિન પાયલટે ટ્વિટ કરતાં કહ્યું કે, તેઓ રાજસ્થાનની પ્રજાના હિતોમાં કામ કરવા માટે દ્રઢ સંકલ્પિત છે. અશોક ગેહલોતે ધારાસભ્ય પક્ષની બેઠકમાં છેલ્લાં એક મહિના દરમિયાન થયેલી વાતો ભૂલીને આગળ વધવાની વાત કરી હતી. સાથે જ તેમણે એ પણ આશ્વાસન આપ્યું કે, તમામ ધારાસભ્યોની ફરિયાદો દૂર થઈ છે. બેઠક બાદ કોંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલે કહ્યું કે, પાર્ટી એકજૂથ છે અને વિધાનસભામાં એકતાથી મુકાબલો કરશે.