HomePoliticsરાજસ્થાન સરકાર સંકટમાઃ અશોક ગેહલોતની બેઠકમાં 102 કોંગ્રેસી ધારાસભ્યો હોવાનો દાવો, સચિન...

રાજસ્થાન સરકાર સંકટમાઃ અશોક ગેહલોતની બેઠકમાં 102 કોંગ્રેસી ધારાસભ્યો હોવાનો દાવો, સચિન પાયલટ જૂથના 4 ધારાસભ્યો પણ બેઠકમાં હાજર

Date:

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર યથાવત છે, સાથોસાથ ચોમાસાના પણ પગરણ મંડાઈ ચૂક્યા છે ત્યારે કોરોના વાઈરસના સંકટ અને વરસાદી વાદળોના સંકટ વચ્ચે રાજસ્થાન સરકાર પર હાલમાં સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. કોરોનાના વાઈરસ વચ્ચે રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પણ ગુજરાત કોંગ્રેસની માફક તોડોના વાઈરસની ઝપેટમાં આવી ગઈ છે. અને તેને બચાવવા માટે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના મોવડીમંડળ મેદાનમાં ઉતરી પડી છે અને રાજસ્થાનના પાટનગર એવા ગુલાબી શહેર જયપુરમાં ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી અશોક ગેહલોતના અધ્યક્ષસ્થાને ચાલી રહી છે. કોંગ્રેસની સરકાર સામે બંડ પોકારનાર રાજસ્થાનના યુવા નેતા અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પક્ષમાં રહેશે કે કેમ એ એક સવાલ અત્યારે સૌ કોઈને સતાવી રહ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલ ડંકાની ચોટ પર કહી રહ્યા છે કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારના કાંગરા કોઈ ખેરવી નહિ શકે અને તે પોતાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ કરશે. તેમના દાવા પ્રમાણે સચિન પાયલટ કોંગ્રેસ સાથે જ છે અને રહેશે. પરંતુ પાયલટનું આગળનું પગલું શું હશે તે કળવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.

રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વર્ષ 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર આવી હતી. અને ત્યારથી જ મુખ્યમંત્રી બનવા માટે થનગની રહેલા સચિન પાયલટના તેવર તે સમયથી જ જોવા મળી રહ્યા હતા. વર્ષ 2018માં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે બન્ને રાજ્યોના યુવા નેતાઓ અનુક્રમે સચિન પાયલટ અને જ્યોતિરઆદિત્ય સિંધિયા જે કોંગ્રેસના યુવરાજ ગણાતા રાહુલ ગાંધીના નિકટના અને ખાસ મિત્રો ગણાતા હતા. તેમણે મુખ્યમંત્રી બનવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા. પરંતુ જે તે સમયે રાહુલ ગાંધીના મનામણાં બાદ બન્ને રાજ્યોમાં અશોક ગેહલોત અને કમલનાથને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરાયું હતું. જોકે, મધ્ય પ્રદેશમાં 14 મહિના ચાલેલી કોંગ્રેસની સરકાર લઘુમતીમાં ત્યારે આવી જ્યારે જ્યોતિરઆદિત્ય સિંધિયાએ મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર સામે બંડ પોકારીને કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. અને તેમના આ પગલાંના કારણે કોરોનાના કપરાં કાળ દરમિયાન ચાલી રહેલા લોકડાઉન દરમિયાન કોંગ્રેસની સરકારનું પતન થયું હતું અને ફરી એકવાર મધ્ય પ્રદેશમાં મામા એટલે કે શિવરાજસિંહ ચૌહાણની સરકાર સત્તા પર આવી હતી. આ સંજોગોને જોતાં તે સમયે એવું લાગતું હતું કે, મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારના પતન બાદ રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશવાળી થવાની શક્યતાઓ રાજકીય પંડિતો જોઈ રહ્યા હતા. અને બન્યું પણ એવું.

શનિવારે મોડી સાંજે રાજસ્થાનમાં રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ શનિવારે નવી દિલ્હી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે પહોંચી ગયા અને શરૂ થયું સત્તા માટેનું મહાનાટક. જોકે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ રાજકારણના અઠંગ ખેલાડી હોવાના કારણે તેમણે પોતાની સત્તા જાળવી રાખવા માટે શનિવારથી જ પોતાની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું હતું. અને તેને જોતાં પાયલટ જૂથના કેટલાંક ધારાસભ્યો રવિવારે સાંજ સુધીમાં મુખ્યમંત્રી ગેહલોતને મળવા પહોંચી ગયા અને બીજી બાજુ માત્ર જૂજ ધારાસભ્યોના ટેકે રહેલા સચિન પાયલટ એકલા પડી ગયા. સોમવારે સવારે જયપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી અને આ બેઠકમાં તમામને હાજર રહેવા માટે વ્હીપ પણ જારી કરી દીધો. આ વ્હીપ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, જો આ બેઠકમાં ધારાસભ્ય હાજર નહિ રહે તો તેમની સામે પક્ષ દ્વારા પગલાં ભરવામાં આવશે. આ પ્રકારના આદેશના કારણે મોટાભાગના ધારાસભ્યો બેઠકમાં હાજર રહેવા પહોંચવા માંડ્યા. તો બીજી બાજુ દિલ્હીથી કોંગ્રેસના મોવડી મંડળ અને ખાસ કરીને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની સૂચનાને પગલે રણદીપ સુરજેવાલ, અવિનાશ પાંડે રવિવારે રાત્રે જયપુર પહોંચી ગયા. અને સોમવારે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે. વેણુગોપાલ પણ ત્રિવેન્દ્રમથી ચાર્ટર્ડ પ્લેન મારફતે જયપુર પહોંચી ગયા.

રાજસ્થાનમાં ઊભા થયેલાં રાજકીય સંકટ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ કર્યો હતો કે, ભાજપ કોંગ્રેસની સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદીને સરકાર તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો રણદીપ સુરજેવાલે પણ આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકારના ઈશારે ઈડી અને આવકવેરા વિભાગ દ્વારા ધારાસભ્યો તેમ જ રાજસ્થાન સરકારના મંત્રીઓને ત્યાં દરોડા પડાવીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પાયલટની નારાજગીનું મુખ્યકારણ ધારાસભ્યોના ખરીદ વેચાણ અંગે તપાસ કરી રહેલી SOGની નોટિસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલટને કોંગ્રેસના અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. જે પ્રકારની રાજસ્થાનમાં રાજરમત ચાલી રહી છે તેને જોતાં એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે, રાજસ્થાન સરકારમાં ક્યાંક અસ્થિરતા ચોક્કસ છે. જો SOGની વાત માનીએ તો તેમની તપાસમાં ગેરકાયદેસર હથિયાર અને વિસ્ફોટક સામગ્રીની ચોરી સાથે જોડાયેલા મામલામાં બે મોબાઈલ નંબર સર્વેલન્સ પર લીધા હતા. અને આ સર્વેલન્સ પર લેવાયેલા મોબાઈલની વાતચીતમાં સામે આવ્યું કે રાજ્યસભાની ચૂંટણી પહેલાં સરકાર તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય એમ ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયા આપવાની પણ માહિતી બહાર આવી હતી. જે સંદર્ભે કાર્યવાહી સામે પાયલટે નારાજગી વ્યક્ત કરી છે.

SHARE

Related stories

Latest stories