વીર નર્મદ યુનિ.નો ૫૪મો પદવીદાન સમારોહ
૫૦ વર્ષ બાદ ‘શિક્ષણની સેકન્ડ ઈનિંગ’: ૭૧ વર્ષે એમ.એ ઈન પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવતા અમરિષકુમાર રામચંદ્ર ભટ્ટ
B.SC, LLB અને જર્નાલિઝમ બાદ હવે M.A ઈન પોલિટિકલ સાયન્સમાં ઉત્તીર્ણ:સેકન્ડ માસ્ટર ડિગ્રી તરીકે એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ શરૂ કરતા અમરિષકુમાર
’ભણતર પ્રત્યેનો લગાવ અને સમય સાથે નવી સ્કીલ શીખવાની ચાહે ફરી ‘બેક ટુ સ્કુલ’ની પ્રેરણા આપી
જીવનમાં જે કંઈ પણ મળ્યું એ શિક્ષણ અને શિક્ષકોના યોગ્ય ઘડતરને આભારી છે’ :- અમરિષકુમાર ભટ્ટ
AGE IS JUST A NUMBER… મુખ પર સ્મિત સાથે ખૂબ જ નિખાલસતાથી આ કહેવત કકહેતા અને તેને યથાર્થ સાબિત કરતા મૂળ અમદાવાદના ૭૧ વર્ષીય અમરિષકુમાર રામચંદ્ર ભટ્ટ યુવાઓ જ નહિં, પણ કેટલાય વયસ્કો માટે પણ પ્રેરણા સમાન છે. વીર નર્મદ યુનિ. ખાતે યોજાયેલા ૫૪માં પદવીદાન સમારોહમાં હજારો નવયુવાનો સાથે ૭૧ વર્ષની વયે અમરિષભાઈએ એમ.એ ઈન પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી હતી. શિક્ષણરાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે તેમણે પદવી સ્વીકારી ત્યારે સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
વર્ષ ૧૯૭૩માં B.SCની ડિગ્રી મેળવ્યા બાદ LLB તેમજ જર્નાલિઝમ કર્યા બાદ ૫૦ વર્ષ પછી ‘શિક્ષણની સેકન્ડ ઈનિંગ’ તરીકે અમરિષભાઈએ એમ.એ.ની ડિગ્રી સાથે કોલેજમાં કમબેક કર્યું અને તેમના પ્રયત્નોમાં સફળતા પણ મેળવી. ૭૧ વર્ષની વયે ભણતરમાં ફરી ઝંપલાવવા અંગે પૂછતાં તેમણે કહ્યું કે ‘જ્ઞાન મેળવવાની વળી કયા કોઈ ઉંમર છે? એજ ઈઝ જસ્ટ અ નંબર..’. ભણતર પ્રત્યેનો મારો લગાવ અને સમય સાથે નવી સ્કીલ ડેવલપ કરવાની ઈચ્છાએ મને ફરી કોલેજના પગથિયાં ચઢવાની પ્રેરણા આપી. વિશેષત: એમ.એ ઈન પોલિટિકલ સાયન્સ બાદ સેકન્ડ માસ્ટર ડિગ્રી તરીકે તેમણે એમ.એ ઈન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.
જર્નાલિઝમમાં ગોલ્ડ મેડલિસ્ટ રહેલા અમરિષભાઈ ૪૫ વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા રહ્યા. તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાઈને શિક્ષણસેવાનો યજ્ઞ શરૂ કર્યો. શિક્ષણને પોતાના જીવનનો પાયો માનનાર અમરિષભાઈ કહે છે કે, જીવનમાં મને જે કંઈ પણ મળ્યું છે એ શિક્ષણ અને મારા અનેક શિક્ષકોના યોગ્ય ઘડતરને આભારી જ છે.
‘જ્ઞાનનું હસ્તાંતરણ થવું જરૂરી છે’ એમ જણાવતા તેમણે કહ્યું કે, જ્ઞાન એક પાસેથી મેળવી બીજાને આપવાની પ્રક્રિયા છે અને એ અવિરતપણે શરૂ રાખવાનું કામ આપણે સૌએ કરવું જોઈએ.
એમ.એ. બાદ આગળ અભ્યાસ માટે તેમણે પી.એચડીની ડિગ્રી મેળવવાની મક્કમતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હું રામચરિત માનસને આધારે ભગવાન રામે અગણિત લોકો સાથે સાંધેલા જનસંપર્કનું ૨૧મી સદીમાં મોડર્ન એપ્લિકેશન વિષય પર રિસર્ચ કરવા માંગુ છું.
પોતાણી અદભૂત શિક્ષણયાત્રાથી અન્યોના જીવન માટે પ્રેરણાસ્ત્રોત બનનારા અમરિષભાઈએ સાચે ‘બેક ટુ સ્કુલ’ ના અભિગમને સાર્થક કર્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ