HomeGujaratThe Chief Minister Reached The State Emergency Operation Center/સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર...

The Chief Minister Reached The State Emergency Operation Center/સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ‘બિપરજોય‘ વાવાઝોડાના તાગ મેળવતા મુખ્યમંત્રી/India News Gujarat

Date:

ગુરુવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સંદર્ભે સ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
……….

ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આપદા પ્રબંધન માટે વિવિધ વિભાગો દ્વારા કરાયેલી કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી
………..

બિપરજોયની ગતિમાં ઘટાડો આવ્યો, વાવાઝોડું રાત્રે ૯ થી ૧૦ કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન; પવનની ગતિ ૧૧૫-૧૨૫ kmph રહેવાની સંભાવના: રાહત કમિશનર આલોકકુમાર પાંડે
…….

• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૯૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
• વન્ય પ્રાણીઓ ની સુરક્ષા-સલામતી માટે વન વિભાગ દ્વારા ૧૮૦ ટીમો તૈયાર કરાઈ
• રાજ્યમાં અત્યારસુધીમાં ધરાશાયી થયેલા તમામ ૪૦૦ વૃક્ષોને હટાવી રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા
• ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા
…….


ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
બેઠકમાં મુખ્યમંત્રીએ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરૂવારે રાત્રે ૯ થી ૧૦ કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે પરંતુ સંકટ હજુ ટળ્યું ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે.
રાહત કમિશનરએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૯૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ૪૮૬૪, કચ્છમાં ૪૬,૮૨૩, જામનગરમાં ૯૯૪૨, પોરબંદરમાં ૪૩૭૯, દેવભૂમિ દ્વારકામાં ૧૦,૭૪૯, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૮૨૨ મળી કુલ ૯૪,૪૨૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે. સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા આ ૮ જિલ્લાના ૫૫ તાલુકાઓમાં ગત ત્રણ દિવસ દરમિયાન કુલ ૨૨૪૮ એમ.એમ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાયા બાદ તા ૧૬ જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પરિણામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા છે.
તેમણે ઉમેર્યું કે, સંભવિત વાવાઝોડાના પરિણામે જનજીવન ઉપરાંત વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થઇ શકે છે. વન્યજીવોની સુરક્ષા-સલામતીને ધ્યાને લઇ વન વિભાગ દ્વારા ૧૮૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ ઢોર ઢાંખર ખુલ્લા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ સંભવિત વાવાઝોડાથી અસરગ્રસ્ત થનારા જિલ્લાઓમાં વરસાદ કે ભારે પવનને કારણે વીજપૂરવઠો ખોરવાઇ જાય તો લોકોને પીવાનું પાણી સરળતાએ મળી રહે તે માટેની વ્યવસ્થાઓ પાણી પૂરવઠા વિભાગે ગોઠવી છે.
પાણી પૂરવઠાને વિપરીત અસર ન પડે અને વોટર સપ્લાય ચાલુ રહે તે માટે કુલ મળીને રપ જેટલા જનરેટર સેટ કચ્છ, દ્વારકા અને જામનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એેટલું જ નહિ, પાંચ ડિઝલ જનરેટર સેટ મોરબીમાં બેકઅપ તરીકે તૈયાર રાખવામાં આવ્યા છે.
એક ચીફ ઇજનેરને કચ્છમાં મોકલવામાં આવ્યા છે તેમજ અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓને મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર ખાતે ફરજ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત વૃક્ષો ધરાશાઈ થાય તો તેને ખસેડીને રસ્તાઓ પુનઃ કાર્યરત કરવા માર્ગ અને મકાન વિભાગની ટીમોને જરૂરી મશીનરી અને ડીઝલ જનરેટર સાથે તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની ૪૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને હટાવીને રસ્તાઓને ચાલુ કરી દેવામાં આવ્યા છે.
રાહત કમિશનરએ કહ્યું કે, સંભવિત વાવાઝોડાને પરિણામે સંદેશા વ્યવહારને અસર ન પડે તે માટે મોબાઇલ ઓપરેટર્સ ઇન્ટ્રાસર્કલ રોમિંગની સુવિધા સાથે સજ્જ છે.
આ ઉપરાંત સેટેલાઇટ ફોન્સ, વાયરલેસ નેટવર્કનો પણ જરૂર જણાયે ઉપયોગ થઇ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
તેમણે NDRF, SDRF અને પોલીસ તથા વહીવટીતંત્ર સૌ સાથે મળીને આ સંભવિત વાવાઝોડાથી ઓછામાં ઓછું નુકશાન થાય તેવા પૂરતા સહિયારા પ્રબંધનથી કાર્યરત છે તેમ પણ ઉમેર્યુ હતું.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

SHARE

Related stories

Latest stories