HomeGujaratWorld Yoga day: Guinness World Records/તા.૨૧ જૂન- વિશ્વ યોગ દિવસ: ‘વસુધૈવ કુટુમ્બકમ...

World Yoga day: Guinness World Records/તા.૨૧ જૂન- વિશ્વ યોગ દિવસ: ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’/India News Gujarat

Date:

તા.૨૧ જૂન- વિશ્વ યોગ દિવસ: ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’

સુરત બન્યું યોગમય: રાજ્ય કક્ષાના યોગદિન ઉજવણી કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ રેકોર્ડ સર્જ્યો

મુખ્યમંત્રી :
》ગુજરાતમાં ૫૧ યોગ સ્ટુડિયોનું નિર્માણ કરાશે
》યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે યોગ બોર્ડની સ્થાપના કરી: પરિણામે ૫,૦૦૦ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ
》વડાપ્રધાનશ્રીએ યોગને વિશ્વભરમાં પ્રચલિત કરી ભારત માતાને ગૌરવ અપાવ્યું

》આપણી સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી ચૂકી છે

સામૂહિક યોગાભ્યાસથી સુરતમાં રચાયેલો ઈતિહાસ આપણા માટે ગૌરવપ્રદ ક્ષણ: યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણી: સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી દેશવાસીઓને વિડીઓ સંદેશના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી
એક સાથે ૧.૫૦ લાખ નાગરિકો દ્વારા સામૂહિક યોગસાધનાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ગુજરાતના સુરતના નામે
ગુજરાતભરના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થયા:

તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું હતું કે, આપણી સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી ચૂકી છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના સાર્થક પ્રયાસોથી વિશ્વભરમાં યોગવિદ્યા પ્રચલિત બનતા ભારત માતાને અનેરૂ ગૌરવ મળ્યું છે.
રાજ્યમાં યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે યોગ બોર્ડની સ્થાપના કરી છે, પરિણામે ૫,૦૦૦ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે એમ જણાવી આ પ્રયાસોને વધુ આગળ વધારતા રાજ્યમાં નવા ૫૧ યોગ સ્ટુડિયોનું નિર્માણ કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત રાજ્ય કક્ષાના યોગદિન કાર્યક્રમમાં સમગ્ર સુરત યોગમય બન્યું હતું.
એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવ્યું છે.
સુરતના વિશ્વ વિક્રમ બનવાની આ ઐતિહાસિક ક્ષણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસના પ્રતિનિધિઓએ અધિકૃત જાહેરાત કરી હતી તેમજ મુખ્યમંત્રીને રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાનને ફાળે જાય છે. યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે આપણે સૌએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગ વિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં લોકોને આરોગ્યની મહત્તા સુપેરે સમજાઈ છે, આવા વિકટ સમયમાં યોગ-પ્રાણાયામ સંજીવની સમાન બન્યા હતા ત્યારે આપણા ૠષિમુનિઓની અમૂલ્ય ભેટ સમાન યોગવિદ્યા આધુનિક યુગમાં સ્વસ્થ જીવન જીવવાની ચાવી બની છે.
મંત્રીએ સ્વદેશી વેક્સીન અને મિત્ર દેશોને નિ:સ્વાર્થ ભાવે વેક્સીન પૂરી પાડવાની હકારાત્મક નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોરોના મહામારીનો ધીરજ, મક્કમતા અને આગવી સુઝબુઝથી સામનો કરીને દેશવાસીઓને સુરક્ષિત રાખવામાં વડાપ્રધાનનો સિંહફાળો રહ્યો છે.
તેમણે સ્વદેશી રસી વિકસાવી દેશને આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું જ સાથોસાથ જરૂરિયાત ધરાવતા નાના દેશોને વેક્સીન પૂરી પાડી ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી હોવાનું ગર્વથી જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના સુશાસનને ૯ વર્ષ તેમજ ૯મા વિશ્વ યોગ દિવસનો સંયોગ સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રી ઉમેર્યું કે રાજ્યમાં ૭૦૦૦થી વધુ સ્થળોએ સવા કરોડ જેટલા લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નિરોગ રહેવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યોગ એ પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે.
સમગ્ર વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરતમાં રચાયેલો ઈતિહાસ આપણા માટે ગૌરવપ્રદ ક્ષણ છે.
મોડા સૂવાની અને મોડા જાગવાની પ્રકૃતિ ધરાવતા સુરતીઓ યોગદિને વહેલી સવારથી સજ્જ થઈને રેકોર્ડબ્રેક સંખ્યામાં વેસુમાં એકઠા થયા છે જે સરાહનીય છે એમ જણાવી સુરતીઓના સ્પિરિટને બિરદાવ્યો હતો.
સરકારે મક્કમ મનોબળ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો ‘ટીમ ગુજરાત’ બનીને કર્યો, પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં એક એક વ્યક્તિને સુરક્ષિત રાખવામાં સફળતા મળી હોવાનો ઉલ્લેખ ગૃહ રાજ્યમંત્રીએ કર્યો હતો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, એક સાથે દોઢ લાખ લોકોની સામૂહિક યોગસાધનાથી ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રેકોર્ડ સર્જાયો છે એમ જણાવી સ્વાસ્થ્યની જાળવણી માટે જનસામાન્યની પસંદ બનેલા યોગને જીવનનો ભાગ બનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ વેળાએ મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે યોગના મહત્વ અને યોગના ઈતિહાસ આધારિત કોફી ટેબલ બુક ‘યોગ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા હતા.
યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂતે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો.
તેમણે વિવિધ યોગાસનો કરાવીને યોગ નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વ પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડિયા, સંદિપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, રમત ગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર સહિત પાલિકાના પદાધિકારી-અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને યોગપ્રેમી યુવાનો, બાળકો, મહિલાઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતવાસીઓ યોગ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
. . . . . . . . . . . . .
સુરત ખાતે આયોજિત રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમમાં Y જંકશન થી SVNIT સર્કલ -૪ કિ.મી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – ૪ કિ.મી સુધી, તેવી જ રીતે Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ – ૪.૫ કિ.મી સુધી મળી પ્રતિ ૧ કિમી આશરે ૧૦,૦૦૦ નાગરિકો એટલે કે ૧,૨૫,૦૦૦ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું. સુરતવાસીઓ યોગ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

SHARE

Related stories

Latest stories