HomeGujaratThe Heart Operation Was Successful/દોઢ વર્ષીય રૂદ્રના હ્રદયનું સફળ ઓપરેશન થયું/India News...

The Heart Operation Was Successful/દોઢ વર્ષીય રૂદ્રના હ્રદયનું સફળ ઓપરેશન થયું/India News Gujarat

Date:

કામરેજ તાલુકાના નવાગામના દોઢ વર્ષીય રૂદ્રના હ્રદયનું સફળ ઓપરેશન થયું

હ્રદયની નળી સાંકડી હોવાથી બીમાર રહેતા રૂદ્ર મીર(ભરવાડ)નું હ્રદયનું ઓપરેશન શાળા આરોગ્ય(આર.બી.એસ.કે.) યોજના હેઠળ વિનામૂલ્યે થયું

આરોગ્ય તંત્રના સઘન પ્રયાસોના પરિણામે માત્ર બે દિવસમાં તમામ સરકારી પ્રોસેસ પૂર્ણ કરાઈ: એક દિવસની વહીવટી પ્રોસેસ અને બીજા દિવસે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ઓપરેશન

એક સમયે સુરતના ડોકટરોએ કહી દીધુ હતું કે, ‘‘તત્કાલ ઓપરેશન કરવું પડશે નહીંતર..”

ખાનગી હોસ્પિટલમાં ત્રણથી ચાર લાખના ખર્ચે થતુ ઓપરેશન સરકારની યોજનાથી વિનામૂલ્યે થયુંઃ

પશુપાલક પરિવારના દીકરા રુદ્ર મીરને મળ્યું નવજીવન

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના રાજુભાઇ મીર પશુપાલકના દિકરા રૂદ્ર ના હૃદય રોગની વિનામુલ્યે સફળ સારવાર થતાં નવજીવન મળ્યું છે. નાનકડા રૂદ્ર મીરના પરિવારમાં ખુશીનો માહૌલ છે. શાળા આરોગ્ય(આર.બી.એસ.કે.) યોજના હેઠળ આરોગ્ય વિભાગના પ્રયાસો થકી બે દિવસમાં શકય બન્યું છે.
કામરેજ તાલુકાના નવાગામના નેસ ફળિયામાં રહેતા રાજુભાઈ વહાભાઇ મીર(ભરવાડ)ના ઘરની વાત છે. તા.૨૭.૪.૨૦૨૨ના રોજ તેમના પત્ની રતનબેને એક સુંદર અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. બાળકનું નામ રૂદ્ર પાડયું. નાનકડા, રૂપકડા રૂદ્રને જોઈને પરિવારના બધા સભ્યો ખુબ જ રાજી રાજી થઈ જતા. પરંતુ આ આનંદ જાણે કે, થોડોક સમય માટે જ હોય તેમ રૂદ્રને વારંવાર ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ થવાની શરૂ થઈ. વારંવાર દવાખાને જતા હતા, પણ કોઈ ફરક પડતો ન હતો. તા.૧૭/૦૧/૨૦૨૩ના રોજ રાજુભાઈ તેમના દીકરા રૂદ્રને લઈને સુરત શહેરની મોટી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોકટરોએ તપાસ કરીને જણાવ્યું કે, બાળકના હ્રદયની નળી સાંકડી છે. તત્કાલ ઓપરેશન કરાવવું પડશે, નહીંતર સ્થિતિ ગંભીર થશે અને ખર્ચ ત્રણથી ચાર લાખ થશે. આ સમાચાર માતા-પિતા માટે આઘાતજનક હતા.
તબેલામાં પશુપાલન અને છુટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા અને સંયુકત પરિવારમાં રહેતા રાજુભાઈની ચિંતામાં વધારો થયો. તેની સારવારનો ખર્ચ ક્યાંથી કાઢવો? વગેરે બાબતોની ચિંતામાં દિવસ વિતાવ્યો. બીજા દિવસે તેમના ઘરે આશાવર્કર એવા અનસુયાબેન મનોજભાઈ વણકર આવ્યા ત્યારે રાજુભાઈ પાસેથી રૂદ્રની બિમારી વિશે જાણવા મળ્યું. તેમણે તત્કાલ રૂદ્રની બિમારી વિશે શાળા આરોગ્યના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડૉ. મહેન્દ્રભાઈ ઘોઘારીને ફોન કરીને પરિસ્થિતિથી વાકેફ કરાવ્યા.
ડો.મહેન્દ્ર ઘોઘારી રાજુભાઈના ઘરે આવ્યા અને સાંત્વના આપતાં સમજાવ્યું કે, રૂદ્રને જન્મથી કુદરતી આ તકલીફ છે, પરંતુ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. તબીબી ક્ષેત્રે હવે સારવારના નવા રસ્તા ખૂલી ગયા છે. બાળકનું ઓપરેશન અને સારવાર અમદાવાદની હૃદય રોગની સારવાર માટે જાણીતી યુ.એન મહેતા હોસ્પિટલમાં તદ્દન વિનામૂલ્યે થશે. તમારે કોઈ પાઈ પૈસાનો ખર્ચ કરવાની જરૂર નહીં પડે તેવી સમજ પણ આપી. તે જ દિવસે તા.૧૭/૦૧/૨૦૨૩ના રોજ માત્ર એક દિવસમાં રૂદ્રનું સંદર્ભકાર્ડ તૈયાર કરી જરૂરી સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી ઉચ્ચકક્ષાએથી સારવારની મંજૂરી મેળવી લીધી.
બીજા દિવસે એટલે કે, તા.૧૮/૧/૨૦૨૩ના રોજ રાત્રિના સમયે રૂદ્રને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરીને તા.૧૯મીએ હ્રદયનું સફળ ઓપરેશન કરીને જન્મજાત ખામી દૂર કરવામાં આવી. બીજા દિવસે રજા આપવામાં આવી.
રૂદ્રના મોટા બાપા ઘુઘાભાઈ મીરે જણાવ્યું કે, હાલ અમારો રૂદ્ર ખૂબ જ તંદુરસ્ત છે. એક વર્ષ અને પાંચ માસની ઉંમર થઈ છે. ડોકટરો નિયમિત મુલાકાત લઈને કાળજી રાખે છે. આરોગ્ય વિભાગના તબીબો અમારા રૂદ્ર માટે ભગવાન બનીને આવ્યા. સરકારની યોજના હેઠળ અમારા રૂદ્રને નવજીવન મળ્યું છે. અમોને અમદાવાદથી સુરત આવવાનું ભાડુ પણ સરકારે ચૂકવ્યું છે.
આર.બી.એસ.કે.ટીમના સભ્ય ડો.મહેન્દ્ર ઘોઘારી તથા ડો.દક્ષાબેન આહિરે જણાવ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોની વર્ષમાં બે વાર અને ૬ થી ૧૮ વર્ષના બાળકોની એક વાર તબીબી તપાસ કરવામાં આવે છે. જો કોઈ ગંભીર બિમારી હોય તો તત્કાલ ઓપરેશન માટેની કાર્યવાહી કરવામાં આવે છે. અમારી હેલ્થ ટીમ બાળક રૂદ્રની નિયમિત તપાસ કરવા માટે આવે છે. હવે રૂદ્ર ખૂબ જ સ્વસ્થ છે અને હસતો-રમતો થઈ ગયો છે. રૂદ્ર અને તેના પરિવારની ખુશીઓ પાછી ફરી છે.

SHARE

Related stories

Latest stories