નાનપુરા ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડૂત FPO)ના ખારેક વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકાયું:
કચ્છની મીઠી અને રસદાર ખારેકનો સ્વાદ સુરતીઓને ઘરઆંગણે મળશેઃ
૨૩ દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્ર ખુલ્લુ રહેશેઃ કચ્છના ખેડૂતો પાસેથી મધમીઠી ખારેક ખરીદવાની સુવર્ણતકઃ
કચ્છની મીઠી અને રસદાર ખારેકનો સ્વાદ સુરતીઓને ઘર આંગણે મળી રહે એ માટે સુરત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ (ખેડુત FPO) દ્વારા નાનપુરા, સ્નેહમિલન ગાર્ડન સામે, મહેતા પાર્ક ખાતે આગામી ૨૩ દિવસ માટે ખારેક વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકાયું છે. તા.૨૮ જૂનથી ૨૦ જુલાઈ દરમિયાન શરૂ રહેનાર આ કેન્દ્ર પરથી ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓ હવે કચ્છની પ્રખ્યાત ખારેકની ખારેકની ખરીદી કરી તેની મીઠાશ માણી શકશે.
પ્રાક્રિત ફાઉન્ડેશન એફ.પી.ઓ. (ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન)ના સંચાલક અને ખારેકની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતશ્રી શ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં આવી પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરી રહ્યા છે. જેમાં હાલ ૧૫ પ્રકારની મીઠી ખારેક મળી રહેશે. જ્યારે સિઝન મુજબ સમય જતા અન્ય ૫૫ જાતની ખારેક પણ અહીં ઉપલબ્ધ બનશે.
તેમણે કચ્છી મેવા તરીકે જાણીતી કચ્છી ખારેકને હાલમાં જ જી.આઈ. ટેગ મળ્યો હોવાનું જણાવી ઉમેર્યું કે, સુપર ફ્રુટ ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. કચ્છી દેશી ખારેક કાર્બોદિત અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. ભારતના કુલ ખારેક ઉત્પાદનના ૮૫ ટકા ઉત્પાદન એકલા કચ્છ જિલ્લામાં થાય છે.
ફિનલેન્ડના સોશ્યલ સાયન્ટીસ્ટ મરિયાના યાવહોલા કરી રહ્યા છે ખારેક પર સંશોધન
. . . . . . . . . . . . . . . . . . . .
ખેડૂતોના ગ્રુપ સાથે સુરત આવી મદદરૂપ થઈ રહ્યા છે મરિયાના
બાગાયત કચેરી અને અને કચ્છના પ્રાક્રિત ફાઉન્ડેશન દ્વારા નાનપુરા ખાતે ૨૩ દિવસ માટે કચ્છી ખારેકના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એફ.પી.ઓ.ના ખેડૂત સભ્યો સાથે ફિનલેન્ડના સોશ્યલ સાયન્ટીસ્ટ મરિયાના યાવહોલા પણ સુરત આવ્યા છે.
મરિયાના યાવહોલા ફિનલેન્ડની રાજધાની હેલસિન્કીના રહીશ છે. કચ્છી ખારેક અને તેની મીઠાશથી પ્રભાવિત થઈને ખારેક પર રિસર્ચ કરી રહ્યા છે. મરિયાના યાવહોલા તેઓ વર્ષમાં બે થી ત્રણ વાર કચ્છ આવીને પોતાના રૂટિન સંશોધન કાર્ય સાથે બાગાયતી ખેતી કરતા ખારેકના ખેડૂતોને મદદરૂપ થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, કચ્છ યુનિવર્સિટી અને ફિનલેન્ડની યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સંશોધનના આદાનપ્રદાનના ભાગરૂપે હું કચ્છ આવી હતી, એ દરમિયાન કચ્છી ખારેકનો સ્વાદ માણ્યો ત્યારે મને અહીંના ખેડૂતો અને ખેતીમાં રસ જાગ્યો હતો. છેલ્લા ચાર વરસથી વર્ષમાં બે થી ત્રણ વાર હું કચ્છ આવું છું. દર વર્ષે કચ્છના ૬૦૦૦ જેટલા ખેડૂતો અંદાજીત ૨૦ હજાર હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે. જેથી શ્યામભાઈના સહયોગથી કચ્છના ખારેકની ખેતી કરતા ખેડૂતોને વિશાળ માર્કેટ અને યોગ્ય વળતર મળે એવા પ્રયાસો કરીએ છીએ.