Surat News: વિદ્યાર્થીની બેગમાંથી મળ્યા હુક્કાના ફ્લેવરના માદક પદાર્થ-India News Gujarat
Surat News: સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને લઈને અનેક વિવાદો સામે આવતા રહે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારની શાળામાં શાળા પૂર્ણ થયા બાદ કેટલાક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની પણ ફરિયાદો સામે આવતી રહે છે. વાલીઓએ આ શાળાની અંદર ચાલતી પ્રવૃત્તિઓ અંગે શિક્ષણ સમિતિના આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાને જાણ કરી હતી. ત્યારબાદ શાળામાં જ્યારે તપાસ માટે ગયા હતા ત્યારે વિદ્યાર્થીની બેગમાંથી હુક્કામાં વપરાતા મસાલા ફ્લેવરના માદકપદાર્થો મળી આવતાં ચોંકી ઉઠ્યા હતા.
ધોરણ 6ના વિદ્યાર્થીના બેગમાંથી મળ્યા નશીલા પદાર્થ
આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્યોને જ્યારે આ બાબતે જાણ થઈ ત્યારે તેઓ પોતે શાળામાં જઇને તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભેસ્તાન વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 6ના વિદ્યાર્થીઓની બેગ તપાસતા હુક્કા માટે અલગ અલગ ફ્લેવર ઉપયોગમાં લેવાતા હોય તેવા માદક પદાર્થ મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ધોરણ 6ના વર્ગમાં વિદ્યાર્થીઓની બેગ તપાસવા દરમિયાન માદક પદાર્થો મળી આવ્યા તે ખૂબ જ ગંભીર બાબત છે. વાલીઓ દ્વારા પણ વારંવાર શાળાના કેમ્પસમાં સામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદો કરી હતી.
ન.પ્રા,શિ.સ. ચેરમેનનો શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાને જાણ કરી
આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ મળેલા માદક પદાર્થ અંગે શાળાના આચાર્ય તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહને તેમજ શાસના અધિકારીને જાણ કરી હતી. રાકેશ હિરપરાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે જે માદક પદાર્થ મળ્યું છે. તેની મૌખિક રીતે વાત કરી હતી અને ત્યારબાદ શાળાની અંદર સિક્યુરિટી વધારવામાં આવે તેમ જ અસામાજિક તત્વો અંદર દાખલ ન થાય તેના માટે સીસીટીવી મૂકવામાં આવે એ બાબતનો લેખિત પત્ર આપ્યો છે.
આવી કોઈ ઘટના બની હોવાનો સ્પષ્ટ ઇન્કાર
આ બાબતે દિવ્યભાસ્કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આવી કોઈ પણ ઘટના બની હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે આવો કોઈ માદક પદાર્થ વિદ્યાર્થીઓ પાસેથી મળ્યો નથી. સ્પષ્ટ ઈનકાર કરી દીધા બાદ તેમને પૂછવામાં આવ્યું કે શાળામાં સિક્યુરિટી વધારવી જોઈએ તેમજ સીસીટીવી કેમેરા લગાડવા જોઇએ કારણ કે આ કેમ્પસની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. આ બાબતે લેખિતમાં આમ આદમી પાર્ટીના શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા લેખિતમાં તમને કોઈ ફરિયાદ કરી છે. આ બાબતે પણ ધનેશ શાહે આવો કોઈ લેટર મને મળ્યો નથી એ પ્રકારની વાત કરી હતી.
ઘટનામાં કોઈ તથ્ય નથીઃ શાસના અધિકારી
શાસના અધિકારી વિમલ દેસાઈ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓની બેગમાંથી આ પ્રકારના કોઈ માદક પદાર્થ મળી આવ્યા હોય તેવું મૌખિક અને લેખિત પણ કોઈ જાણ કરવામાં નથી આવી. રાકેશ હિરપરા જે વાત કરી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી.