કલા અને સંસ્કૃતિનું સાક્ષી એવું શહેરનું ગાંધીસ્મૃતિ ભવન હેરીટેજ લુક સાથે તૈયાર થશે
વર્ષ 1974માં ખાતમુહુર્ત થયા બાદ 6 વર્ષે તૈયાર થઇ વર્ષ 1980માં લોકો માટે ખુલ્લું મુકાયેલું અને કલા અને સંસ્કૃતિનું સાક્ષી એવું શહેરનું ગાંધીસ્મૃતિ ભવન નવી સાજ સજ્જા અને હેરીટેજ લુક સાથે તૈયાર થવા જઈ રહ્યું છે. જે માટે કુલ રૂા. 46 કરોડના અંદાજને મનપાની જાહેર બાંધકામ સમિતિમાં મંજુરી આપવામાં આવી છે.
ગાંધી સ્મૃતિ હોલ ભવનની ડિઝાઈન કેવી કેવું હોવું જોઈએ તે માટે સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે. નવી ઓડિટોરિયમ કેવું હોવું જોઈએ તે માટે કલાકારો જ વધારે સારી રીતે સ્પષ્ટતા કરી શકે છે. એથી, કલાકારોને પણ આ સલાહકાર સમિતિમાં સમાવાયા છે.
ગુજરાતી રંગમંચના સ્ટાર નાટ્યકારો સંજય ગોરડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, યજદી કરંજિયા સહિતના મોટા કલાકારો અને સંગીતકારો, નિર્માતાઓ, ડાયરેકટરો વગેરે કુલ 24 સભ્યોનો સમાવેશ કરાયો છે. જેઓના અભિપ્રાય લઈ ગાંધી સ્મૃતિ ઓડિટોરીમના નવા ભવનની ડિઝાઈન બનાવાઈ છે.
ગાંધી સ્મૃતિ ઓડિટોરીયમને હેરીટેજ લુક આપવાની સાથે સાથે ગ્રીન બિલ્ડીંગ તરીકે ડેવલપ કરવામાં આવશે. ગાંધીસ્મૃતિ ભવનમાં નવી ખુરશીઓ, રૂફ રિપેરિંગ, સ્ટ્રકચર રિપેરિંગ, ઇન્ટિરિયર વર્ક, ફિનિશિંગ વર્કની સાથે લાઈટિંગ વ્યવસ્થા, સાઉન્ડ, ઓડિયો સિસ્ટમ અદ્યતન કરવા માટે મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
કુલ રૂા. 46 કરોડના અંદાજને મનપાની જાહેર બાંધકામ સમિતિ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જેમાં 20 કરોડના ખર્ચે સિવિલ વર્ક, 5.28 કરોડના ખર્ચે ઈન્ટીરીયર, 2 કરોડની ઓડિયો સીસ્ટમ, 1.48 કરોડની સ્ટેજ લાઈટ અને સ્ટેજ કરટેઈન હશે. તેમજ આવતા અઠવાડિયે પદાધિકારીઓ તેમજ જાહેર બાંધકામ સમિતિના સભ્યો નવા ગાંધીસ્મૃતિ ભવનની ડિઝાઈન માટેનું પ્રેઝન્ટેશન જોશે અને જરૂર જણાય તો ભવનની ડિઝાઈનમાં ફેરફાર કરાશે.