HomeGujaratSpeaking Of The Witness Of India's Independence/'મારી માટી, મારો દેશ': 'વાત ભારતની...

Speaking Of The Witness Of India’s Independence/’મારી માટી, મારો દેશ’: ‘વાત ભારતની આઝાદીના સાક્ષીની’/India News Gujarat

Date:

મારી માટી, મારો દેશ’: ‘વાત ભારતની આઝાદીના સાક્ષીની

નારીરત્ન: સુરત શહેરના હયાત શતાયું સ્વતંત્રતા સેનાની લલિતાબેન વશીના હૃદયમાં હજુ પણ સળગે છે આઝાદીની લડતની ચિનગારી

જેલમાં આઝાદીના સૂરીલા ગીતો ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ ગાઈને દિવસો પસાર કરતા: સ્વાતંત્ર્ય સેનાની લલિતાબેન વશી

૧૦૨ વર્ષે પણ અડીખમ સુરતના સ્વાતંત્ર્ય સેનાની લલિતાબેન અને તેમના પતિ છગનલાલને તામ્રપત્રની ભેટ મળી હતી

ભારતીય સ્વતંત્રતા આદોલનનો ઈતિહાસ ભારતીયોના સંઘર્ષની અદ્દભૂત ગાથા છે. જેમાં હજારો પુરૂષ અને મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સમાન અને સંઘર્ષપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા સંગ્રામનું રાષ્ટ્રીય આંદોલન જ્યારે જનઆંદોલનમાં પરિવર્તિત થયુ ત્યારે સમાજના પ્રત્યેક વર્ગમાંથી લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું હતું. આ કાર્યમાં મહિલાઓ પણ પાછળ ન હતી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈને મહિલાઓએ માત્ર બ્રિટીશ શાસન વિરૂદ્ધ જંગ જ ન છેડ્યો પણ ધરપકડ પણ વ્હોરી હતી.
સુરતમાં પણ આવી બાહોશ મહિલાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામની ગતિવિધિઓમાં યોગદાન આપ્યું હતું. હજું હમણા જ જીવનની સદી પૂર્ણ કરી છે એવા સુરત શહેરના મહિલા શતાયુ સ્વાતંત્ર્ય સેનાની લલિતાબેન વશીના હૃદયમાં હજુ પણ આઝાદીની લડતની ચિનગારી સળગે છે. ૧૦૨ વર્ષે પણ સુરતના સ્વાતંત્ર્ય સેનાની લલિતાબેન અડીખમ છે. તેમને પતિ છગનલાલને આઝાદી જંગમાં યોગદાન બદલ તામ્રપત્રની ભેટ મળી હતી. ભારતની સ્વતંત્રતાના પચ્ચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હસ્તે તામ્ર પત્રની એનાયત કરવામાં આવ્યા હતા.
શતાયુ સ્વાતંત્ર્ય સેનાની લલિતાબેન વશી સ્વાતંત્રતા સંગ્રામની ચળવળને યાદ કરતા કહ્યું કે, મારા લગ્ન નવ વર્ષની ઉંમરે થયા હતા. ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળમાં જોડાઈ હતી. ત્યારે વહેલી સવારે પ્રભાત ફેરીમાં આઝાદીના ગીતો ગાતા હતા. એક દિવસ સાંજના સમયે સરકારની મનાઈ હોવા છતા સરઘસ કાઢ્યું હતું. ત્યારે ભાગળ ચાર રસ્તા ઉપર પોલીસે અમારી ધરપકડ કરી. એક દિવસ સુરતની જેલમાં અને ત્રણ દિવસ પછી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.
સાબરમતી જેલની પળોને યાદ કરતા લલિતાબેને વધુમાં કહ્યું કે, જેલમાં સ્વતંત્રતાની લડત માટે વહેલી સવારે ગીતો ગાતા, પ્રાર્થના કરતા હતા. ત્યાં જેલમાં જમવામાં બાજરીના રોટલા અને ભાજી આપતા. જેલમાં હતા ત્યારે ‘ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે’ જેવા વીરરસના ગીતો ગાઈને દિવસો પસાર કરતા હતા. છ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મારા પતિને પણ આઝાદીની ચળવળમાં નવ મહિના જેલમાં રાખ્યા હતા. ૧૯૪૭માં આઝાદી સમયે લોકોમાં અનેરો આનંદ હતો. ૧૯૪૨ની આઠમી ઑગસ્ટે સમગ્ર ભારતમાં ‘હિંદ છોડો’ની ચળવળ શરૂ થઈ હતી અને એ ચળવળ શરૂ થયાનાં પાંચ વર્ષમાં અંગ્રેજોના ૧૯૦ વર્ષના શાસનનો અંત આવ્યો હતો.
લલિતાબેનના પુત્ર દિલીપભાઈએ આઝાદીની ચળવળો અંગે માતા-પિતા પાસેથી સાંભળેલી વાતા વાગોળતા જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સેનાની એવા મારી માતાએ ગત બે વર્ષ પહેલા ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. માતાનો જન્મ સુરતના અબ્રામા ગામ જ્યારે પિતાનો આભવા ગામમાં થયો હતો. મારી માતા લલિતાબેને ૪ ચોપડી સુધીનો બુનિયાદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. ૧૯૪૨માં અંબાજી રોડ સ્થિત આમલીરાનમાં ભાડાના ઘરમાં રહેતા હતા. માતાને રાજકારણમાં ખૂબ જ રસ હતો. તેઓ હંમેશા વર્તમાનપત્રો અને પુસ્તકો વાંચતા હતા. પિતાએ એસએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. એ વખતે નગરપાલિકાને ‘સુધરાઈ’ તરીકે ઓળખાતી અને તેમની પહેલી નોકરી સુધરાઈમાં ૫ રૂપિયાના પગારે લાગી હતી. આઝાદીની ચળવળમાં લલિતાબા સાથે બકુલભાઈ પંડ્યા, પોપટભાઈ વ્યાસ, સરયુબેન વ્યાસ, શાંતાબેન મકવાણા, અરૂણચંદ્ર પંડ્યા, વિણા માસી, શારદાબેન પટેલ સહિત અનેક સેનાનીઓ જોડાયા હતા.
પુત્ર દિલીપભાઈને માતા લલિતાબેને આઝાદી પહેલાના સમયની કહેલી વાતોનું વર્ણન કરતા કહ્યું હતું કે, માતાની સાથે બાહોશ સરયુબેન વહેલી સવારે અંધારામાં આઝાદીના ગીતો ગાતા, પ્રભાત ફેરી કરતા હતા. એ સમયે આઝાદીની પત્રિકા બહાર પાડવામાં આવતી હતી. એટલે પિતા છગનલાલ પત્રિકા ઘરમાં છાપતા અને વહેચતા હતા. તે સમયે પોલીસનો દરોડા પડતા ઘરમાંથી પત્રિકા અને મશીન પકડાયુ હતું. જેથી પિતાની ધરપકડ કરીને સાબરમતી જેલમાં લઈ ગયા હતા. જ્યાં ૯ મહિના સુધી જેલ વાસ ભોગવ્યા બાદ છુટકારો થયો હતો. સરકારની મનાઈ હોવા છતા માતા અને સરયુબેનની આગેવાનીમાં કોંગ્રેસનો ધ્વજ લઈને સાંજે સરઘસ કાઢ્યું હતું. આઝાદીના સૂત્રોચ્ચાર કરતા ભાગળ ચાર રસ્તા પાસેથી તમામની ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં એક દિવસ સુરતની જેલમાં ત્યારબાદ અમદાવાદની સાબરમતી જેલમાં લઈ ગયા હતા. જ્યાં જેલમાં બાજરીના રોટલા અને ભાજીનું શાક આપવામાં આવતું હતું. જેલમાં રેંટીયો કાંતતા હતા.
આઝાદી મળી એ દિવસે સુરતના કિલ્લાના મેદાનમાં માતા લલિતાબેન તથા પિતા છગનલાલની હાજરીમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. માતા-પિતાએ આજીવન ખાદી પહેરી હોવાથી તેમનો વારસો જાળવી રાખવા અમારો પરિવાર આજે પણ ખાદી પહેરે છે. આઝાદી પછી મારા પિતા સુરત મહાનગરપાલિકા ફૂડ ઇન્સ્પેકટર તરીકે સેવામાં જોડાયા હતા. સ્વાતંત્ર્ય સેનાની માતા-પિતાના સંતાન હોવાના કારણે તેમના નૈતિક મૂલ્યનું સિંચન અમારામાં થયું છે, એ અમારા માટે સૌભાગ્યથી ઓછું નથી. મારા માતા જ્યારે પણ આઝાદીની ચળવળની વાત કરે છે, ત્યારે તેમની આંખમાં એક ચમક આવી જાય છે એમ પુત્ર દિલીપભાઈએ ઉમેર્યું હતું.

SHARE

Related stories

Latest stories