ગુજરાત સરકારના આગોતરાં આયોજન અને પૂર્વતૈયારીઓથી રાજ્યમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી થનારા ગંભીર નુકસાનને સફળતાપૂર્વક ટાળી શકાયું
*
1 લાખથી વધુ નાગરિકોના સ્થળાંતરની અભૂતપૂર્વ કામગીરીના કારણે ઝીરો કેઝ્યુઆલિટી શક્ય બની
*
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓએ રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોરચો સંભાળ્યો
*
કેન્દ્રના સહયોગ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માન્યો
*
‘વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, તેથી જ ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે’ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
*
રાજ્યમાં સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત કરવા માર્ગ-મકાન, ઊર્જા અને વન વિભાગ સહિતના વિભાગો યુદ્ધના ધોરણે કામે લાગ્યા
*
બિપરજોય વાવાઝોડાંનો મક્કમતાથી મુકાબલો કરવામાં અથાગ પરિશ્રમ કરનારી ટીમ ગુજરાતના સહુ અધિકારીઓ, કર્મચારીઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી
*
ગઇકાલે મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું. ભારે પવન અને વરસાદ સાથે આ વાવાઝોડું કચ્છ જિલ્લાના જખૌ દરિયાકિનારે ત્રાટક્યું હતું અને ત્યારબાદ તેની આસપાસના વિસ્તારમાં આ વાવાઝોડાંની અસરો વર્તાઈ હતી. પરંતુ, રાજ્ય સરકારના સાવચેતીભર્યા પગલાં અને આગોતરાં આયોજનના કારણે ન્યૂનતમ નુકસાન સાથે ગુજરાતે આ વાવાઝોડાંનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. કેન્દ્ર સરકારના સહયોગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનો સમગ્ર ગુજરાત વતી આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની ગંભીરતા જોઇને ગુજરાતમાં સર્જાનારી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે એડવાન્સમાં જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેઓએ મુખ્યમંત્રી સાથે વખતો વખત ટેલિફોનિક વાતચીત દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ તેમજ તેને લઇને તંત્રની સજ્જતા અંગે માહિતી મેળવી હતી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી.
કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.
વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા.
આ વાવાઝોડાંની આગાહી થઈ ત્યારથી જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્રોને આ કુદરતી આપત્તિનો મુકાબલો કરવા માટે વિગતવાર અને એડવાન્સ્ડ પ્લાનિંગ માટે સજ્જ કર્યા હતા.
છેલ્લા 4 દિવસોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માં સવાર-સાંજ હાજરી આપીને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતિનો તાગ લીધો હતો. આજે સવારે પણ તેઓએ SEOCમાં જઇને ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી અસરો, ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી, અને જાનમાલની નુકસાની અંગેની રજેરજ વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર તંત્રને બચાવ અને રાહત કામગીરી તેમજ રિસ્ટોરેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે. વાવાઝોડું પસાર થયાની ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ-રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત થયું હતું અને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો થયા હતા.
પૂર્વતૈયારીઓ અને અસરકારક પગલાં
• મુખ્યમંત્રીએ વાવાઝોડાના સંદર્ભમાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી અને તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-બાય રહેવાના આદેશ કર્યા હતા. વિવિધ જિલ્લાના લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની માઇક્રો પ્લાનિંગ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી.
• મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં 1 લાખ 8 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 10,918 બાળકો, 5070 વૃદ્ધો, 1152 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.
• ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા વાવાઝોડાના કારણે મધદરિયે ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દ્વારકામાં કોસ્ટગાર્ડે મધદરિયેથી 50 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તમામને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ઓખા ઓપરેશન સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
• આ સાથે જ, જરૂર પડે તો મદદમાં આવી શકે તે માટે ભારતીય વાયુદળ, હવાઈદળ અને ભારતીય સેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
• દરિયો ખેડવા ગયેલા દરેક માછીમાર-સાગરખેડૂ સલામત પરત આવી ગયા હતા અને 21 હજારથી વધુ હોડીઓ લંગારી દેવામાં આવી હતી.
• ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી હતી.
• દરિયાકાંઠાના 7 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ અને બનાસકાંઠામાં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી અને સુરત ખાતે 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી હતી.
• મુખ્યમંત્રીએ વાવાઝોડા દરમિયાન સતત મોનિટરીંગ શરૂ રાખ્યું હતું. તેઓએ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિત રાજ્ય સરકારના તમામ વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે સર્વગ્રાહી બેઠક યોજીને રજેરજની માહિતી મેળવી હતી.
સચોટ કોમ્યુનિકેશન પ્લાન દ્વારા જનતાને કરી સાવચેત
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તે પહેલા 13 જૂનની સાંજથી શરૂ કરીને આજ સુધીમાં રાજ્યના 6 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 65 લાખ મોબાઇલ ધારકોને મુખ્યમંત્રીનો વોઇસ મેસેજ (OBD – આઉટબાઉન્ડ ડાયલિંગ) મોકલવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વાવાઝોડા પૂર્વે રાખવા પડતા સાવચેતીના પગલાં વિશે જાણકારી આપવામાં આવી હતી. આ જ પ્રમાણે, આશરે 65 લાખ મોબાઇલ ધારકો સુધી મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ, અને આવા બીજા પાંચ સંદેશાઓ, જેમાં વાવાઝોડા પૂર્વે રાખવી પડતી સાવચેતીના ટેક્સ્ટ મેસેજ, તમામ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર્સ અને ટેલિવિઝન કમર્શિયલ્સને વીડિયો ફોર્મેટમાં વોટ્સએપ મેસેજ મારફતે મોકલવામાં આવ્યા હતા.
આ સાથે જ રાજ્ય સરકારે નાગરિકો માટે વાવાઝોડાની સ્થિતિમાં મદદ માટે હેલ્પલાઇન નંબર (079-232-51900) પણ જારી કર્યો હતો. રાજ્યના તમામ 33 જિલ્લાઓનું GSWAN ટેલિફોન હોટલાઇન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લામાં હેમ રેડિયો સ્ટેશન ઊભા કરવામાં આવ્યા, સાથે જ Jio, BSNL, વોડાફોન જેવા તમામ 743 ટાવર્સને પર્યાપ્ત પાવર બેક અપ રાખવા સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) એ પણ માહિતી ખાતા સાથે સંકલનમાં રહીને ટીવી કમર્શિયલ્સ, રેડિયો જાહેરાત તેમજ અખબારોમાં જાહેરાતના માધ્યમથી નાગરિકોને વાવાઝોડા દરમિયાન ‘Do’s and Don’ts’ ના સંદેશાઓ પહોંચાડ્યા હતા.
સંભવિત વાવાઝોડાને પરિણામે સંદેશાવ્યવહારને અસર ન પડે તે માટે ગુજરાત પોલીસ સેટેલાઇટ ફોન્સ અને વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે.
જિલ્લા વહીવટીતંત્રોના ભગીરથ પ્રયાસો
પ્રભારી મંત્રીઓ, સચિવઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ વાવાઝોડું ટકરાય તે પૂર્વે નાગરિકોના સલામત સ્થળે સ્થળાંતરની કામગીરી સુપેરે પાર પાડી હતી. વીજળી, સંદેશાવ્યવહાર, પાણી પુરવઠો અને વાહનવ્યવહારની મહત્વપૂર્ણ ચાર સેવાઓ નુકસાન પામે તો તેમને ઝડપથી પૂર્વવત્ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રોએ યુદ્ધના ધોરણે કામ કર્યું હતું.
આરોગ્ય વિભાગની તૈયારીઓ
આ વાવાઝોડાના સમય દરમિયાન રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 1005 મેડિકલ ટીમો કાર્યરત હતી. અસરગ્રસ્તો માટે 202 ‘108 એમ્બ્યુલન્સ’ અને 302 સરકારી એમ્બ્યુલન્સ એમ કુલ 504 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 3851 જેટલા ક્રિટિકલ બેડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં કુલ 197 DG સેટ ફાળવવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતી સગર્ભા મહિલાઓ તેમજ તેમની અંદાજિત ડિલિવરીની તારીખોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. 1152 સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થાને સ્થળાંતરિત કરવામાં આવી હતી.
વીજ પુરવઠો દુરસ્ત કરવા માટે તાત્કાલિક એક્શન
ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 1127 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી હતી. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
અસરગ્રસ્ત રસ્તાઓને દુરસ્ત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ સજ્જ
રાજ્યના માર્ગ અને મકાન વિભાગે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરી સાધન-સામગ્રી સહિત 132 ટીમો તૈયાર રાખી હતી. 328 જેસીબી મશીન, 276 ડમ્પર, 204 ટ્રેક્ટર, 60 લોડર અને 234 અન્ય સાધન સામગ્રી સાથે આ ટીમો અસરગ્રસ્ત થયેલા રસ્તાઓની મરમ્મતની કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત જિલ્લાઓના 263 રસ્તાઓ પરથી અત્યારસુધીમાં 1137 વૃક્ષો હટાવવામાં આવ્યા છે.
શહેરી વિકાસ વિભાગની કામગીરી
વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં જાનમાલના નુકસાનને ટાળવા માટે આગોતરાં પગલાં લઇને સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાંથી 4317 જેટલા હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અસર પામેલા વીજળીના થાંભલાઓ, નુકસાન પામેલા રસ્તાઓ, વીજ પુરવઠો ખોરવાઇ ગયેલાં વિસ્તારો તેમજ નુકસાન પામેલા મકાનોને રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વન વિભાગે ઉખડીને પડી ગયેલા વૃક્ષોને રસ્તાઓ પરથી હટાવ્યા
રાજ્યના વન વિભાગ દ્વારા પવનના જોરથી ઉખડીને પડી ગયેલા વૃક્ષોને હટાવવા માટે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 237 ટીમો તહેનાત કરવામાં આવી હતી. આ ટીમોએ રાજ્યમાં વાવાઝોડાંની શરૂઆત થઇ ત્યારથી અત્યારસુધીમાં ઉખડીને પડી ગયેલા કુલ 581 વૃક્ષોને રસ્તા પરથી હટાવ્યા છે.
આ ઉપરાંત, બીપોરજોય વાવાઝોડાની અસર સામે વન્ય જીવસૃષ્ટિ વન્ય પ્રાણીઓને સુરક્ષિત સલામત રાખવા માટે પણ વન વિભાગે આગોતરું આયોજન કર્યું હતું. એશિયાટિક સિંહોના ઝોનમાં રેસ્ક્યુ, રેપિડ એક્શન અને પડી ગયેલા ઝાડ હટાવવા માટે કુલ 184 ટીમ વ્યૂહાત્મક રીતે પોઝીશનમાં ગોઠવવામાં આવી હતી. કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં પણ 13 ઓપરેશનલ ટીમો તેમજ જરૂરી સાધનો સહિત ખાસ 6 વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ ખડેપગે તહેનાત હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD) સાથે સંકલન
ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાં રહી હતી, અને વાવાઝોડાની તમામ હિલચાલ વિશે સતત માહિતી મેળવી હતી.
ગૃહ વિભાગ અંતર્ગત રાજ્યનું પોલીસ ખાતું પણ કાયદો અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પબ્લિક ઓર્ડર પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ગુજરાતે વખતોવખત અનેક કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે, અને હંમેશાં તેમાંથી સલામત રીતે ઉગર્યું છે. આ વખતે પણ યોગ્ય અને સમયસર આયોજન તેમજ પૂર્વતૈયારીઓ સાથે ગુજરાત અને તેની જનતાએ બિપરજોય વાવાઝોડાનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. ગુજરાતે ફરી એક વખત ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.