અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલે શુક્રવારે રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે રસાકસીનો જંગ જામશે. રાજ્યસભાની આ ચૂંટણીમાં NCP ધારાસભ્ય, BTP ના બે ધારાસભ્યો, અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાંચેય ઉમેદવારોના ભાવી નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાત વિધાનસભામાં હાલ ભાજપના 103 અને કોંગ્રેસના 65 ધારાસભ્યો છે. ભાજપના બે ઉમેદવારોની જીત નિશ્ચત માનવામાં આવી રહી છે. જ્યારે એક ઉમેદવારની જીત માટે એકાદ વોટ ખુટે છે. જ્યારે કોંગ્રેસે શક્તિસિંહને પહેલા ઉમેદવાર જાહેર કર્યાં છે. જેથી તેમની જીત પણ નિશ્ચિત માનવામાં આવે છે. કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત માટે ચારેક વોટ ખુટે છે. NCPના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપવા માટે પાર્ટી દ્વારા વ્હીપ આપવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ એનસીપીના ઉમેદવારે અગાઉ ભાજપના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. જેથી એનસીપીના ઉમેદવાર કોનો વોટ આપે છે તે જોવાનું રહ્યું. એનસીપીના ઉમેદવાર કોંગ્રેસના બદલે ભાજપને વોટ આપે તો તેમના ગઢબંધનને અસર થવાની શકયતા છે. એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને સરકારની રચના કરી હતી.