HomeGujaratરાજ્યસભાનું રણશીંગુઃ કોંગ્રેસની કફોડી હાલત, એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ

રાજ્યસભાનું રણશીંગુઃ કોંગ્રેસની કફોડી હાલત, એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ

Date:

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીને આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે, રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. એકબાજુ ભાજપના ધારાસભ્યો સાથે પક્ષના ગુજરાતના પ્રભારી અને નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ અને અન્ય નિરીક્ષક આશિષ સેલર બેઠકો યોજી રહ્યા છે અને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત આ બન્ને નિરીક્ષકોએ પક્ષના પ્રદેશ નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમ જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ બેઠકો યોજીને રાજ્યસભાની ચૂંટણી માટે રણનીતિને આખરી ઓપ આપ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અલગ અલગ રિસોર્ટમાંથી અમદાવાદની ફાઈવસ્ટાર હોટલમાં લાવી દેવામાં આવ્યા છે. જ્યાં તમામ ધારાસભ્યો પાસેથી તેમના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હોવાનું વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કબૂલ્યું છે. અને એવું કારણ આપ્યું છે કે, ધારાસભ્યોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ, સાચી વાત તો એ છે કે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીને પોતાના જ ધારાસભ્યો પર વિશ્વાસ નહિ હોવાના કારણે તેમના મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા છે. ત્યારે શુક્રવારે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીના મતદાનમાં કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે કે પછી પાર્ટીના મેન્ડેટને માન આપશે એ ખબર પડશે.

દેશમાં વિવિધ ચૂંટણી આવતાં જ કોંગ્રેસનું કમઠાણ બહાર આવે છે. દેશની સૌથી જૂની પાર્ટી તરીકે ઓળખાતી કોંગ્રેસની નૈયા છેલ્લાં કેટલાંય સમયથી ડૂબી રહી છે. વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય કે, લોકસભાની ચૂંટણી કે પછી રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસનો આંતરિક કલહ બહાર આવે છે અને કોંગ્રેસના મોવડી મંડળ તેમ જ પ્રદેશ નેતાગીરી માટે તે માથાનો દુખાવો બની જાય છે. ગુજરાત પ્રદેશની વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી પોતાના ધારાસભ્યો તેમ જ નેતાઓને સાચવવામાં વામણાં સાબિત થયા છે. પ્રદેશ નેતાગીરી યુવા ચહેરાઓના હાથમાં આપીને કોંગ્રેસ મોવડી મંડળે મોટી ભૂલ કરી હોય એવું હવે રાષ્ટ્રીય નેતાગીરીને લાગી રહ્યું છે. ટૂંકમાં, ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ આજે થઈ ગઈ છે.

છેલ્લાં 24 વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેની સામે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારી રહી છે. અને તેનું મુખ્ય કારણ છે કે, પ્રદેશ કોંગ્રેસના જેટલાં વરિષ્ઠ નેતાઓ છે એટલાં આ પાર્ટીમાં જૂથ છે. રાજ્યના કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ જેવા કે, માધવસિંહ સોલંકી, સ્વ. અમરસિંહ ચૌધરી, સ્વ. ચીમનભાઈ પટેલ, અહેમદ પટેલ વગેરેના જૂથ આજે પણ પ્રદેશ કોંગ્રેસમાં સક્રિય છે. અને આ જૂથબંધી દૂર કરવામાં કોંગ્રેસનું મોવડી મંડળ પણ હંમેશા નિષ્ફળ રહ્યું છે. અને હજુ પણ રહે એવી સંભાવના રહેલી છે.

હવે, વાત કરીએ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓની તો છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. કેમ કે, પાર્ટીમાં જેટલા જૂથ છે તે તમામ જૂથના લોકો પોતાના નેતાને ટીકિટ મળે એ માટે મોવડી મંડળનું નાક દબાવી રહ્યા છે. અને તેનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. વર્ષ 2017માં રાજ્યસભાની યોજાયેલી ત્રણ બેઠકની ચૂંટણી પર નજર કરીએ તો આ ચૂંટણીમાં મોવડીમંડળે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પક્ષના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમ જ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલને ટીકિટ આપવાની જાહેરાત કરતાં જ અગાઉ ભાજપના કદાવર કહેવાતા અને પછી ભાજપ છોડી પોતાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી રચીને આખી પાર્ટીને કોંગ્રેસમાં વિલિન કરી દેનાર શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકોએ બંડ પોકાર્યું. તે સમયે એવું કહેવાતું હતું કે, શંકરસિંહ વાઘેલાએ અનેકવખત પાર્ટી હાઈકમાન્ડને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટે દબાણ કર્યું હતું, પરંતુ પાક્કા કોંગ્રેસી એવા નેતાઓ અને તેમના સમર્થકોએ બાપુની આ ઈચ્છા બર આવવા દીધી નહિ અને તેનાથી ત્રસ્ત એવા બાપુએ કોંગ્રેસનો હાથ છોડી દીધો અને તેમની સાથે તેમના સમર્થક એવા ધારાસભ્યોએ પણ એક પછી એક એમ લગભગ 14 ધારાસભ્યોએ પંજાનો સાથ છોડીને ભાજપ સાથે જોડાવાનું મુનાસિબ માન્યું. અને તે સમયે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે કોંગ્રેસના મોવડી મંડળે લગભગ 42 ધારાસભ્યોને બેંગલૂરુમાં રિસોર્ટમાં લઈ જવાનો નિર્ણય કર્યો. તેમ છતાં જ્યારે વર્ષ 2017ની રાજ્યસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તમામ ધારાસભ્યોને વ્હીપ આપ્યો હોવા છતાં બાપુના કટ્ટર સમર્થક એવા કેટલાંક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. અને આ ચૂંટણી ભારે રસાકસીભરી બની હતી. કેમ કે, તે વખતે ત્રણ બેઠકોની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહેમદ પટેલ હતા તો સામે પક્ષે ભાજપના ત્રણ ઉમેદવારો અમિત શાહ, સ્મૃતિ ઈરાની હતા. પરંતુ, ભાજપે કોંગ્રેસના આંતરકલહનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસ છોડીને ભાજપનું દામન પકડનાર બળવંતસિંહ રાજપૂતને ત્રીજા ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા હતા. અને આ ચૂંટણીમાં મતદાન સમયે જે ખેલ થયા તેના કારણે મોડી રાત્રે એટલે કે લગભગ 2 વાગ્યા પછી વર્ષ 2017ની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ હારતાં હારતાં જીતી ગયા હતા અને ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને પરાજયનો સ્વાદચાખવો પડ્યો હતો.

ત્યારબાદ, લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અનુક્રમે ગુજરાતની ગાંધીનગર અને ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી વિજયી થતાં તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દેતાં આ બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. અને જેમાં ભાજપે એસ. જયશંકર અને જુગલ ઠાકોરને ટીકિટ આપી હતી. તો બીજી બાજુ કોંગ્રેસે અહેમદ પટેલ જૂથના ગૌરવ પંડ્યા અને રાજ્યના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ચંદ્રિકા ચૂડાસમાને ટીકિટ આપી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસના બે ધારાસભ્યો રાધનપુરના અલ્પેશ ઠાકોર અને બાયડના ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને ધારાસભ્યપદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અને તે સમયે પણ કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પહેલા ભાજપ તોડી ન શકે તે માટે તમામ ધારાસભ્યોને પાલનપુર નજીકના રિસોર્ટમાં મોકલી આપ્યા હતા અને ચૂંટણીના દિવસે સવારે સીધા મતદાન માટે લાવ્યા હતા. તેમ છતાં કોંગ્રેસના બન્ને ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો.

આટલી બધી કવાયત અને રિસોર્ટ રાજકારણ કરવા છતાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી ન શકી અને તેનું મોટું ઉદાહરણ વર્ષ 2020માં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની જાહેરાત થતાં જ જોવા મળ્યું. કેન્દ્રીય ચૂંટણી પંચે જ્યારે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરી કે તરત જ ભાજપ અને કોંગ્રેસ સક્રિય બની ગયા હતા. આ ચૂંટણી માટે ભાજપે પહેલાં બે ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાના નામની જાહેરાત કરી. તો બીજી બાજુ કોંગ્રેસે એઆઈસીસીના પ્રવક્તા, બિહાર અને દિલ્હીના કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના કદાવર નેતા ગણાતા રાજીવ શુક્લાના નામ નક્કી કર્યા હતા. પરંતુ કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં મીડિયામાં આ નામ વહેતા થતાં ભૂતપૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ટેકેદાર ધારાસભ્યોએ હોબાળો મચાવી દઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવાની ચીમકી આપતાં મોવડીમંડળે મોડી સાંજે રાજીવ શુક્લાના સ્થાને ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત કરવી પડી હતી. કોંગ્રેસની આંતરિક જૂથબંધીને જોતાં ભાજપના ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોકો જોઈને ચોકો મારી દીધો અને તેમણે ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે વર્ષ 2012માં કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરનારા અને પાટીદાર સમાજના કદાવર નેતા નરહરિ અમીનને ટીકિટ આપવાની મોડી રાત્રે જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું હતું. અને તેમણે ભાજપના અન્ય બે ઉમેદવારોની સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. અને આ સમયે કોંગ્રેસના કેટલાંક નારાજ ધારાસભ્યોએ પાર્ટીની પ્રદેશ નેતાગીરી સામે બાંયો ચડાવી હતી અને લગભગ 5 જેટલાં ધારાસભ્યોએ માર્ચમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે પોતાના અન્ય ધારાસભ્યોને તૂટતા રોકવા માટે ફરીએકવાર રિસોર્ટનો સહારો લીધો અને તેણે પોતાના તમામ ધારાસભ્યોને જયપુરના રિસોર્ટમાં મોકલી આપ્યા. પરંતુ, સમગ્ર વિશ્વને હચમચાવી રહેલા કોરોના વાઈરસના કારણે આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ, કોંગ્રેસને પાંચ ધારાસભ્યોનું નુકસાન વેઠવું પડ્યું. દરમિયાનમાં દેશભરમાં કોરોનાના કાળા કહેર વચ્ચે લાગુ કરાયેલા લોકડાઉનને જૂન મહિનાથી હળવું કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે ફરીએકવાર આ ચૂંટણીની નવી તારીખો જાહેર કરી. અને આ ચૂંટણી 19મી જૂનના રોજ યોજાશે એવું કહ્યું. નવી તારીખ આવતાં જ ફરીએકવાર કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને કોરોના વાઈરસના કહેર વચ્ચે રાજ્યના વિવિધ ઝોન પ્રમાણે અલગ અલગ રિસોર્ટમાં જવાનો આદેશ કરી દીધો. પરંતુ આ ધારાસભ્યો પૈકી ત્રણ ધારાસભ્યોને કોરોના વાઈરસ તો ન લાગ્યો પણ તોડોના વાઈરસની અસર જરૂર થઈ અને તેમણે રાજ્યસભાની ચૂંટણીની નવી તારીખો જાહેર થતાં જ પોતાના પદ પરથી અને પક્ષને અલવિદા કહી દીધું. તેને જોતાં કોંગ્રેસની કફોડી સ્થિતિ થઈ ગઈ. કોંગ્રેસ પાસે હાલમાં 65 ધારાસભ્યો છે અને તેમના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. આ સંજોગોમાં શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસના મોવડી મંડળે પ્રથમ ઉમેદવાર તરીકે જાહેર કરતાં બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીની જીત મુશ્કેલ દેખાઈ રહી છે. પરંતુ જોકે તેમના સમર્થક ધારાસભ્યો ચોક્કસપણે ક્રોસ વોટિંગ કરે એવી દહેશત કોંગ્રેસને હજુ પણ અંદરખાનેથી સતાવી રહી છે. તો બીજી બાજુ ભાજપને પણ પોતાના ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે એક મતની ઘટ છે, ત્યારે જોવું એ રહ્યું કે, રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ગુજરાત વિધાનસભાની વર્તમાન સભ્યોની સંખ્યા જોતાં કયા ચાર ઉમેદવારો રાજ્યસભામાં જશે એ શુક્રવાર 19મી જૂને યોજાનારી ચૂંટણી બાદ જ ખબર પડશે.

SHARE
- Advertisement -

Related stories

Latest stories