નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી ૧૮,૯૫૯ ફાયટોસેનિટરી સર્ટીફિકેટ( PSC) ઈસ્યુ કરવામાં આવ્યા છે જેના થકી ૫,૯૩,૨૭૮ મેટ્રીક ટન જેટલા કૃષિ પેદાશોની વિદેશોમાં નિકાસ કરવામાં આવી છેઃ
કોઈ પણ કૃષિ પેદાશોની વિદેશોમાં નિકાસ કરવા માટે નિકાસકારોએ રોગ અને જીવાતથી મુક્ત છે તે અંગેનું ફાયટોસેનિટરી સર્ટીફીકેટ લેવું જરૂરી છેઃ
તા.૧૨મીએ કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના હસ્તે નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરાશેઃ
દક્ષિણ ગુજરાતમાંથી ખાંડ, ગુવાર ગમ, ફળ, શાકભાજી, ધાન્ય પાકોની વિદેશોમાં નિકાસ કરવામાં આવે છેઃ
આજના યુગમાં લોકોના મુખેથી કવોરેન્ટાઈન શબ્દ સંભળાઈ એટલે કોરોના કપરોકાળ સામે આવી જાય. એક સમય હતો કે, કોરોના કાળમાં કોઈ વ્યકિતને કોરોના થયો હોય તો આજુબાજુનો સમગ્ર વિસ્તાર કવોરેન્ટાઈન કરવામાં આવતો હતો. પરંતુ આજે આપણે વાત કરવી છે દક્ષિણ ગુજરાતમાં થતા કૃષિપેદાશોના પ્લાન્ટ કોરેન્ટાઈનની.
એક દેશમાંથી બીજા દેશમાં આયાત-નિકાસ થતી કૃષિ પેદાશો થકી રોગ અને જીવાતને નવા વિસ્તારમાં દાખલ થતાં અને તેનો ફેલાવો થતો અટકાવવા માટે આંતરરાષ્ટ્રિય કક્ષાએથી નક્કી થયેલાં ધોરણો પ્રમાણે ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ ઇસ્યુ કરવાની કામગીરી.
કૃષિ ક્ષેત્રે થયેલી હરીયાળી ક્રાંતી, ખેત પેદાશોના ઉત્પાદનની વૃધ્ધિ અને વિશ્વવ્યાપારની સુવિધા વધવાના કારણે ખેત પેદાશની આયાત-નિકાસમાં પણ વેગ આવ્યો છે. હાલમાં વાહન વ્યવહાર ખુબ જ ઝડપી અને વિવિધ પ્રકારે વિકસતા આંતરરાષ્ટ્રીય વેપાર ધંધામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. આના કારણે જે દેશોમાં અમુક જીવાતો અને રોગ અસ્તિત્વમાં ન હતા તેવા દેશોમાં આયાત થતી ખેત પેદાશો દ્વારા નવી જીવાત અને રોગ દાખલ થયા અને ફેલાતા ગયા છે. પરીણામે ત્યાંના ખેત પેદાશ ઉત્પાદનને કરોડો રૂપીયાનું નુકશાન થવા લાગ્યુ. આમ આયાત નિકાસ થતી ખેત પેદાશોની આર્થિક દ્રષ્ટીએ ઘણી અગત્યતા હોવા છતા પણ જો તેને વૈજ્ઞાનિક પરીક્ષણ, નિરીક્ષણ કર્યા વિના આયાત નિકાસ કરવામાં આવે તો તે દેશની પ્રગતિ અને સમ્રુધ્ધિમાં ઘણી નુકશાન કારક બની રહે છે.
ખેત પેદાશની દેશ-પરદેશમાં આયાત નિકાસ દરમ્યાન તેનુ રોગ જીવાતથી કાનુની નિયંત્રણ થાય તે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએથી નિયત થયા મુજબ ધોરણો પ્રમાણે ખેત પેદાશોનું પરીક્ષણ કરવુ જરૂરી બને છે. છેક ૧૯૧૪ થી ભારત સરકાર દ્વારા પાકમાં આવતા રોગ અને જીવાતને અટકાવવા માટે કાનુની નિયંત્રણના પગલાઓ ભરેલા છે. તે માટે “ધી ડિસ્ટ્રક્ટીવ ઈન્સેક્ટ એન્ડ પેસ્ટ એક્ટ-૧૯૧૪” નો કાયદો ઘડવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ખેત પેદાશના નિરીક્ષણ કે ચકાસણી કર્યા બાદ જ તેનુ આયાત કે નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવે છે. એટલે કે ખેત પેદાશો રોગ અને જીવાતથી મુક્ત છે, તે અંગેનું ફાયટોસેનિટરી સર્ટીફિકેટ નિકાસકારોએ લેવુ જરૂરી છે.
નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરી : –
ભારત સરકાર દ્વારા આ કામગીરી માટે પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન સ્ટેશનોની સ્થાપના કરવામાં આવેલી છે. અને તેમને ફાયટો સેનેટરી સર્ટીફિકેટ આપવાની સત્તાઓ આપવામાં આવેલી છે. ભારત સરકાર હસ્તકના પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન સ્ટેશન કંડલા, મુંદ્રા, જામનગર, પીપાવાવ, સાણંદ, અમદાવાદ ખાતે આવેલા છે. જેમા આયાત તથા નિકાસ થતી ખેત પેદાશો માટે ફાયટો સેનેટરી સર્ટીફિકેટ આપવાની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત સરકાર હસ્તકના જામનગર, ગાંધીનગર અને સુરત ખાતે ફાયટો સેનેટરી સર્ટીફિકેટ ઇસ્યુઈંગ ઓથોરીટીની ઓફીસ આવેલી છે. જામનગર ખાતેની કચેરી દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ, ગાંધીનગર ખાતેની કચેરી દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સુરત ખાતેની કચેરી દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી નિકાસ થતી ખેત પેદાશો માટે ફાયટો સેનેટરી સર્ટીફિકેટ આપવાની કામગીરી કરવામાં આવે છે.
નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરીના કાર્યક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા જેવા કે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ તથા નર્મદાનો સમાવેશ થાય છે. આ કચેરી અસ્તિત્વમાં આવી એ પહેલા આ સાત જિલ્લાઓમાંથી નિકાસ થતા ખેત ઉત્પાદનો જેવા કે, લીલા શાકભાજી, કેળા, ચોખા, કઠોળ, વુડન ફર્નીચર, ખાંડ, કપાસ તેમજ અન્ય મુલ્યવર્ધિત ખાધ્ય અને કૃષિપેદાશો માટે નિકાસકારોએ ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ મુંબઈ અથવા ગાંધીનગર ખાતેની કચેરીએથી મેળવવા પડતા હતા જેમા નિકાસકારોનો ઘણો સમય તથા સંસાધનોનો વ્યય થતો હતો. જ્યારે હવે નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી દ્વારા ડીજીટલ ઓનલાઈન પધ્ધતિથી ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ ઈસ્યુ કરવામાં આવે છે. આથી દક્ષિણ ગુજરાતના નિકાસકારો ઝડપી અને સરળતાથી ‘ફાયટો સેનેટરી સર્ટીફિકેટ (PSC)’ મેળવી શકે છે. જેના થકી દક્ષિણ ગુજરાતમાંથી કૃષિપેદાશોના નિકાસને વેગ મળ્યો છે. પરીણામે ગુજરાત તથા દેશનું કુલ એક્ષપોર્ટ તથા તેના દ્વારા પ્રાપ્ત થતા વિદેશી હુંડીયામણમાં ઘણો વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતમાંથી નિકાસ થતી મુખ્ય કૃષિપેદાશો:
કેરીની ઈગ્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, જર્મની
ભીંડાની ઈગ્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, જર્મની
કેળાની ઓમાન, યુ.એ.ઈ., ઈરાન
મગફળીની ફીલીપાઈન્સ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, રશિયા
કપાસની ચીન, પોર્ટુગલ દેશોમાં
મીશ્ર ખાદ્ય ઉત્પાદન યુરોપ, કેનેડા, આફ્રીકા, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ખાડી દેશો,
ધાન્ય (ચોખા) આફ્રીકા, ઈંગ્લેન્ડ, ખાડી દેશો
ખાંડ ઈન્ડોનેશીયા
ગુવાર ગમને ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુ.એસ.એ, યુરોપીયન દેશો, બ્રાઝીલ,
કઠોળ જેવા પાકોને કેનેડા, યુ.એસ.એ, આફ્રીકા દેશોમાં નિકાસ થાય છે.
તાજા ફળ અને શાકભાજીને કેનેડા, યુરોપીયન દેશો
પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફુડકેનેડા, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, યુરોપીયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતમાંથી નિકાસ કરતા મુખ્ય પેકહાઉસ
(૧) કેય બી એક્સ્પોર્ટ- બેડચીત, જી.તાપી
(૨) કાશી એક્સ્પોર્ટ મુ.પો. ધરમપુરા, જી.તાપી
(૩) રેવા ફ્રેશ ફ્રુટ એક્સ્પોર્ટ મુ.પો. થરી, તા.જી. રાજપીપળા
(૪) ABNN ફ્રેશ એક્સ્પો. લી. મુ.પો. રાજપારડી, જી.ભરૂચ
(૫) દેસાઈ ફ્રુટ્સ & વેજીટેબલ્સ મુ.પો. આમદપોર, તા.જી.નવસારી વગેરે આવેલા છે. જેમાં કેરી, કેળા અને તાજા શાકભાજીની નિકાસ કરે છે.
દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા નિકાસલક્ષી પ્રોસેસીંગ યુનિટ આવેલા છે. જેમાથી મુખ્ય પ્રોસેસીંગ યુનિટ જેવા કે…
(૧) વિમલ એગ્રો પ્રોડક્ટ્સ પ્રા. લિ., બારડોલી, (૨) વિવેક એગ્રો પ્રોડક્ટ્સ, બારડોલી, (૩) NTM વેજી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પ્રા. લિ. ૪) 360 ડીગ્રી એક્સ્પોર્ટ, અંક્લેશ્વર ૫) સત્યમ ટ્રેડર્સ- વ્યારા, જી.તાપી (૬) વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિ.ધરમપુર (૭) જેબસન ફુડ્સ પ્રા.લિ. ભરુચ (૮) પેટસન ફુડ્સ ઈન્ડીયા પ્રા. લિ. નવસારી ૯) રવિરાજ રાઈસ ઈંડસ્ટ્રીઝ, સોનગઢ વગેરે પ્રોસેસ્ડ ફુડ, ફ્રોઝન ફુડ, મગફળી, ચણા, ચોખા, કઠોળ, લોટ તથા અન્ય ખાધ્ય પદાર્થોની નિકાસ કરે છે.
નાયબ ખેતી નિયામક(પ્લાન્ટ ક્વૉરેન્ટાઈન), સુરતની કચેરી માટેના નવા મકાનના બાંધકામની કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ૮૬૪.૫૬ સ્ક્વેર મીટર એરીયામાં કુલ રૂ. ૧.૮૧ કરોડના ખર્ચે નવા મકાનનું બાંધકામ પુર્ણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવનને તા.૧૨/૦૬/૨૦૨૩ના રોજ કૃષિ મંત્રીશ્રી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સાંજે ૫.૦૦ વાગે ઉદ્દધાટન કરવામાં આવશે. આ કચેરીથી સમગ્ર દક્ષિણ ગુજરાતના નિકાસકારો ઝડપથી તથા સરળતાથી ફાયટોસેનિટરી સર્ટીફિકેટ મેળવી શકશે જે ગુજરાત તથા સમગ્ર દેશના કુલ નિકાસમાં વધારો કરવા માટે મદદરૂપ સાબિત થશે.
નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા પાછલા પાંચ વર્ષમાં ઈસ્યુ કરવામાં આવેલા ફાયટોસેનિટરી સર્ટીફિકેટ( PSC)
આ કચેરી દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૩-૨૪(મે-૨૦૨૩ના અંત સુધીમાં એકસપોર્ટ કરેલા ખાદ્ય કૃષિ પેદાશોની વિગતો જોઈએ તો ૨૦૧૮-૧૯ના વર્ષ દરમિયાન મીશ્ર ખાદ્ય ઉત્પાદન, ધાન્યો, ખાંડ, મગફળી, ગુવાર ગમ, કઠોળ, કપાસ, તાજા ફળ અને શાકભાજી, તમાકુ, વુડન પેલેટ અન્ય મળી કુલ ૨૮૨૯૭ મેટ્રીક ટન માલ એકસપોર્ટ કરવામાં આવ્યો હતો. જયારે ૧૭૧૨ જેટલા પી.એસ.સી. ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ૨૦૧૯-૨૦ના વર્ષમાં ૧૬૭૫૧ મેટ્રીક ટન તથા ૨૧૯૮ પી.એસ.સી, ૨૦૨૦-૨૧માં ૧૧૬૭૬૩ મે.ટન તથા ૪૭૩૮ પી.એસ.સી., ૨૦૨૧-૨૨માં ૧૭૮૨૦૫ મે.ટન તથા ૪૭૧૫ પી.એસ.સી. ઈસ્યુ કરવામાં આવય હતા. ૨૦૨૨-૨૩ના વર્ષમાં ૨૨૩૭૭૫ મે.ટન તથા ૪૪૯૦ પી.એસ.સી. તથા ૨૦૨૩-૨૪માં ૨૯૪૮૭ મે.ટન તથા ૧૧૦૬ પી.એસ.સી. ઈસ્યુ કરવામાં આવ્યા છે.