આપણો તિરંગો આપણું ગૌરવ’ – સુરત જિલ્લો
કામરેજ તાલુકાની પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રંગોળી, નિબંધ, એકપાત્રીય અભિનય અને દેશભક્તિ ગીતની સ્પર્ધાઓ યોજાઇ
વાવ શાળાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચીને દેશના નકશાની ભવ્ય પ્રતિકૃતિ બનાવી
શાળા પરિવાર દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જાળવવાની સમજ આપવામાં આવી
આઝાદીના મહાપર્વ ૧૫મી ઓગસ્ટ- ૭૮મા સ્વાતંત્ર્ય પર્વના અવસરે દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બને, સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનનું સ્મરણ થાય એ હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા.૮ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કામરેજ તાલુકાની પીએમશ્રી વાવ પ્રાથમિક શાળા ખાતે રંગોળી, વકતૃત્વ, નિબંધ, એકપાત્રીય અભિનય અને દેશભક્તિ ગીતની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં ઉત્સાહભેર ભાગ લઈને શાળાના ભૂલકાઓએ રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.
વધુમાં શાળાની વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા માનવસાંકળ રચીને દેશના નકશાની ભવ્ય પ્રતિકૃતિ પણ બનાવાઈ હતી. બાળકોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા વિવિધ ચિત્રો દોર્યા હતા. સાથે જ દેશભક્તિની થીમ પર વકતૃત્વ સ્પર્ધા તેમજ દેશભક્તિના ગીત ગાયનની સ્પર્ધા પણ યોજાઇ હતી. સાથોસાથ શાળા પરિવાર દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવી હતી.