સુરત થી વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું.
લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ જેનીશ વલ્લભભાઈ ગુજરાતી ઉ.વ.૨૬ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી જેનીશના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજારથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
બનાવની વિગત:
મૂળ માંડવી, તા. ગારીયાધાર જી. ભાવનગર અને હાલ ૪૯, આદર્શ સોસાયટી, રાજલક્ષ્મી એપાર્ટમેન્ટની પાછળ, કોઝવે રોડ, સિંગણપોર, સુરત માં રહેતો જેનીશ કતારગામમાં આવેલ ડાયમંડની કંપની, શિવ ઈમ્પેક્ષમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેનીશ ૭ જૂનના રોજ સવારે ૭:૩૦ કલાકે ફરજ ઉપર ગયો હતો. તેને સવારે ૯:૩૦ કલાકે પોતાની સાથેના કર્મચારીને કહ્યું કે હું હમણાં નાસ્તો કરીને આવું છું. અડધો કલાક સુધી જેનીશ નાસ્તો કરીને પરત ન ફરતા આજુબાજુ તેની તપાસ કરવામાં આવી, પરંતુ તે ત્યાં ન હતો, તેથી તેના મોબઈલ ઉપર ફોન કરતા એક અજાણ્યા વ્યક્તિએ જેનીશનો ફોન ઉપાડીને કહ્યું કે, જે ભાઈનો ફોન છે, તે ભાઈ જીલાની બ્રીજથી હમણાં જ તાપી નદીમાં કુદી ગયો છે.
ફાયર બ્રિગેડના જવાનો અને આજુ બાજુના માછીમાર ભાઈઓએ તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ વધુ સારવાર માટે તેને કિરણ હોસ્પીટલમાં સાંજે ૫:૦૦ કલાકે ન્યૂરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો.
તા.૮ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે જેનીશને બ્રેનડેડ જાહેર કર્યો.
ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, જેનીશના બ્રેઈન ડેડ અંગેની જાણકારી આપી જણાવ્યું કે તેના પરિવારજનો અંગદાનની પૂરી પ્રક્રિયા સમજવા તેમજ અંગદાન કરવા માંગે છે.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી જેનીશના મામા અરવિંદભાઈ, ઉમેશભાઈ, દિવ્યેશભાઈને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.
જેનીશના પિતા વલ્લભભાઈ અને મામા અરવિંદભાઈએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા તેમજ યુ ટ્યુબ ચેનલ અને ફેસબુક પર ડોનેટ લાઈફના અંગદાનના વિડીયો જોતા હતા, ત્યારે અમને લાગતું હતું કે આ એક ખુબ જ સમાજ ઉપયોગી કાર્ય છે. મૃત્યુ પામ્યા પછી તો શરીર રાખ જ થઇ જવાનું છે, તેના કરતા અંગદાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળે છે, આજે અમારો દીકરો બ્રેઈન ડેડ છે, ત્યારે તમે તેના અંગોનું દાન કરાવો. તેના અંગદાનથી અમારો દીકરો આ દુનિયામાં જીવી રહ્યો છે, તેવી અમને લાગણી થશે. આમ ભારે હૈયે તેઓએ તેમના બ્રેઈન ડેડ પુત્રના અંગદાનની સમંતી આપી. જેનીશના પરિવારમાં તેના પિતા વલ્લભભાઈ જેઓ શિવ ઈમ્પેક્ષમાં રત્નકલાકાર તરીકે ફરજ બજાવે છે, માતા ભાવનાબેન, બહેન જીનલ અને શીતલ જેઓ પરણિત છે. ભાઈ નિખિલ ઓસ્ટ્રેલિયામાં કામ કરી રહ્યો છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અને કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. કિરણ હોસ્પીટલના ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. જીગ્નેશ ઘેવરીયા, ડૉ. પ્રમોદ પટેલ, ડૉ.મુકેશ આહીર, ડૉ.ધર્મેશ નામા અને તેમની ટીમે કિડનીનું દાન, લિવરનું દાન ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. મિતુલ શાહ અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૭ વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૩૨ વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. જેનીશ વલ્લભભાઈ ગુજરાતી ઉ.વ. ૨૬ ના પરિવારની
ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં જેનીશના પિતા વલ્લભભાઇ, માતા ભાવનાબેન, મામા અરવિંદભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, દિવ્યેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અપેક્ષા પારેખ, મેડિકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, મેડિકલ ઓફિસર ડૉ. મોઈન, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, CEO નિરવ માંડલેવાલા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિક્શન ભટ્ટનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૧૩૫ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૭૦ કિડની, ૨૦૨ લિવર, ૪૬ હૃદય, ૩૬ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૬૮ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૦૪૨ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન….જીવનદાન…