દર્દીઓ માટે ‘દેવદૂત’: એડવોકેટ સમીર બોઘરા
૩૦ વર્ષોથી સેવાકાર્ય થકી ૨૫ હજાર ગરીબ દર્દીઓને ઈલાજ માટે સરકારી યોજનાઓના લાભ અપાવ્યા: રૂ.૧૦૦ કરોડથી વધુની સહાય અપાવી ચૂક્યા છે
જરૂરિયાતમંદો માટે સી.એમ. રાહત ફંડમાંથી રૂ.૭૩ કરોડ, પી.એમ. રાહત ફંડમાંથી રૂ.૩૯ કરોડ તેમજ મેયર ફંડમાંથી રૂ.૫-૬ કરોડની આર્થિક મદદ મંજૂર કરાવી
રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં માત્ર સુરત શહેરમાં જ ‘મેયર રાહત ફંડ’ થકી દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવે છે: એડવોકેટ સમીરભાઈ
‘કપરા સમયે વિધાતા બની સરકારે મદદ કરતા મારી પત્નીનું સફળ લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું અને આજે તે સ્વસ્થ જીવન જીવી રહી છે:’ લાભાર્થી સંગીતાબેનના પતિ
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-16-at-3.24.15-PM-1.jpeg)
‘Only a life lived for others is a life worthwhile…’ અર્થાત અન્યો માટે જીવાયેલું જીવન જ સાર્થક જીવન છે. અંગ્રેજી કહેવતને ચરિતાર્થ કરતા સુરતના ૫૬ વર્ષીય એડવોકેટ સમીરભાઈ બોઘરાએ છેલ્લા ૩૦ વર્ષોથી પોતાનું જીવન લોકસેવાને સમર્પિત કર્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે દેવદૂત સમાન સમીરભાઈએ સેવાકાર્ય થકી આજ સુધી ૨૫ હજાર દર્દીઓને પી.એમ./સી.એમ. અને મેયર રાહત ફંડમાંથી રૂ.૧૦૦ કરોડથી વધુની સહાય અપાવી છે.
સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા એડવોકેટ સમીરભાઈ માનવસેવાને લક્ષ્ય બનાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે અરજી કરવાથી લઈ ઇલાજની રકમ મળે ત્યાં સુધીની તમામ કાર્યવાહીમાં નિ:સ્વાર્થ મદદ કરે છે અને તમામ માર્ગદર્શન સહિત પેપરવર્ક જાતે કરી આપે છે. તેઓ કેન્સર, હ્રદય રોગ કે કિડની અને લિવર સંબંધિત બિમારી/ટ્રાન્સપ્લાન્ટ જેવી સમસ્યાથી પીડિત લોકોને સરકારી યોજનાઓ થકી આર્થિક લાભ અપાવે છે. જેમાં આજ સુધી ‘મુખ્યમંત્રી રાહત ફંડ’માંથી રૂ.૭૩ કરોડ, ‘વડાપ્રધાન રાહત ફંડ’માંથી રૂ. ૩૯ કરોડ અને ‘મેયર રાહત ફંડ’માંથી રૂ. ૫-૬ કરોડની સહાય અપાવી છે. ગરીબ દર્દીઓને મદદ કરવાના હેતુ સાથે તેઓ પોતાના વ્યવસાયનની સાથેસાથે દર્દીઓને આર્થિકના સહાયના ડોક્યુમેન્ટ કાળજીપૂર્વક તૈયાર કરવા, અરજી કરવી, નિયમિત ફોલોઅપ લેવુ અને દર્દીના ખાતામાં પૈસા જમા થવા સુધીના તમામ કાર્યો કરી આપે છે, તેમની પાસે આશા લઈને આવેલો ગરીબ, વંચિત, પીડિત અરજદાર ક્યારેય નિરાશ થઈને પાછો ફરતો નથી.
સમીરભાઈએ અશિક્ષિત અને જરૂરિયાત ધરાવતા લોકોને મદદરૂપ થવાના આશયથી રાશન કાર્ડ બનાવી આપવાથી શરૂ કરેલું આ સેવાકાર્ય હવે યોજનાકીય લાભો તેમજ ગરીબ દર્દીઓને આર્થિક ટેકો આપવા સુધી વિસ્તર્યું છે. આ અંગે સમીરભાઈએ વિસ્તારપૂર્વક કહ્યું કે, હું રોજની લગભગ ૧૦ જેટલી અરજીઓ કરી આપું છું. મારી પાસે આવતા ૬૦ ટકા કેન્સરપીડિત અને ૪૦ ટકા અન્ય બીમારીથી પીડિત દર્દીઓ હોય છે. મદદ માટે આવનારને હું કોઈ પણ જાતના પક્ષપાત વગર માત્ર માનવતાની દ્રષ્ટિએ જોઉં છું, અને નિમિત્ત બની સરકારે ઘડેલી યોજનાઓનો લાભ ગરીબ/જરૂરિયાતમંદને અપાવી તેમની થઈ શકે એટલી મદદ કરૂ છું.
તેમણે વધુમાં જણાવ્યું કે, સી.એમ/પી.એમ ફંડમાંથી સહાય મળવાથી દર્દીને ઈલાજમાં મોટી રાહત થઈ જાય છે. તેના પરિવાર માથે આવી પડેલો આકસ્મિક આર્થિક બોજ હળવો થઈ જાય છે. મેયર ફંડની વિષેશતા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં એક માત્ર સુરત પાલિકા દ્વારા દર્દીઓને ‘મેયર રાહત ફંડ’માંથી આર્થિક મદદ આપવામાં આવે છે. આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.
સમીરભાઈની આ વાતને સમર્થન આપે છે સી.એમ ફંડમાંથી રૂ.૭.૫૦ લાખની સહાય મેળવનાર લાભાર્થી સંગીતાબેન પટેલ. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા સંગીતાબેન જયેશભાઈ પટેલને ફેફસાની બીમારીને કારણે લંગ ટ્રાન્સપ્લાન્ટ આવશ્યક બન્યું હતું, ત્યારે મધ્યમવર્ગીય પટેલ પરિવારને સમીરભાઈની મદદથી અણીના સમયે મુખ્યમંત્રી ફંડમાંથી સહાય મળી હતી. રાજ્ય સરકારનો આભાર માનતા જયેશભાઈએ જણાવ્યું હતું કે, અમારા કપરા સમયે વિધાતા બની સરકારે મદદ કરતા મારી પત્નીનું સફળ લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું અને આજે તે સ્વસ્થ જીવન જીવી રહી છે.
આવા જ અન્ય એક લાભાર્થી કામરેજ તાલુકાના નાનકડા વલથાણ ગામમાં રહેતા મકવાણા પરિવારની ૨૪ વર્ષીય દીકરી પારૂલબેનને હ્રદય ટ્રાન્સપ્લાન્ટ માટે PM ફંડના રૂ.૩ લાખ અને CM ફંડના રૂ.૭.૫૦ લાખ મળી કુલ રૂ.૧૦ લાખની સહાય મળી હતી. આર્થિક રીતે સાવ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પારૂલબેનના પિતાએ સરકારની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતુ કે, સરકાર જ અમારા જેવા ગરીબ પરિવારોનો આશરો છે. આરોગ્યની વિવિધ યોજનાઓને કારણે નાના માણસોને ઓછા પૈસામાં સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે.
આવા અનેક પરિવારો વિપત્તિમાં વ્હારે આવતા સમીરભાઈ પાસે મદદ માટે આવે છે, ત્યારે કોઈ પણ જાતના અપેક્ષા ભાવ વિના લોકોની પડખે ઊભા રહેનાર સમીરભાઈએ ઝડપેલું લોકકલ્યાણનું બીડુ તેઓ જીવનપર્યંત અવિરત રાખવા માંગે છે.
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-16-at-3.24.14-PM-746x1024.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-16-at-3.24.15-PM-1024x768.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-16-at-3.24.16-PM.jpeg)