HomeGujaratMorari Bapu Present At Pran Pratishtha Ceremony/પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર...

Morari Bapu Present At Pran Pratishtha Ceremony/પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં/INDIA NEWS GUJARAT

Date:

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર થયું હતું અને શહેર તેનું સાક્ષી બન્યું હતું.

આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. તે પહેલાં રામલલ્લાની મૂર્તિ ઉપર દૂધનો અભિષેક કરવા સહિત ઘણી વિધિ કરાઇ હતી.

આ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ 16 જાન્યુઆરીએથી શરૂ થયો હતો તથા આજે 12.15થી 12.45 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂજા કરી હતી, જે પ્રસંગે ટોચના રાજકારણીઓ, ફિલ્મ હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરાઇ હતી. મૂર્તિની સામે અરિસો મૂકાયો હતો તથા તેની આંખો ઉપર કાજલ લગાવવામાં આવ્યું હતું.

પ્રભુ શ્રીરામ અને તેમના ઉપદેશોના પ્રસારમાં જીવનના 64 વર્ષ સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વભરમાં 930 રામકથા યોજી છે તથા આ શુભ સમારોહમાં એકતા, શાંતિ અને ભક્તિનો સંદેશ લઇને આવ્યાં હતાં.

આ પવિત્ર સમારોહનો હિસ્સો બનવા બદલ પૂજ્ય બાપૂએ ખુશી અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી તેમજ પ્રભુ શ્રીરામના પ્રતીક એવાં પ્રેમ, કરૂણા અને ધર્મના ગુણો ઉપર ભાર મૂક્યો હતો.

આ પહેલાં મોરારી બાપૂએ કહ્યું હતું કે તેઓ શ્રી ચિત્રકૂટધામ તલગજરડા અને વિશ્વભરમાં રામકથાના શ્રોતાઓના પ્રતિનિધિ તરીકે રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.

પૂજ્ય મોરારી બાપૂએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એક શુભ શરૂઆત છે અને તેઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરે છે, જે વિશ્વ માટે માર્ગદર્શન બની રહેશે. તેમણે આ પવિત્ર કાર્યક્રમને વિશ્વ માટે ત્રેતા યુગના અગ્રદૂત તરીકે વર્ણવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે પૂજ્ય બાપૂએ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં રામકથા પૂર્ણ કર્યાં બાદ રવિવાર બપોરે અયોધ્યા પહોંચ્યાં હતાં. રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરનાર સંગઠન રામ જન્મભૂમિ ન્યાસના આમંત્રણ ઉપર તેઓ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન અયોધ્યામાં આગામી રામકથામાં માનસ રામ મંદિર વિશે વાત કરશે.

SHARE

Related stories

Latest stories