Lifestyle :લગ્નના દિવસે આકર્ષક દેખાવા નાકની પ્લાસ્ટિક સર્જરી કરી, સર્જનની બેદરકારીથી આવી વિકલાંગતા-India News Gujarat
Lifestyle: દરેક છોકરી તેના લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવા માગે છે. આ માટે છોકરીઓ અનેક પ્રકારની બ્યૂટી ટ્રીટમેન્ટ પણ લેતી હોય છે. નાક અને હોઠના આકારને ઈચ્છા મુજબ આકાર આપવા માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવે છે, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક યુવતીની સુંદર દેખાવાની ઈચ્છા તેના લગ્ન તૂટવાનું કારણ બની હતી. લગ્ન પહેલાં તેણીએ પોતાના નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને તેના કારણે તેમના નાકનો આકાર એકદમ ખરાબ થઈ ગયો હતો. જ્યારે આ યુવતીના ભાવિ પતિને આ અંગે જાણ થઈ તો તેણે લગ્ન જ તોડી નાખ્યાં.
- અરબ ન્યૂઝ રિપોર્ટ મુજબ UAEની એક મહિલાએ પોતાના લગ્નના દિવસે સૌથી સુંદર દેખાવા માટે નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી, પરંતુ સર્જરી બાદ મહિલાના નાકનો આકાર બગડી ગયો અને તેના કારણે તેનો ચહેરો ખૂબ જ વિચિત્ર લાગતો હતો.
- જ્યારે તેના ભાવિ પતિએ યુવતીને આ રૂપમાં જોઈ તો તેણે સગાઈ તોડી નાખી અને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. આ વાતથી છોકરી ખુબ જ દુખી થઈ ગઈ. યુવતીએ દુબઈ સ્થિત પોલીક્લિનિક એન્ડ સર્જન પર માનહાનીનો દાવો કર્યો હતો.
- તેણીએ આ સર્જન પર શારીરિક, ભાવનાત્મક અને આર્થિક નુકસાન પહોંચાડવાનો આક્ષેપ મુક્યો હતો. યુવતીએ વળતર પેટે સર્જન પાસેથી 1.11 લાખ ડોલર એટલે કે 86 લાખ રૂપિયાથી વધુની માંગણી કરી હતી.
સર્જરી કરાવતાં જ સોજા અને માથાના દુખાવાથી પીડાય છે મહિલા
- પીડિતાએ જણાવ્યું કે, વર્ષ 2020માં દુબઈના એક પોલીક્લિનિકમાં નાકનો આકાર તેની ઈચ્છા મુજબ કરાવવા તેણે નાકની સર્જરી કરાવી હતી. ક્લિનિકમાં હાજર સર્જને તેની સારવાર બોટૉક્સ ઇન્જેક્શન અને ફિલરથી કરી હતી. ઘરે પહોંચતાં જ આ યુવતીનું નાક ફૂલી ગયું અને તેને માથાનો દુખાવો શરૂ થઈ ગયો.
- ત્યારબાદ આ યુવતી સર્જનને મળવા ક્લિનિકમાં ગઇ હતી, જ્યાં તેને આઇસપેકથી શેક કરવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલાએ જ્યારે આઇસપેકથી શેક કરવાનું શરુ કર્યું ત્યારે તેનો દુખાવો અને સોજો ઓછો થવાને બદલે વધી ગયા. એ પછી તે પાછી ક્લિનિકમાં ગઈ, જ્યાં એ જ સર્જને બે ઇંજેક્શન, પેઇનકિલર્સ અને મોઢાની કરચલીઓ અને ઘા ને દૂર કરવા માટે મલમ આપ્યો હતો.
બીજા ડૉક્ટરે પાટાપિંડી કરી
- આ સારવાર પછી પણ જ્યારે મહિલાના નાકના ઘા રૂઝાયા નહીં ત્યારે સર્જને ક્લિનિકમાં ફોન કરીને બીજા ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે મહિલાના નાક પર જામેલ પોપડીને કાઢી નાખી અને મલમ લગાડીને પાટાપિંડી કરવામાં આવી હતી.
- મીડિયા રિપોર્ટ મુજબ ટેક્સી દ્વારા ઘરે પરત ફરતી વખતે મહિલાના નાકમાંથી લોહી વહી રહ્યું હતું. ત્યારબાદ ડ્રાઇવર તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. વર્ષ 2021માં મહિલાએ પોલિક્લિનિક અને સર્જન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
મહિલાની ફરિયાદ પર બની કમિટી
- મહિલાની ફરિયાદ બાદ દુબઈ હેલ્થ કેર ઓથોરિટીના નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ આ મામલાની તપાસ કર્યા બાદ સર્જનને દોષી ઠેરવ્યો હતો. સર્જરીના કારણે મહિલાના નાકમાં 10 ટકાથી વધુ વિકલાંગતા આવી હતી.
- સમિતિએ ધ્યાન દોર્યું હતું કે, સર્જન પ્લાસ્ટિક સર્જરી માટે જરૂરી તમામ તકનીકીથી અજાણ હતો. તેણે મહિલાની સર્જરી કોઈ એક્સપર્ટ પાસે કરાવવાને બદલે જાતે જ કરી હતી. આ સાથે જ અહીં મહિલાની સર્જરી કરાવવા માટે આવા સર્જન માટે પૉલિક્લિનિકને પણ જવાબદાર માનવામાં આવતું હતું.
કોર્ટે સર્જનની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો
- કોર્ટમાં મહિલાએ કહ્યું કે, તેનો ચહેરો બગાડવાને કારણે તેના લગ્ન તૂટી ગયા છે. મારે નોકરી છોડવી પડી. તે જ સમયે તેણે આશા ગુમાવી દીધી કે તે ક્યારેય લગ્ન કરી શકશે. તેને આ ઘટનાના કારણે અનેક માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
- ડિસેમ્બર 2021માં કોર્ટે પોલિક્લિનિક અને સર્જન વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેણે મહિલાને 14,000 ડોલરનું વળતર આપવાનો નિર્ણય પણ સંભળાવ્યો હતો. પીડિતાએ આ કેસને સમર્થન આપવા માટે અપીલ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો.