HomeGujaratLaunch Of PM USHA Scheme/VNSGU ના કનવેંશન હોલ ખાતે PM USHA યોજનાનો...

Launch Of PM USHA Scheme/VNSGU ના કનવેંશન હોલ ખાતે PM USHA યોજનાનો શુભારંભ/INDIA NEWS GUJARAT

Date:

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં VNSGU ના કનવેંશન હોલ ખાતે PM USHA યોજનાનો શુભારંભ

વડાપ્રધાનના હસ્તે દેશભરમાં PM USHA યોજનાનું ઈ-લોકાર્પણ : સુરતની નર્મદ યુનિ.ને રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં VNSGU(વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.) ના કન્વેન્શન હોલ ખાતે PM USHA (પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષણ અભિયાન) યોજનાનો શુભારંભ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં લોકાર્પિત થયેલી PM USHA યોજનાનો મુખ્ય હેતુ દેશના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં બહુવિધ શિક્ષણ અને સંશોધનને વેગ આપવાનો છે.
PM USHA યોજના હેઠળ રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ મેળવવા બદલ વીર નર્મદ યુનિ.ના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે યુનિ.ના સશક્તિકરણની વાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મળેલા અનુદાનના સદુપયોગ દ્વારા યુનિ.ના ઇન્ફ્રાસ્ટ્રકચર, ફેકલ્ટી તેમજ અભ્યાસક્રમોમાં નવીનીકરણ કે સુધારણા થકી મલ્ટી ડિસિપ્લિનરી શિક્ષણ વાતાવરણને ઉત્તેજના આપવાનું આહ્વાન કર્યું હતું. શિક્ષણ, કૌશલ્ય અને રોજગારીની તકો પ્રદાન કરતી સરકારની યોજનાઓ વિશે જણાવી ૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. સાથે જ PM USHA યોજના દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આવનારા બદલાવની ખાત્રી આપી હતી.


વધુમાં મંત્રીએ કોલેજો તેમજ યુનિવર્સિટીઓને મળતી ઉત્તમ સંશોધનની તકોની જાણકારી આપી કૌશલ્ય વિકાસ દ્વારા વધતી રોજગારીની તકો અને તેના થકી યુવાઓની સફળ કારકિર્દીના લક્ષ્યાંક પર ભાર મૂકયો હતો. વિવિધ ક્ષેત્રો સહિત શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા ટેકનોલોજીના ઉપયોગની જાણકારી આપી યુવાઓને મળતા કારકિર્દી ઘડતરના નવા પાસાઓથી અવગત કર્યા હતા. દેશ-દુનિયામાં અગ્રેસર ગુજરાતના ગતિશીલ મોડેલનો ઉલ્લેખ કરી ભારતના ઉજ્જવળ ભાવિની પ્રતીતિ કરાવી હતી. મંત્રીએ યુવાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાનની પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.


આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ શિક્ષણને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે સૌથી અગત્યનું પરિબળ જણાવી નવી શિક્ષણનીતિની પ્રશંસા કરી હતી. બદલાયેલી શિક્ષણનીતિની વિશેષતાઓ જણાવી વિકસિત રાષ્ટ્રોની સમકક્ષ કે તેનાથી શ્રેષ્ઠ થવાની ભારતની ક્ષમતા દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી સ્થાનિક ભાષાને મહત્વ આપતી નવી શિક્ષણ પદ્ધતિ દુનિયાભરમાં પ્રચલિત બની શિક્ષણ જગતમાં નવો અધ્યાય રચશે. PM USHA યોજના અંતર્ગત વીર નર્મદ યુનિ.માં નવીનીકરણ કે સુધારણાઓ સાથે ઉચ્ચ શિક્ષણના સ્તરમાં પરિવર્તન આવશે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ યુવાઓને સ્કીલ ડેવલપમેન્ટમાં આગળ વધી પરિવાર, સમાજ, રાજ્ય સહિત રાષ્ટ્રના નવનિર્માણમાં ફાળો આપવાની અપીલ કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, PM USHA યોજના હેઠળ દેશભરની કુલ ૭૮ યુનિવર્સિટીઓને રૂ.૧૨,૯૨૬ કરોડનું અનુદાન આપવામાં આવ્યુ છે. ૫૨ યુનિ.ને રૂ.૨૦ કરોડ અને ૨૬ યુનિ.ને રૂ.૧૦૦ કરોડનું અનુદાન અપાયું છે. જેમાં ગુજરાતની બે યુનિવર્સિટી પૈકી VNSGUનો સમાવેશ આખા રાજ્ય માટે ગૌરવની વાત છે.


આ અવસરે કુલપતિના નેતૃત્વમાં અનુદાન માટે તૈયાર કરાયેલા પ્રપોઝલ માટેની પ્રાદ્યાપકોની સમગ્ર ટીમનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.


આ પ્રસંગે નર્મદ યુનિ. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર આર.સી.ગઢવી, PM-USHA ઘટકના ડૉ. કિશોરભાઇ ચીખલિયા સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories