સુરતના ડુમસ બીચની મુલાકાત લેતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
રાજ્ય સરકાર હંમેશા નાગરિકોની સુરક્ષા-સલામતી માટે પ્રતિબદ્ધ: વાવાઝોડાથી લોકોની રક્ષા એ અમારી પ્રાથમિકતા: વનમંત્રી મુકેશભાઈ પટેલ
લોકોએ ચિંતા નહી પણ સાવચેતી રાખવાનો અનુરોધ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ
રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં સંભવિત બિપરજોય વાવાઝોડાની અસરને પગલે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સુરતના ડુમસ બીચની મુલાકાત લીધી હતી. સાથે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ જોડાયા હતા. તેમણે ભીમપોર, સુલતાનાબાદ, ડુમસ ગામના લોકોની મુલાકાત લઈ અસરગ્રસ્ત નાગરિકોને સરકાર હંમેશા તેમની સેવા તથા સુરક્ષા-સલામતી માટે પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસનિક તંત્ર સંપૂર્ણ સજ્જ છે. સુરત જિલ્લાના દરિયા કિનારાના ૪૨ ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય, વિજળીનો પુરવઠો સતત કાર્યરત રહે તે માટે અધિકારીઓની ટીમોને તૈનાત રાખવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે ડુમસ, ડભારી અને સુવાલીના દરિયાકિનારાને લોકો માટે બંધ કરવામાં આવ્યા છે. લોકોએ ચિંતા નહીં, પણ સાવચેતી રાખવા જણાવ્યું હતું. તમામ માછીમારોને પણ દરિમામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ કલોક કામગીરી કરીને તકેદારીના તમામ પગલાઓ લેવામા આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
પટેલે વધુમાં કહ્યું કે, સંભવિત વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને ભોજન, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તેવું આગોતરૂ આયોજન કર્યું છે. કાંઠાના ૪૨ ગામોમાં અસર થઈ શકે એવી સંભાવનાને પગલે સ્થાનિક વિસ્તારોમાં જરૂર પડ્યે શેલ્ટર હોમમાં અસરગ્રસ્તોને ખસેડવામાં આવશે.
આ તકે ધારાસભ્ય સંદિપ દેસાઈ, સહિત વન વિભાગ, મહાનગરપાલિકા, ફાયર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.