ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ
*
20મા શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસથી આ વિશેષ અભિયાનની શરૂઆત
*
સ્ટુડન્ટ રિપોર્ટકાર્ડમાં ગ્રેડની સાથે હેલ્થ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવશે
*
બાળકોના શારીરિક-માનસિક વિકાસ અને પોષણ સ્તરની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે, આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય
*
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-12.41.17-PM-1.jpeg)
ગુજરાત સરકારે 12 જૂન, 2023 થી એટલે કે 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) હેઠળ રાજ્યના બાળકો માટે મફત આરોગ્ય તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આગામી 30 દિવસ સુધી સઘન રીતે ચલાવવામાં આવશે, જેમાં રાજ્ય સરકારે 1 કરોડથી વધુ બાળકોની મફત આરોગ્ય તપાસનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
SHRBSK એ કેન્દ્ર અને રાજ્યનો સંયુક્ત કાર્યક્રમ છે, જે અંતર્ગત આંગણવાડીના બાળકો, નવજાતથી 6 વર્ષ સુધીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને 18 વર્ષ સુધીના શાળાએ ન જનાર બાળકોની પણ રાજ્ય સરકાર દ્વારા મફત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) ના અમલીકરણમાં સમગ્ર દેશમાં અગ્રણી રાજ્ય છે.
SHRBSK ની 992 મોબાઈલ હેલ્થ ટીમ બાળકોના આરોગ્યની તપાસ કરશે
આ ઝુંબેશને સફળ બનાવવા માટે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SHRBSK)ની 992 મોબાઈલ હેલ્થ ટીમ (એક મોબાઈલ હેલ્થ ટીમમાં ડોકટરો, ફાર્માસિસ્ટ અને હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે) રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાન દરમિયાન બીમાર જણાયેલા બાળકોને રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજો સાથે સંલગ્ન હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો જેવી સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મફત સારવાર આપવામાં આવે છે.
બાળકોના ઇન્ટેલિજન્સ ડેવલપમેન્ટ અને ન્યુટ્રિશન લેવલની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવશે
ગુજરાતની શાળાઓમાં ભણતા બાળકોના બુદ્ધિ-વિકાસ અને પોષણની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાજ્ય સરકારે ડિજિટલ હેલ્થ કાર્ડ આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ હેલ્થ કાર્ડમાં બાળકોની ઊંચાઈ, એનિમિયાનું સ્તર, પોષણનું સ્તર વગેરેની માહિતી ઉપલબ્ધ થશે. રાજ્ય સરકાર SHRBSK મોબાઈલ હેલ્થ ટીમ, સામૂહિક આરોગ્ય અધિકારી અને શાળાના નોડલ શિક્ષક સાથે સંકલન કરશે અને આ ડિજિટલ હેલ્થ કાર્ડમાં બાળકોની આરોગ્ય માહિતીને અપડેટ કરશે.
આ ડિજિટલ હેલ્થ કાર્ડ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પણ ઉપલબ્ધ રહેશે. નોંધનીય છે કે શાળાના બાળકોના બુદ્ધિ વિકાસ અને પોષણની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ડિજિટલ હેલ્થ કાર્ડ જારી કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે. એટલું જ નહીં, આ ઝુંબેશ દરમિયાન, શાળાના નોડલ શિક્ષક અને સામૂહિક આરોગ્ય અધિકારી એકબીજા સાથે સંકલન કરશે અને તમામ વિદ્યાર્થીઓના આભા (ABHA) આઈડી એટલે કે આયુષ્માન ભારત આરોગ્ય ખાતાને લગતા કાર્યોને સંપાદિત કરશે.
હવેથી સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડમાં ગ્રેડની સાથે વિદ્યાર્થીઓના હેલ્થ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવશે
એક અનોખી પહેલ કરીને, ગુજરાત સરકારે હવેથી માર્કશીટ એટલે કે સ્ટુડન્ટ રિપોર્ટ કાર્ડમાં ગ્રેડની સાથે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય રિપોર્ટ વિશેની માહિતી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. આ વર્ષથી દર ત્રણ મહિને શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવાનું આયોજન છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના આરોગ્યની અધિકૃત માહિતી મળી રહે. ત્યારબાદ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાના રિપોર્ટકાર્ડમાં તેમના છેલ્લા હેલ્થ રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવશે. આ પહેલને સફળ બનાવવા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા ડેટા ઈન્ટીગ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બાળકોના સ્વાસ્થ્ય માટે આટલું પ્રશંસનીય પગલું ભરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે.
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-12.41.17-PM.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-12.41.16-PM-768x1024.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-12.41.15-PM-1-1024x768.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-12.41.15-PM-768x1024.jpeg)
![](https://indianewsgujarat.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-12.41.16-PM-1-1024x1024.jpeg)