HomeWorldFestivalForest Festival/બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા...

Forest Festival/બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી/India News Gujarat

Date:

બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

 જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષોનું ઉછેર કરવાનો સંકલ્પ લઈએઃ
 વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવીએ
 સુરત જિલ્લામાં ૨૦૦૩ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૧૧૪ લાખ હતી, જે ૨૦૨૧માં વધીને ૨૧૬ લાખ થઈ
 રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી લાખો વૃક્ષોનું વાવેતર કરી રાજ્યની ધરતીને ગ્રીન કવરથી આચ્છાદિત કરી રહી છે :- ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં ૩૪ લાખ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો લક્ષ્યાંક: નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા

ધન્ય ધરા ગુજરાતને વૃક્ષોથી આચ્છાદિત કરવાના ભગીરથ અભિયાનસમા ૭૪મા સુરત જિલ્લા કક્ષાના વન મહોત્સવનો ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બારડોલી તાલુકાની તાજપોર કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી વૃક્ષારોપણ કરી પ્રારંભ કરાવ્યો હતો.
વન મહોત્સવમાં મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે દર વર્ષે રાજ્ય સરકાર વન મહોત્સવના માધ્યમથી લાખો વૃક્ષોનું વાવેતર કરી રાજ્યની ધરતીને ગ્રીન કવરથી આચ્છાદિત કરી રહી છે.
વનોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં ૨૦૦૩ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૧૧૪ લાખ હતી. જે વન મહોત્સવ શરૂ થવાના કારણે ૨૦૨૧માં વધીને ૨૧૬ લાખ થઈ છે. વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવવાની આહ્વાન કર્યું હતું. ભારતના નાગરિકોનો વૃક્ષો અને નદીઓ સાથે આસ્થાનો સંબંધ રહ્યો છે. પર્યાવરણ સાથે દિલનો નાતો કેળવવા જણાવી તાજપોર કોલેજને ગ્રીન કેમ્પસનું બિરૂદ મળવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, વૃક્ષોનું અનેરૂ મહત્વ આપણા પુરાણોમાં પણ દર્શાવ્યું છે. માનવના જન્મથી લઈ સમગ્ર જીવન દરમિયાન વૃક્ષો અનેક રીતે ઉપયોગી બને છે. જન્મ દિવસથી લઈ પુણ્યતિથિ નિમિત્તે સૌને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ સારા-નરસા પ્રસંગોએ પાંચથી વધુ વૃક્ષોનુ વાવેતર કરીને ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા જણાવ્યું હતું. ધરતી માતાને વૃક્ષોના આભુષણો થકી સુશોભિત કરવાનો સૌને અનુરોધ કર્યો હતો.
અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. કે.ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ૭૩ વર્ષ પહેલા કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે વન વિસ્તાર અને વન્ય પ્રાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રજાના સહિયારા પ્રયાસોથી વન સંરક્ષણ અને વન સંવર્ધન થઇ રહ્યું છે. જિલ્લામાં ૪૯૦૦૦ હેકટર વન વિસ્તાર આવેલો છે જે કુલ વિસ્તારનો ૧૨.૫૦ ટકા વન વિસ્તાર છે. વધુને વધુ વૃક્ષોનુ વાવેતર કરી ૩૩ ટકાના લક્ષ્યાંકને સિધ્ધ કરવાનો અનુરોધ કર્યો હતો. વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઈમારતી લાકડાની માંગ વધી રહી છે જેની સામે રાજ્યમાં લાકડાનુ ૩૦ ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી ખેડૂતો વૃક્ષોની લાભકારક ખેતી કરીને આવક મેળવી શકે છે.
સુરતના નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ) સચિન ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૭૪મા વન મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ૫૦ નર્સરીઓમાં સાગ, લીમડા, નીલગીરી જેવા ૩૪ લાખ વૃક્ષોના રોપાઓ તૈયાર કરાયા છે, જેનું દરેક નર્સરીઓમાંથી રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ગૌચર જમીનો, રસ્તાઓની આજુબાજુ મળીને ૭૬૫ હેકટરમાં ૫ લાખ રોપાઓનું વાવેતર પ્રગતિમાં હોવાની વિગતો તેમણે આપી હતી. આ વર્ષે ૨૦ હજાર કેસર આંબાની કલમોનો ઉછેર કરાયો છે, જેનુ રૂ.૨૫ના રાહતદરે વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો તેમણે આપી હતી.
આ વેળાએ મંત્રીના હસ્તે ‘વૃક્ષ રથ’નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેના માધ્યમથી તાલુકામાં વિના મૂલ્યે રોપાઓનું વિતરણ કરશે.
વન વિભાગની નર્સરીની યોજનાઓના લાભાર્થીઓને ચેક આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, સંગઠનના પ્રમુખ ભરતભાઈ રાઠોડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધાબેન, મામલતદાર, સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસા.ના પ્રમુખ બાબુભાઇ પટેલ, વન વિભાગના અધિકારીઓ, કોલેજના લતેશભાઈ, કાર્તિકભાઈ દેસાઈ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories