Nilesh Kumbhani Wanted : ગુજરાતમાં સુરત લોકસભા ચૂંટણીનું એપી સેન્ટર બની ગયું છે. કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થવાથી અને ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવતા સુરત બેઠક દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સુરતના પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનું વાતાવરણ છે. બે દિવસ પહેલા કુંભાણીના ઘરે બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારમાં હવે કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસની છબી બગાડી :
સુરત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની છબી સતત બગડી રહી છે. હજુ સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી, તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ કુંભાણીના ઘરે નિલેશ કુંભાણીને દેશદ્રોહી ગણાવતા બેનર સાથે વિરોધ કર્યો હતો. આ સિવાય બેનરમાં લખવામાં આવ્યું છે કે સુરત લોકસભાના 19 લાખ મતદારોના અધિકાર સાથે ચેડા કરનાર વ્યક્તિને ઓળખો અને જ્યાં પણ તેઓ દેખાય ત્યાં તેમને સવાલ કરો અને તેમને સબક શીખવો.