જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર.બી. બારડના અધ્યક્ષસ્થાને વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર. બી. બારડના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસકામો તેમજ રાજ્યવ્યાપી શરૂ કરાયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાનની સમીક્ષા અને માર્ગદર્શન બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત બેઠકમાં પ્રભારી સચિવએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં શરૂ થયેલા ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત જિલ્લા તંત્રની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દેશપ્રેમ અને રાષ્ટ્રીય હિતોના કાર્યક્રમો, અભિયાનોમાં સુરત શહેર-જિલ્લાના નાગરિકોની ઉત્સાહભેર સહભાગિતાની તેમણે સરાહના કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી જિલ્લામાં “મારી માટી,મારો દેશ” અભિયાનની કામગીરી વર્ણવી હતી. તેમણે જિલ્લામાં ૭૫ અમૃત્ત સરોવરના નિર્માણના લક્ષ્યાંકની સામે ૯૦ સરોવર પૂર્ણ થયા હોવાની વિગતો આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડી.ડી.કાપડિયા, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રીતિબેન ઠક્કર, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝા, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષભાઈ ગામીત, જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટરના નાયબ નિયામક એન.જી.ગામીત, SMC અને સંબંધિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.