સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ભરૂચ જિલ્લાની આદિવાસી યુવતીનું ‘કોમ્પ્લેક્ષ મુલેરીયન અનોમલિસ’ની જન્મજાત બીમારીનું સફળ ઓપરેશન કર્યું
સ્મીમેરના ગાયનેક વિભાગના તબીબો, યુરોલોજીસ્ટની ટીમે ચાર કલાક જટિલ ઓપરેશન કરી યુવતીને પચીસ વર્ષની પીડામાંથી મુક્તિ આપી
ખાનગી હોસ્પિટલમાં થતી રૂ.૬ લાખની કિંમતની સર્જરી સ્મીમેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક કરવામાં આવી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબોએ ચાર કલાક જટિલ ઓપરેશન કરીને ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામની આદિવાસી યુવતીની જન્મજાત બીમારીથી મુક્તિ અપાવી છે. ‘કોમ્પ્લેક્ષ મુલેરીયન અનોમલીસ’ (Complex Mullerian Anomalies) નામની બીમારીના કારણે છેલ્લા પચીસ વર્ષથી અસહ્ય પીડા અનુભવતી યુવતીને સ્મીમેરના ગાયનેક, યુરોલોજીસ્ટની ટીમના તબીબોએ નવજીવન આપ્યું છે. ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ શીલાબેનના પરિવારની સાથોસાથ ગાયનેક અને સર્જરી વિભાગના તબીબો-ઍનેસ્થેટિસ્ટ્સની સમગ્ર ટીમને ખુશી થઈ હતી, તો ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી રૂ.૬ લાખમાં થાય એમ હતી, એ સ્મીમેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક થતાં વસાવા પરિવારને મોટી આર્થિક રાહત મળી હતી.
ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામના ભીલવાડા ફળિયામાં રહેતાં ૨૫ વર્ષીય શીલાબેન રમેશભાઈ વસાવા ‘કોમ્પ્લેક્ષ મુલેરીયન અનોમલિસ’ (Complex Mullerian Anomalies)થી પીડાતા હતા. તેઓને જન્મથી જ ગર્ભાશયનું મુખ અને યોનિ માર્ગ બન્યા જ ન હતા. તેમને પેશાબની બંને નળીઓ પેશાબની કોથળીમાં ખૂલવાના બદલે યોનિ માર્ગમાં અલગ જગ્યાએ ખૂલતી હતી. જેથી જન્મથી જ પેશાબ કંટ્રોલ ન થતા દરરોજ સતત પેશાબ લીકેજ થતું હતુ. ઉપરાંત, આ બીમારીના કારણે છેલ્લા ૧૦ વર્ષથી તેમને માસીકનો નિકાલ ન થતા પેટમાં જ ભરાવો થતા માસીકની ગાંઠ બની ગઇ હતી. જેથી તેમને વારંવાર પેટમાં સખત દુઃખાવો થતો હતો. જેના માટે વારંવાર દુઃખાવાના ઈન્જેક્શન લેવા પડતા હતા.
શીલાબેને પોતાની પીડા માટે ઘણી પ્રાઈવેટ હોસ્પિટલમાં નિદાન અને સારવાર લીધી. જ્યાં અલગ અલગ તબીબોએ તેમને બે થી ત્રણ સ્ટેપમાં ઓપરેશન કરવાની સલાહ આપી હતી, જેનો રૂ.૬ લાખ ખર્ચ થશે એમ કહેવામાં આવ્યું હતું. નબળી આર્થિક સ્થિતિના કારણે આટલો માતબર ખર્ચ પોસાય એમ ન હોવાથી શીલાબેને ભરૂચ જિલ્લાના ઝઘડીયાની સેવા રૂરલ હોસ્પિટલના ડો.ગાયત્રીબેન દેસાઈનો સંપર્ક કર્યો હતો.તેમણે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેવા માટે સલાહ આપતા સ્મીમેરમાં સારવાર મેળવતા નવું જીવન મળ્યું છે.
સ્મીમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગના હેડ ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું કે, શીલાબેનની આ બીમારીની સારવાર દરમિયાન સૌપ્રથમ સોનોગ્રાફી, CT સ્કેન તથા EUA સીસ્ટોસ્કોપી કરી બીમારીની ગંભીરતા વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમનું ત્રણ સ્ટેપમાં ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. જેમા ડો.અશ્વિન વાછાણીની આગેવાની હેઠળ ગાયનેક વિભાગના ડો.શ્રદ્ધા અગ્રવાલ, ડો. મેઘના શાહ, ડો.જિગીષા ચૌહાણ, ડો. સુરેશ પટેલ, ડો.સૃષ્ટિ પરમાર તથા રેસિડન્ટ ડો. શ્રેયા અગ્રવાલ, ડો.જાહ્નવી વૈદ્યની ટીમે શીલાબેનના ગર્ભાશયનું ચાર કલાકનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, શીલાબેનને પેશાબના કંટ્રોલ માટે યુરોલોજીસ્ટ ડો.રિશી ગ્રોવર અને ગાયનેક વિભાગની ટીમે પેશાબની બંને નળીને પેશાબની કોથળી સાથે જોડવાનું ઓપરેશન અને પેશાબના કંટ્રોલ માટે પેશાબની કોથળીના મુખનું પણ ઓપરેશન કર્યું હતું. તમામ ઓપરેશનોમાં એનેસ્થેસીયા વિભાગમાંથી ડો.પારૂલ જાની, ડો.સોનાલી જોષી તથા તેમની ટીમે ફરજ બજાવી હતી.
દર્દી શીલાબેને જણાવ્યું હતું કે, હું ગરીબ આદિવાસી પરિવારમાંથી આવું છું. આ અસહ્ય બીમારીથી હતાશ થઇ ગઇ હતી, ત્યારે સ્મીમેરના ગાયનેક તબીબોએ મને સ્વસ્થ તો કરી જ છે, સાથોસાથ આયુષ્યમાન કાર્ડ થકી નિ:શુલ્ક ઓપરેશન કરી મારા પરિવાર પર રૂ.૬ લાખનું આર્થિક ભારણ પડવાથી મોટી રાહત આપી છે, જે બદલ સ્મીમેર હોસ્પિટલના અમે ઋણી છીએ. સારવાર દરમ્યાન મારા સ્વાસ્થ્યની ખૂબ કાળજી લેવામાં આવી હતી. તબીબો, આરોગ્ય સ્ટાફનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, અને એકપણ રૂપિયાના ખર્ચ વગર મને સ્વસ્થ કર્યા છે એમ તેમણે આનંદિત ચહેરે ઉમેર્યું હતું.
આમ, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં સ્મીમેર હોસ્પિટલ હરહંમેશ અગ્રેસર રહી છે. શીલાબેનને મળેલી સમયસર અને યોગ્ય સારવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.