કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રાનું આયોજનઃ
સુરત શહેર પોલીસ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગશિબિર તથા યોગ રેલી યોજાઈઃ
મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ જોડાયાઃ
સુરત શહેર પોલીસ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને મનાવતા તરફ દોરવાના ઉમદા હેતુથી IDY કાઉન્ટ ડાઉનના ભાગરૂપે એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર તથા યોગ રેલી યોજાઈ હતી.
સુરતના શહેરીજનો સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આરોગ્યનગર થઇ ટેનિસ ક્લબ રોડ, આદર્શભવન, પ્રકાશ સોસાયટી થી પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની યોગ યાત્રા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદર યોગ કાર્યક્રમમાં આશરે ૧૪૦૦ જેટલા સુરત શહેર પોલીસના અધિકારી/પોલીસ કર્મચારીઓ તથા સુરત શહેરના નાગરિકોએ ભાગ લિધો હતો.
આ અવસરે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પોલીસ અધિકારી/કર્મચારીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી. હાયપર ટેન્શન, મેદસ્વિતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા.
યોગ શિબિરમાં “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “ના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયમની તાલીમ આપવામાં આવી હતી. નિયમિત વ્યાયામ કરવો, તણાવનું સંચાલન કરવા ધ્યાન અથવા યોગ કરવાથી ઉંમરની સાથે કામકાજના ભારણના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ પોલીસ કમિશનરના માર્ગદર્શન તથા ના.પો.કમિ.(વહિવટ અને મુખ્ય મથક) શ્રીમતી સરોજકુમારીના સુપરવિઝન તેમજ રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવ્રુતિઓ વિભાગના જીલ્લા રમત-ગમત અધિકારી, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ કો. ઓર્ડિનેટર રાધેશ્યામજી તેમજ ડ્રીસ્ટ્રીક કો. ઓર્ડિનેટર દિશાબેનનાઓના સંયુક્ત પ્રયાસોથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોગ શિબિરમાં સંયુક્ત પોલીસ કમિશનર ડી.એચ.પરમાર, અધિક પોલીસ કમિશનર કે.એન.ડામોર, અધિક પોલીસ કમિશનર પી.એલ.માલ, ના.પો. કમિ.શ્રીમતી સરોજ કુમારી, ના.પો.કમિ. ભગીરથ ગઢવી, ના.પો.કમિ. સાગર બાગમાર, ના.પો.કમિ. હર્ષદ મહેતા તથા અન્ય પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.