ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 11 વાગ્યા પછી અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ પડ્યો હતો. શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. તો લાંબા સમય પછી શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે સવારે 11 વાગ્યા પછી અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જે બાદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર, SG હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જોકે, શહેરમાં થોડીવારમાં વરસાદ બંધ પણ થઈ ગયો હતો. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.