“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન
“મારી માટી, મારો દેશ” અભિયાનનો ઉમરપાડા તાલુકાના જુના ઉમરપાડા ગામેથી પ્રારંભ કરાવતા પુર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી
“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસરઃ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી
હંમેશા દેશપ્રેમ, દેશભક્તિ સાથે રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેવાનો અનુરોધ કરતા સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશભાઈ મોદી
જુના ઉમરપાડા ગામના શહીદવીર સ્વ.દિગ્વિજયસિંહ રામસીંગ વસાવાના માતુશ્રીનુ સન્માન કરાયું
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે “મારી માટી, મારો દેશ” અભિયાનનો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના જુના ઉમરપાડા ગામેથી પુર્વ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય અને આઝાદીના જંગમાં હસતા મુખે શહિદી વહોરનાર આપણા વીર શહીદોના બલિદાનને યાદ કરવાના હેતુ સાથે દેશમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો છે.
આ પ્રસંગ માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવાનો અવસર છે. ભારત દેશ અનેક બોલીઓ, પહેરવેશ અને સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરેલો દેશ છે. દેશની સુરક્ષા અને સલામતી માટે અનેકવીરોએ પોતાના બલિદાનો આપ્યા છે તેને યાદ કરીને આવનારી પેઢી તેમાંથી પ્રેરણા મેળવે તે જરૂરી છે. ભારતને આપણે માતા કહીએ છીએ ત્યારે સૌનુ લાલન-પાલન કરનારી ધરતી માતાને વંદન કરવાનો અવસર મળ્યો છે. હંમેશા દેશપ્રેમ, દેશભક્તિ સાથે રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ જુના ઉમરપાડા ગામની પ્રાથમિક શાળા ખાતે શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન હેઠળ વૃક્ષારોપણ, શહીદ સ્મૃતિ વંદના, ગામના શહીદ દિગ્વિજયસિંહ રામસીંગ વસાવાના માતુનુ સન્માન કરીને વીર સ્મારકને વંદન કર્યા હતા. અંતે ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરાયુ હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ વસાવા, અગ્રણી હર્ષદભાઈ ચૌધરી, મામલતદાર કે.એન.રાણા, તાલુકા વિકાસ અધિકારી, પંચાયતના સભ્યો, વનવિભાગ, અધિકારીઓ તેમજ ગ્રામજનો, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.