રાજ્યસભાની હાલમાં જ પૂર્ણ થયેલી ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસના હારી ગયેલાં ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મોટો રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના બીજા ઉમેદવાર હતા અને શુક્રવારે તેઓ વિધાનસભા સંકૂલમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન મતદાન સમયે ઉપસ્થિત હતા. અને તેમના સંપર્કમાં તેમના પક્ષના નેતાઓ ઉપરાંત ધારાસભ્યો અને પત્રકારો પણ આવ્યા હતા, ત્યારે તેમનો ગઈકાલે કોરોના રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેના કારણે કોંગ્રેસની નેતાગીરી તેમ જ ધારાસભ્યોમાં દહેશત ફેલાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યસભામાં કોંગ્રેસના હારી ગયેલા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને છેલ્લા બે દિવસથી તાવ અને શરદીની ફરિયાદ હતી, જેના આધારે તેમનો ગઈકાલે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આજે આવ્યો હતો અને તે પોઝિટિવ આવતાં તેમને વડોદરાસ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી શુક્રવારે ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. અને તે સમયે સવારે લગભગ 8 વાગ્યાથી ભરતસિંહ સોલંકી કોંગ્રેસના અન્ય ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તેમ જ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત ધારાસભ્યો અને પત્રકારોને પણ મળ્યા હતા. જોકે, તે દિવસે વિધાનસભા સંકૂલમાં પ્રવેશ કરતાં પહેલાં તેમનું ટેમ્પરેચર નોર્મલ આવ્યું હતું, ત્યારે સવાલ એ થાય છે કે, શું ભરતસિંહ સોલંકીએ તાવ અને શરદીની દવા અગાઉથી લીધી હતી અને તેના કારણે તેમનું ટેમ્પરેચર નોર્મલ આવ્યું હતું, કે પછી અન્ય કોઈ નેતા કે ધારાસભ્યના સંપર્કમાં આવ્યા બાદ તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. આ તમામ સવાલો ઉપર હાલમાં તો રહસ્ય છે, પણ એકવાત ચોક્કસ કહી શકાય કે, તેમના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોમાં એક ડરનો માહોલ ફેલાઈ ગયો છે.