ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે ૧૦૮ ઈમરજન્સી સેવા આશીર્વાદરૂપ બની
અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ઈમરજન્સી ટીમે સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી
સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામની પ્રસૂતા માતા અને નવજાત બાળક માટે આશીર્વાદરૂપ બની હતી. સગર્ભા મહિલાને સારવાર માટે ૧૦૮માં ખરવાસા સામૂહિક આરોગ્ય કેન્દ્રથી નવી સિવિલ હોસ્પિટલ લઇ જઇ રહ્યાં હતા, એ દરમિયાન પ્રસૂતિની અસહ્ય પીડા થતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ ૧૦૮ ઈમરજન્સીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સલામતીપૂર્વક અને સફળ નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
દેલાડવા ગામના તળાવ ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને તા.૩૦મીએ સવારે પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થતા તેઓ ઘરેથી ખરવાસા સેન્ટર બતાવવા માટે ગયા હતા. જ્યાં સર્ગભાને પ્રસવ પીડા અસહ્ય બની હતી. જેથી પરિવારજનોએ ખરવાસાથી નવી સિવલ હોસ્પિટલ ખસેડવા માટે તરત જ ૧૦૮ ઉપર ફોન કર્યો. નવાગામ ૧૦૮ સેવાને પ્રસૂતાની ઈમરજન્સીનો કોલ મળતા ૧૦૮ વાન ગણતરીના સમયમાં સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યાંથી તરત જ સગર્ભાને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે રવાના થયા. પરંતુ ઉધના ઓવરબ્રિજ ઉપર પસાર થયા એ દરમિયાન સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતા એમ્બ્યુલન્સ સાઈડમાં ઉભી રાખી ૧૦૮ ના ઇએમટી નાગજીભાઈ અને પાયલોટ મિત્રએ જોયું કે, બાળક થોડું બહાર આવી ગયું છે. જેથી પરીસ્થિતિવશ ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. ઇએમટી નાગજીભાઈએ ૧૦૮ કોલ સેન્ટરમાં બેઠેલા ઈ.આર.સી.પી ડો.મહેશભાઇને ફોન કરી પ્રસૂતા માતા અને બાળકની પરિસ્થિતિની જાણ કરી હતી.
ડો.મહેશના માર્ગદર્શન હેઠળ ઇએમટીએ બાળકને બેબી વોર્મર અને કાંગારૂ મધર કેર આપી અને માતાને યુટેરિન મસાજ કરી યોગ્ય દવા, ઓક્સિજન આપીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસૂતિ કરાવી હતી. મહિલાની આ બીજી ડિલીવરી હતી. ત્યારબાદ માતા અને નવજાત બાળકને સલામતીપૂર્વક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે એમ ૧૦૮ના સુરત જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ ૧૦૮ સેવાના ટેરેટરી સુપરવાઇઝર રોશન દેસાઈએ જણાવ્યું હતું.