ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના ૩૦ વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે યોગપ્રેમીઓએ કર્યા સૂર્ય નમસ્કાર
સૂર્ય નમસ્કાર યોગનો રાજા છે અને યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન વિદ્યા છે: મેયર દક્ષેશભાઈ માવાણી
સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ૦૯થી ૧૮ વર્ષ, ૧૯થી ૪૦ વર્ષ અને ૪૧થી વધુ વયના યોગપ્રેમીઓ જોડાયા
યોગા અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે મેયરએ વાર્તાલાપ કરી નિયમિત સૂર્ય નમસ્કાર કરવા પ્રેરિક કર્યા હતા
રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કતારગામ વોર્ડ નં-૬ના વસ્તાદેવડી રોડ કોમ્યુનિટી હોલ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતાની અનૂભુતિ માટે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ વોર્ડમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા.
સૂર્ય નમસ્કાર યોગનો રાજા છે અને યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન વિદ્યા છે એમ જણાવી મેયર દક્ષેશભાઈ માવાણીએ વિદ્યાર્થીઓને દરરોજ દિનચર્યામાં યોગ અભ્યાસ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ અને આર્યુર્વેદનો જન્મ ભારતમાં થયો હતો અને અહીંથી તેમનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. સૂર્ય નમસ્કાર માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ માનસિક શાંતિ તેમજ તંદુરસ્તી પ્રદાન કરે છે. વડાપ્રધાનશ્રીના વિઝન ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના પરિકલ્પનાને સિદ્ધ કરવા જનસમૂહનું સ્વસ્થ્ય હોવું અનિવાર્ય છે.
સુરત મનપાના ૩૦ વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ૦૯થી ૧૮ વર્ષ, ૧૯થી ૪૦ વર્ષ અને ૪૧થી વધુ વયની કેટેગરીના યોગપ્રેમીઓ જોડાયા હતા. યોગાઅભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે મેયરશ્રીએ વાર્તાલાપ કરી નિયમિત સૂર્ય નમસ્કાર કરવા પ્રેરિક કર્યા હતા.
સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વૉર્ડ નં.-૬ના કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, જયશ્રીબેન વરિયા, ઘનશ્યામભાઈ સવાણી, ગુજરાત યોગ બોર્ડના સ્વાતિબેન, સ્પોર્ટસ વિભાગના ડે.કમિશનર મીનાબેન જરીવાલા, કાર્યપાલક ઈજનેર કામિનીબેન દોશી, આસિ. મેનેજર કેતન ઉપાધ્યાય, મનપાના અધિકારી-કર્મચારીઓ સહિત વિવિધ સ્કૂલના શિક્ષકો,વિધાર્થીઓ સહિત યોગપ્રેમીઓ જોડાયા હતા.
. . . . . . . . . . . . . . .
સૂર્ય નમસ્કાર સ્વાસ્થ્ય માટે અત્યાધિક લાભકારી
સૂર્ય નમસ્કાર થકી પ્રણામાસન, હસ્ત ઉત્તાનાસન, ઉત્તાનાસન, અશ્વ સંચાલનાસન, ચતુરંગ દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, અધોમુક્ત શ્વાનાસન, અશ્વ સંચાલનાસન, ઉત્તાનાસન, હસ્ત ઉત્તાનાસન અને પ્રણામાસન એ સૂર્ય નમસ્કાર માટેની બાર સ્થિતિઓ વ્યક્તિના શરીરનાં સંપૂર્ણ અંગોની વિકૃતિઓને દૂર કરીને નિરોગી બનાવવામાં ઉપયોગી છે, તેમજ આ સમગ્ર પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે અત્યાધિક લાભકારી છે.