જિલ્લા પંચાયત ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત’ યોજાઈ
વિવિધ શાળાની તેજસ્વી દીકરીઓએ એક દિવસ માટે સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનું સંચાલન કર્યું
મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધિ હાંસલ કરનાર બાલિકાઓનું સન્માન
રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત ગુજરાતની બાલિકાઓ-મહિલાઓની પ્રજાતાંત્રિક વ્યવસ્થામાં ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રૂચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત’ યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ શાળાની તેજસ્વી દીકરીઓએ એક દિવસ માટે સુરત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનું સંચાલન કર્યું હતું.
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે દીકરીઓના જન્મ અને શિક્ષણ, પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીના હક્ક તેમજ સામાજિક દૂષણો જેવા મુદ્દાઓ પર બાલિકાઓ દ્વારા વિશેષ રજૂઆત કરાઈ હતી. અને આ મુદ્દાઓને આધારે અન્ય વિદ્યાર્થિનીઓ દ્વારા સંવાદ કરાયો હતો.
દીકરીઓને પ્રોત્સાહન આપવા ઉજવાતા રાષ્ટ્રીય બાલિકા દિવસનો મુખ્ય ઉદ્દેશ અને તેનું મહત્વ સમજાવતા જિલ્લા વિકાસ અધિકારીએ તમામ દીકરીઓને અભિનંદન આપ્યા હતા. સાથે જ પોતાના હક્ક અને અધિકારો માટે જાગૃત રહી તેનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરાતા પ્રયત્નો અને હેતુઓની ચર્ચા કરી હતી. તેમજ સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ અર્થે મળતી સહાયની જાણકારી આપી તમામ દીકરીઓને તેનો લાભ લઈ ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને સામાજિક દૂષણો અટકાવવામાં મદદરૂપ થવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે સાહસિક રાણી લક્ષ્મીબાઈ અને દેશના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેના દ્રષ્ટાંતો વડે સમાજમાં મહિલા અને શિક્ષણનું મહત્વ જણાવ્યું હતું. બદલાતા સમય સાથે બદલતા સમાજની રચનામાં પ્રતિષ્ઠિત અને શિક્ષિત મહિલાના ફાળાનો ઉલ્લેખ કરી દરેક દીકરીઓને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
સાંપ્રત સમયમાં સામાજિક દૂષણ બનેલા મોબાઈલની આજની પેઢી પર થતી વિપરીત અસરની વાત કરી વિદ્યાર્થીઓને તેનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. સાથે જ છેડતીના બનાવો અંગે નીડર બની રજૂઆત કરવા પ્રોત્સાહિત કરી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દીકરીઓના નામની નેમ પ્લેટ વિતરણ, રમત-ગમત ક્ષેત્રે જિલ્લા, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનારી દીકરીઓનું સન્માન તેમજ વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ કરાયું હતું. અહીં ઉપસ્થિત સૌ કોઈએ નારી સમાનતાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવુત્તિ સમિતિના અધ્યક્ષ દરિયાબેન વસાવા, મહિલા અને બાળ અધિકારી બી.જે. ગામિત અને કો-ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલ, ICDS ના પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર, જિલ્લા આરોગ્ય પ્રતિનિધિ કેતનભાઈ લકુમ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.