સુરત ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક કેન્દ્રીય રેલ્વે ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને યોજાઈ
બારડોલીના સાંસદ અને દિશા કમિટીના ઉપાધ્યક્ષ પ્રભુભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ
સખી મંડળની બહેનો દ્વારા સ્વનિર્મિત ચીજવસ્તુઓ ભેટ આપીને મહાનુભાવો-અધિકારીઓનું સ્વાગત કરાયું
સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બારડોલીના સાંસદ અને દિશા સમિતિના ઉપાધ્યક્ષશ્રી પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદએ કેન્દ્ર પુરસ્કૃત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે દિશામાં ગતિશીલ બની ઝડપી કાર્યવાહી કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી ઇચ્છનીય છે એમ કહી તેમણે લોકોને આધાર કાર્ડ અંગેના કામોમાં હાલાકી ન પડે એ માટે પોસ્ટ ઓફિસો, બેન્કો, જનસેવા કેન્દ્રોમાં આધાર કાર્ડની કામગીરીની સમીક્ષા કરાશે, તેમજ તમામ આધાર કેન્દ્રોની કાર્યક્ષમતા વધારવામાં આવશે એમ જણાવ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું કે, મંત્રી અને સાંસદએ સૌ અધિકારીઓને વિકાસકામો અને વિવિધ લોકોપયોગી યોજનાઓની સમીક્ષા સહ ચર્ચા કરી તેને ઝડપભેર-સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સુરત જિલ્લાના છેવાડાના પ્રજાજનો સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા ગ્રાસ રૂટ લેવલની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
પ્રભુભાઈએ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે અંગે ચર્ચા વિમર્શ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
આ વેળાએ નવતર પહેલરૂપે સરસ મેળાની સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત સાબુ અને તોરણ અર્પણ કરીને મંત્રીઓ, મહાનુભાવો-અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. સુરત શહેરને સ્વચ્છતામાં નંબર ૧ પર લાવ્યા માટે તેમનું દિશા કમિટી દ્વારા સન્માન કરાયું હતું.
દિશાની બેઠકમાં જાન્યુઆરી -૨૦૨૪ સુધીની કેન્દ્ર પુરસ્કૃત મનરેગા, દીનદયાલ અંત્યોદય યોજના, પી.એમ.આવાસ યોજના અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ/શહેર), અમૃત યોજના, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ યોજના, નગરપાલિકાઓ, લીડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, નેશનલ રૂરલ ડ્રીંકિંગ વોટર કાર્યક્રમ, ડીજીવીસીએલ, નેશનલ હાઈવે, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ,શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ઈ-નામ યોજના, પોસ્ટની સુકન્યા સમૃદ્ધિ યોજના, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત સાંસદ આદર્શ ગામ જેવી કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના કામોની નાણાંકીય અને ભૌતિક પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશન પટેલ, કલેકટર ડૉ.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ,, તાલુકા પંચાયતના પ્રમુખઓ, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યઓ તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.