વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકાના સરસ ગામે રામજી મંદિરમાં સફાઈ અભિયાનમાં જોડાયા
ગ્રામજનો, ભાવિક ભક્તો અને અગ્રણીઓ સાથે વનમંત્રીએ મંદિર તેમજ મંદિર પરિસરની સફાઈ હાથ ધરી
યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી: મંત્રી મુકેશભાઈ પટેલ
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ તાલુકાના સરસ ગામે ઐતિહાસિક રામજી મંદિરમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેમણે ગ્રામજનો, ભાવિક ભક્તો અને અગ્રણીઓ સાથે મંદિર તેમજ મંદિર પરિસરની સફાઈ હાથ ધરી હતી. તેમણે ભગવાન શ્રી રામના દર્શન કરી રાજ્યની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિની મંગલકામના કરી હતી.
આ પ્રસંગે વન મંત્રીએ ગ્રામજનોને સફાઈ અભિયાનને વ્યાપક બનાવવા અને ગામના તમામ ભાગોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરતા જણાવ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સ્વચ્છતાનો વ્યાપ ગ્રામ્ય જીવનના વિવિધ પાસાઓ સુધી વિસ્તર્યો છે, તેમજ નાગરિકો જવાબદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એકબીજાના પૂરક છે. ધર્મસ્થાનકોમાં સ્વચ્છતાનું અનેરૂં મહત્વ છે. દિવસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા છે, ત્યારે ધાર્મિક સ્થળોના શાંત અને પ્રાકૃતિક વાતાવરણ શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. શુદ્ધતા, સ્વચ્છતા અને પવિત્રતા આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ છે. યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. જેથી સૌ નાગરિકોએ ધાર્મિકસ્થળોને સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ બનવા મંત્રીએ આહ્વાન કર્યું હતું.