સ્વચ્છતા હી સેવા: શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો
Ø દરેક મુસાફરો ‘આપણી બસ છે’ તેવી ઉમદા ભાવના સાથે બસ સ્ટેશન તથા બસોને સ્વચ્છ અને સુઘડ રાખવાની જવાબદારી નિભાવે તે જરૂરી છેઃ
Ø નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ : શિક્ષણ રાજ્યમંત્રી
જેમ આપણા ઘરોને સ્વચ્છ રાખીએ છીએ, તેમ બસો તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખીને માનવીય કર્તવ્ય નિભાવવાનું આહ્વાન કરતા શિક્ષણમંત્રી
કેમ્પેઈનનો લોગો, જિંગલ તેમજ સ્વચ્છતા માટે પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ લોન્ચ કરાશે
મંત્રીએ બસ સ્ટેશન ખાતે કાર્ય કરતા સ્વચ્છતાદૂતોને પુષ્પગુચ્છ આપી વંદન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાયું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સફાઈ કરીને ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ મુસાફરી કરી રહેલા મુસાફરોને સ્વચ્છતાનો સંદેશો આપતા કહ્યું હતું કે, આપણે આપણા ઘરને સ્વચ્છ-સુઘડ રાખીએ છીએ તેમ ‘આપણી બસ છે’ એવી ભાવના સાથે બસો તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા એ આપણી નૈતિક જવાબદારી છે. આપણા ઘરોમાં થૂંકીએ, કચરો ફેંકીએ અને ગંદકી કરીએ તો આપણી માતાબહેનોને સાફ કરવું ગમશે? એવો પ્રશ્નાર્થ કરતા મંત્રીએ જેમ આપણે ઘરોમાં ગંદકી નથી કરતા, એવી જ રીતે બસ, બસ સ્ટેશનોને આપણું ઘર માની તેમજ આપણા સમાજ-પરિવારના અભિન્ન અંગ એવા સફાઈકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દાખવી જ્યાં-ત્યાં ન થૂંકવા અને ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ વેળાએ તેમણે બસ સ્ટેશનના સ્વચ્છતા કર્મીઓને પુષ્પ ગુચ્છ આપી વંદન કર્યા હતા.
મીડિયા સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે, ત્યારે વાહન વ્યવહાર નિગમ દ્વારા “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો પ્રારંભ થયો છે. રાજ્ય સરકાર નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે માટે હરહંમેશ કટિબદ્ધ છે. મોટા બસ સ્ટેશનો ખાતે મુસાફરી દરમિયાન જ્યારે બસો બસ સ્ટેશન ખાતે થોભશે, ત્યારે વિરામના સમયે સ્વચ્છતાકર્મીઓ બસમાં રહેલી બોટલો તથા કચરાની સાફ સફાઈ કરશે. દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવશે. તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપણી નૈતિક જવાબદારી છે. યુવાનો, વડીલો, મહિલાઓ સૌ કોઈ સાથે મળીને જેમ ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ બસો તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખીને પોતાનું કર્તવ્ય નિભાવે તેવો અનુરોધ કર્યો હતો. સુરત શહેર સમગ્ર દુનિયામાં સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યું છે ત્યારે સૌ સાથે મળીને સ્વચ્છતાના પવિત્ર યજ્ઞમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
વધુમાં મંત્રી કહ્યું કે, સ્વચ્છ યાત્રા દરમિયાન વિવિધ એન.જી.ઓ, શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રક્તદાન શિબિર, વોલ પેઈન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.
આ અવસરે એસ.ટી.ના વિભાગીય નિયામક પંકજ ગજ્જર તથા એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓ, સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.