‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન-સુરત
સિવિલ ડિફેન્સ-સુરત દ્વારા રેલ્વે વિભાગ, ભરથાણા ખાતે સ્વચ્છતા ઝુંબેશ તેમજ ફ્લડ અને ફાયર ડિઝાસ્ટરની બેઝીક ટ્રેનિંગ યોજાઈ
રેલ્વે અધિકારી-કર્મચારીઓ, કુલીઓ, વેન્ડરોને સુરક્ષા સાથે સ્વચ્છતાના પાઠ ભણાવાયા: સુરક્ષાના બેઝીક ભાગોની અપાઈ તાલીમ
સિવિલ ડિફેન્સ દ્વારા સ્વચ્છતા અભિયાન એક દિવસ કે એક-બે મહિના સુધી મર્યાદિત ન રાખતા દૈનિક જીવનમાં સ્વચ્છતાને વણી લેવા અને સ્વભાવ, ટેવરૂપે વિકસાવવા કરાયો અનુરોધ
‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશની ચોથી રક્ષા પાંખ ગણાતી સિવિલ ડિફેન્સના સુરત એકમ અને વેસ્ટર્ન રેલ્વે મુંબઈ ડિવિઝન-સુરતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા ઝુંબેશ તેમજ ફ્લડ અને ફાયર ડિઝાસ્ટરની બેઝીક ટ્રેનિંગ યોજાઈ હતી, જેમાં સિવિલ ડિફેન્સ ડેપ્યુટી ચીફ વોર્ડન-સુરત અને માસ્ટર ટ્રેનર મહંમદ નાવેદ શેખ દ્વારા રેલ્વે અધિકારી-કર્મચારીઓ, કુલીઓ, વેન્ડરોને સુરક્ષાની સાથે સાથે સ્વચ્છતાના પાઠ પણ ભણાવાયા હતા. સુરક્ષાના બેઝીક ભાગોની તાલીમના ભાગરૂપે અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયાએ સુરક્ષાના સાધનો ઉપલબ્ધ ન હોય એવી સ્થિતિમાં પૂર હોનારતમાં જીવન બચાવ માટેની સંપુર્ણ ટ્રેનિંગમાં ‘હાથે લાગ્યુ તે હથિયાર’ પ્રમાણે ખાલી બોટલ, પેન્ટ,લેગીન્ગ્સના ઉપયોગ વડે બચાવનો ડેમો રજૂ કર્યો હતો.
સિવિલ ડિફેન્સની જીવનરક્ષાની તાલીમ પૂર્ણ થયા બાદ ૨૦૦ જેટલા રેલ્વે કર્મીઓ, કુલી ભાઈઓ, વેન્ડરો અને ભરથાણાના ગ્રામજનો અમરોલી ડિવિઝન, ભરથાણામાં સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. રેલ્વે કર્મચારીઓ, કુલીઓ, અધિકારીઓને પ્રથમ વખત જ આ પ્રકારની તાલીમમાં જોડાવા અને નવું શીખવા માટે મળેલી તક બદલ સિવિલ ડિફેન્સની ટીમનો આભાર વ્યક્ત કરી સ્વચ્છતા અભિયાન એક દિવસ, એક-બે મહિના સુધી મર્યાદિત ન રાખતા દૈનિક જીવનમાં સ્વચ્છતાને વણી લેવા અને સ્વભાવ, ટેવરૂપે વિકસાવવા તમામ ગ્રામજનો સહિત સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ તાલીમ અને સ્વચ્છતા ઝુંબેશની સાથે અનોખો યોગાનુયોગ સર્જાયો હતો. તા.૧૧મી ઓક્ટોબરે સદીના મહાનાયક અને વિશ્વવિખ્યાત બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનનો જન્મદિન હતો, ત્યારે કાર્યક્રમ સ્થળે રેલ્વેના કુલીઓએ ‘કુલી નં.૧’ ફિલ્મમાં કુલી બનેલા બચ્ચનના ફોટો સાથેનું પોસ્ટર લગાવી જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી.
લાઈફસેવિંગ તાલીમ અંતર્ગત ફાયર, ફ્લડ, ટ્રેન અકસ્માત તથા ભૂકંપ, બિલ્ડીંગ કોલેપ્સ, ભુસ્ખલન જેવા બનાવોમાં અસરગ્રસ્તોની બચાવ કામગીરી, સ્વબચાવ, જાનહાનિ નિવારવા જરૂરી પગલાઓ અંગે સૌને માહિતગાર કરાયા હતા. સિવિલ ડિફેન્સ દ્વારા આમંત્રિત સુરત ફાયર વિભાગના ભૂપેન્દ્ર રાજ સહિત મોટાવરાછા ફાયર ટીમ દ્વારા પણ ફાયર સંસાધનોના ઉપયોગની તાલીમ અપાઈ હતી.
નોંધનીય છે કે, સુરત સિવિલ ડિફેન્સ ટીમ દ્વારા પૂર બચાવ ક્ષેત્રે વેસ્ટર્ન રેલ્વેમાં દેશમાંપ્રથમવાર કોઈ રેલ્વે ડિવીઝનમાં ઈનોવેશન અને ઈનોગ્રેશન- ‘નવીનતાપૂર્ણ અને રેલવેમાં શુભશરૂઆત’ના રૂપમાં સુરક્ષા તાલીમ યોજાઈ હતી. કારણ કે રેલ્વે પ્લેટફોર્મ પર કુલીઓ અને વેન્ડરોની સતત હાજરી હોય છે, જો તેઓને તાલીમબદ્ધ કરવામાં આવે તો રેલ્વે પ્લેટફોર્મ પર સર્જાતી દુર્ઘટના નિવારી શકાય. ઉપરાંત, દુર્ઘટના-અકસ્માતોમાં લોકોના જીવ બચાવી શકાય.
આ પ્રસંગે સુરત રેલ્વે વિભાગના O.S અજય ચરપે તથા ચીફ કોમર્શિયલ ઈન્સ્પેકટર ગણેશ જાદવ, DSS આનંદ શર્મા, DSS સત્યેન્દ્ર શર્મા તથા સુરત મનપાના વરાછા ઝોન(બી)ના પરેશ પટેલ, તથા ડી.બી ભટ્ટ, વણઝારા સમાજના પ્રમુખ રઘુવિરસિંહ કાછવા, સફાઈ કર્મચારીઓ, કુલીઓ, વેન્ડરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા