મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ રિયા ચક્રવર્તીની પોલ ખૂલવા લાગી છે. તપાસમાં ખબર પડી છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંતના પૈસા પર ભારે એશ કરી. રિયા ચક્રવર્તી ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિત્ઝરલેન્ડ જેવા તમામ દેશોમાં ફરવા ગઈ, પરંતુ ટિકીના પૈસા સુશાંતના એકાઉન્ટમાંથી કપાયા. એટલું જ નહિ, રિયા વિદેશમાં જે શોપિંગ કરતી હતી અથવા ફરતી હતી તેના તમામ ખર્ચાના પૈસા પણ સુશાંતના એકાઉન્ટમાંથી જ જતા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીઓ સુશાંતના ઘણાં ખાતાની તપાસ કરી રહી છે, જેમાં ધીમે ધીમે રિયાની પોલ-પટ્ટી ખૂલી રહી છે.
છેલ્લા છ મહિનામાં રિયાએ જેટલી વાર વિદેશ પ્રવાસ કર્યો તેની તમામ ટિકીટના પૈસા સુશાંતના એકાઉન્ટમાંથી જ ભરવામાં આવ્યા છે. સુશાંતના પરિવારજનોનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, સુશાંતના ખાતામાંથી એવા લોકોના એકાઉન્ટમાં પૈસા નાંખવામાં આવ્યા છે જેમને સુશાંત જાણતો પણ નહોતો. હવે એ તમામ લોકોને લઈને પણ તપાસ કરાશે કે આખરે એ લોકો કોણ છે જેમના એકાઉન્ટમાં રિયા સુશાંતના એકાઉન્ટમાંથી પૈસા મોકલતી હતી.
સુશાંતના પરિવારનો આરોપ છે કે, મુંબઈ પોલીસ જાણી જોઈને એવા દાવા કરી રહી છે જેથી આ મામલો રફેદફે કરી શકાય. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, દિશા સુશાંતની મેનેજર નહોતી. મુંબઈ પોલીસને એવું પણ કહેવું છે કે દિશા માત્ર 23 દિવસો માટે સુશાંતના સંપર્કમાં કામના સંદર્ભે મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે દિશા કોર્નર સ્ટોન નામની એક કંપનીમાં સેલિબ્રિટી મેનેજર તરીકે કામ કરતી હતી અને કંપની દ્વારા અપાયેલા કામના સિલસિલામાં સુંશાંતને એક એપ્રિલ 2020થી લઈને 23 એપ્રિલ 2020 સુધી સુશાંતની સાથે હતી. પોલીસના કહેવા પ્રમાણે ત્યારબાદ દિશાનો સુશાંત સાથે કોઈ સંપર્ક નહોતો થયો.
જોકે, પોલીસ માની રહી છે કે, સુશાંત દિશાના મોતને કારણે પરેશાન હતો, અને તેને લાગી રહ્યું હતું કે દિશાના કેસમાં તેમને કેટલાંક લોકો ફસાવવાનો પ્રયાસ કરશે. પોલીસના સૂત્રો પ્રમાણે સુશાંતે પોતાના કેટલાંક ખાસ લોકોને આ બાબતે વાત કરી હતી કે તેનું નામ દિશાના મોત સાથે જોડવામાં આવશે.