સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત
સુરતના ગોપીપુરા પૌરાણિક અંબાજી મંદિરની સાફસફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ
કેન્દ્રીય મંત્રીએ સ્વચ્છતાકર્મીઓને ફૂલ આપી સન્માન અને પ્રોત્સાહિત કર્યા
અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે સુરત શહેરના ગોપીપુરા સ્થિત ૫૦૦ વર્ષ જૂના અતિ પૌરાણિક અંબાજી મંદિરની મંદિરની સાફસફાઈ કરી કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ મંદિરમાં મા અંબા સ્વયં પ્રગટ થયા હતા એવી લોકવાયકા છે. કેન્દ્રીય મંત્રીએ તીર્થધામો આસપાસ સફાઈ કરતા સ્વચ્છતાકર્મીઓને સ્વચ્છ રાખતા સ્વચ્છતાકર્મીઓ, મનપાના અધિકારીઓને ફૂલ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે શ્રી મહાદેવ અને હનુમાનજીના દર્શન કરી દેશની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિની મંગલકામના કરી હતી. “સ્વચ્છ રહેશે મંદિર તો સુંદર થશે દર્શન” એમ જણાવી મંત્રીએ યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. જેથી સૌ નાગરિકોએ ધાર્મિકસ્થળોને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામ પધારી રહ્યા છે, ત્યારે શ્રી રામ આગમનને વધાવવા સાથે તીર્થક્ષેત્રોને સ્વચ્છ કરવાના આદરણીય વડાપ્રધાનના આહ્વાનને ઝીલી યાત્રાધામોને સ્વચ્છ રાખવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય કિશોરભાઈ રાણા, કોર્પોરેટરો, મનપા અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો, ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.