ડીજે ના ન્યુસન્સ ને નાથવા ગુજરાત પોલીસ નો સરાહનીય નિર્ણય
ગુજરાતમાં શુભ પ્રસંગો દરમ્યાન અથવા ધાર્મિક જાહેર પ્રસંગો દરમ્યાન ડીજે મ્યુઝીક સિસ્ટમ વગાડવાનું દુષણ ત્રાસની હદે વધી ગયું છે. નામદાર ગુજરાત હાઈ કોર્ટે આ બાબતમાં કડક શબ્દોમાં ટીકા કરી રાજ્યના પોલીસ તંત્ર અને રાજ્ય સરકારને ડીજેનું દુષણ નાથવા કડક પગલાં લેવાની સૂચના આપી છે..
જે સંદર્ભમાં ગુજરાત પોલીસે જાહેરનામું બહાર પાડી ડીજે સિસ્ટમના ઉપયોગ અંગે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે જાહેર સ્થળો એ ડીજે વગાડવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. ડીજેનું ધ્વનિ નિર્ધારિત ડેસિબલની અંદર જ રાખવાનું રહેશે. જે જાહેર જનતાને ત્રાસ રૂપ હોવુંના જોઈએ..
જો ધ્વનિ પ્રદુષણ નિર્ધારિત લેવલ કરતા વધુ હોવાનું જણાશે તો ડીજે ઓપરેટર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. અને, જરૂરી લાગે તેવાં કિસ્સામાં પોલીસ દ્વારા ડીજે સિસ્ટમ જપ્ત કરી લેવામાં આવશે. રાત્રીના સમયે નિર્ધારિત સમય મર્યાદા પછી ડીજે વગાડી શકાશે નહીં. જો કોઈ પણ નાગરિકની ફરિયાદ આવશે તો પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીજે સિસ્ટમના ઓપરેટરો કાનના પડદા ફાડી નાંખે તેવા અવાજે ડીજે સિસ્ટમ વગાડતા હોય છે. જે માંદા માણસો, સ્ત્રીઓ, બાળકો, વૃધ્ધો સહીત તમામ વ્યક્તિઓ માટે ત્રાસ ઉત્પન્ન કરે છે. ઘણી વારતો ડીજે વાગતું હોય ત્યારે નાગરિકોનાં ઘરના બારી બારણાંના કાચ ભયંકર રીતે ધ્રુજતા હોય છે. ઘરના વાસણો પણ જગા પરથી પડી જાય એટલી હદે ડીજે દ્વારા ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. એટલું જ નહીં પણ ડીજે સાથે ચાલુ કરવામાં આવતી લાઈટિંગ સિસ્ટમનો પ્રકાશ શેરડા ફેંકતો હોય છે. જે રાહદારીઓ તથા વાહન ચાલકોની આંખોને આંજી નાંખે છે. જેથી જાહેર માર્ગો પર અકસ્માત પણ થતાં હોય છે. દરેક વખતે આવી ઘટનાઓમાં પોલીસ ફરિયાદ કરવાનું નાગરિકો ટાળતા હોય છે. ક્યારેક ડીજે સિસ્ટમ વગાડવાની બાબતે નાગરિકોના જૂથો વચ્ચે મારામારી પણ થતી હોય છે. ગુજરાતના તમામ નાગરિકો ડીજે વગાડવા પર અંકુશ લાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા ભરવામાં આવેલા પગલાંઓથી ખુશ છે. અને રાજ્ય પોલીસની સરાહના કરી રહ્યાં છે.