કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે બારડોલીના અકોટી ગામે આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યુ
સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
’વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ ડબલ એન્જિનની સરકારે હર હંમેશ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પ્રાધાન્ય આપ્યું છે’: કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરી વિકસિત ભારતની સંકલ્પના સાથે સામૂહિક પ્રતિજ્ઞા લેવાય
કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર શરૂ કરાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું બારડોલી તાલુકાના અકોટી ગામે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા ગ્રામજનોએ કંકુ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ અવસરે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, જનજનના વિકાસ અર્થે શરૂ કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભો લોકોને ઘરઆંગણે પુરી પાડવામાં આવી રહયા છે. આદિવાસી સમાજના વિશ્વાસને કાયમ રાખતા વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ ડબલ એન્જિનની સરકારે હર હંમેશ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પ્રાધાન્ય આપ્યું છે.
ગ્રામીણ અને પછાત મહિલાઓ માટે જન્મથી લઈ અભ્યાસ, આરોગ્ય, લગ્ન અને વિવાહ સહિતના પ્રસંગો માટે સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે એમ તેમણે જણાવ્યું હતું. દેશના શતાબ્દી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને આત્મનિર્ભર બનાવવા માટેના સંકલ્પને ચરિતાર્થ કરવા દેશને એક જુટ થઈ આગળ વધવા અને સરકારી યોજનાઓનાં લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે બારડોલીના ઐતિહાસિક ગામે આવી પહોંચેલી જન આશીર્વાદ યાત્રાને વધાવતા સાંસદ પ્રભુભાઈ વસાવાએ કહ્યું કે, દેશને વિકસિત દેશોની હરોળમાં પહોંચાડવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા થકી અન્ય એક સફળ પ્રયાસ દ્વારા લોકોને ઘરબેઠા ૧૦૦ ટકા સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે તેમજ તેનાથી માહિતગાર કરાઇ રહ્યા છે. જે થકી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કુટુંબ, સમાજ અને ગામથી લઈ રાષ્ટ્રની એકતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચાડ્યો છે.
આ અવસરે મંત્રીઓના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ સરકારની વિવિધ યોજનાઓ દર્શાવતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ અધ્યક્ષ જીતુભાઈ પટેલ, જીગરભાઈ નાયક, ભરતભાઈ રાઠોડ, ગામના સરપંચ હિનાબેન રાઠોડ, બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર, તલાટી મંત્રી રેખાબેન યાદવ, અગ્રણી વિભાગના અધિકારીઓ, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો સહિત કર્મચારીગણ અને મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા