HomeBusinessVendor Networking Opportunities/ગારમેન્ટ એક્ષ્પો ર૦ર૩’નો ભવ્ય શુભારંભ/INDIA NEWS GUJARAT

Vendor Networking Opportunities/ગારમેન્ટ એક્ષ્પો ર૦ર૩’નો ભવ્ય શુભારંભ/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણાના પ્લેટિનમ હોલમાં‘SGCCI ગારમેન્ટ એક્ષ્પો ર૦ર૩’નો ભવ્ય શુભારંભ

ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જરૂરી ચીજવસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનીંગ વિગેરેનું ડિસપ્લે કરાયું

સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ કરવા તેમજ સુરતનું કાપડ અને ગારમેન્ટનું વિશ્વ કક્ષાએ માર્કેટીંગ, પ્રોડયુસિંગ અને સેલીંગ થાય તે દિશામાં પ્રયાસના ભાગ રૂપે ગારમેન્ટ એક્ષ્પો યોજાયો છે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૭ અને ર૮ ડિસેમ્બર, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે‘SGCCI ગારમેન્ટ એક્ષ્પો ર૦ર૩ – વેન્ડર નેટવર્કીંગ ઓપોર્ચ્યુનિટીઝ’નું આયોજન કરવામાં આવ્યું છે.

બુધવાર, તા. ર૭ ડિસેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલમાં એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં ફેડરેશન ઓફ કર્ણાટકા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઉમા રેડ્ડી ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા અને તેમના વરદ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્‌ઘાટન સમારોહમાં ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (CMAI)ના જોઇન્ટ સેક્રેટરી નવીન સૈનાની, ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન (GGMA)ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સના કો–ચેરમેન અર્પણ શાહે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સમારોહમાં સર્વેને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વસ્તીમાં અને આવકમાં વૃદ્ધિ સાથે ભારતની માથાદીઠ આવક વર્ષ ર૦૪૭ સુધીમાં ૧૦,૦૦૦ યુએસ ડોલર રહેવાનો અંદાજ છે. જેને અનુસંધાને મૂડી દીઠ વસ્ત્રોનો વપરાશ ઓછામાં ઓછો પ ગણો વધવાની ધારણા છે. આ તર્કને ધ્યાનમાં રાખીએ તો આપણું ડોમેસ્ટીક ગારમેન્ટ માર્કેટનું કદ આજની સરખામણીએ પ ગણું વધવાની ધારણા છે અને જો આપણે વૈશ્વિક વેપારમાં ભારતના હિસ્સામાં ૮% વધારો ધારીએ તો આપણી કાપડ અને વસ્ત્રોની નિકાસમાં પણ વધારો થવાની ધારણા છે. વાણિજ્ય તરીકે કાપડની સાથે ભારતનો ઇતિહાસ પ૦૦૦ વર્ષથી વધુનો છે. ભારત તેના અમૃત કાલમાં પ્રવેશવા માટે તૈયાર હોવાથી ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનના ગારમેન્ટ સેગમેન્ટમાં હાજરી ધરાવતા ઉદ્યોગપતિઓ તેમજ તેમાં ઝંપલાવવા માગતા ઉદ્યોગ સાહસિકોને ઘણો ફાયદો થશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને ગારમેન્ટ હબ તરીકે વિકસાવવા માટે એક પ્રયાસના ભાગ રૂપે ‘SGCCI ગારમેન્ટ એક્ષ્પો– ર૦ર૩’યોજાયો છે. ગારમેન્ટ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં વેન્ડર સોર્સિંગ માટે ઘણી તકો આ એક્ષ્પો થકી ઉભી કરવામાં આવી છે અને તેને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાત જ નહીં પણ સમગ્ર ગુજરાતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને તેનો લાભ મળી રહેશે. તેમણે કહયું હતું કે, સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહયા છે. સુરતનું કાપડ અને રેડીમેડ ગારમેન્ટનું વિશ્વ કક્ષાએ માર્કેટીંગ, પ્રોડયુસિંગ અને સેલીંગ થાય તે દિશામાં પ્રયાસ કરાઇ રહયો છે.

ચેમ્બર પ્રમુખે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સે ભારતમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવા પ્રયાસ કરાઇ રહયો છે. આ ઉપરાંત ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે. આ પ્રોજેકટ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે.

સમારોહના ઉદ્‌ઘાટક અને મુખ્ય અતિથિ ઉમા રેડ્ડીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશમાં ફેબ્રિક માટે સુરત જાણીતું છે. ટ્રેડીશનલ સાડીઓ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં શોકેસ થાય છે. તેમણે સુરતમાં પ્રથમ વખત ગારમેન્ટ એક્ષ્પોના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સને શુભકામના આપી હતી. તેમણે સુરતના ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણી તકો છે તેમ જણાવી તેમાં ઝંપલાવવા તેમજ પ્રથમ નાના પાયે શરૂઆત કરવાની સલાહ આપી હતી. તેમણે કર્ણાટકામાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી.

સમારોહના અતિથિ વિશેષ નવીન સૈનાનીએ જણાવ્યું હતું કે, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોટી ફેકટરી, સિસ્ટમ અને એસઓપીની વાત થાય છે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકો પણ ગારમેન્ટ મેન્યુફેકચરીંગમાં આવે તે માટે તેઓને વિવિધ બાબતોથી વાકેફ કરવા પડશે. ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ મેન્યુફેકચરીંગમાં કલસ્ટરના એડવાન્ટેજ અને ડીસએડવાન્ટેજ વિશે માહિતી આપવી પડશે. એના માટે કોર્સ ડેવલપ કરી કેટલાક વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકોને ટ્રેઇન કરી ગારમેન્ટની ફેકટરી શરૂ કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.

સમારોહના અતિથિ વિશેષ અર્પણ શાહે ચેમ્બર ઓફ કોમર્સના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪થી પ્રભાવિત થઇને જણાવ્યું હતું કે, મિશન ૮૪ની શરૂઆત ઘણી સારી રીતે થઇ છે. કોઇપણ લક્ષ્ય સુધી પહોંચવા માટે શરૂઆત કરવી જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતની ઇકોનોમીને પ ટ્રિલિયન યુએસ ડોલર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તેમાં આપણા બધાની ભાગીદારી જરૂરી છે. એકબીજાની સાથે સંવાદ કરવાથી જ બિઝનેસ આગળ વધે છે. મિશન ૮૪ અંતર્ગત બધા ઉદ્યોગકારો, વેપારીઓ અને નિકાસકારોએ દેશની ઇકોનોમીને મજબુત બનાવવા માટે સાથે મળીને આગળ વધવું પડશે.

ચેમ્બરના ગૃપ ચેરપર્સન તેમજ SGCCI ગારમેન્ટ એક્ષ્પો ર૦ર૩ – વેન્ડર નેટવર્કીંગ ઓપોર્ચ્યુનિટીઝના ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, સુરતમાં જે ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવું છે અને પોતાના નાના – મોટા યુનિટ શરૂ કરવા છે તેઓને દરેક બાબતનું માર્ગદર્શન આપવાના હેતુથી આ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં ૪૦ જેટલા પાર્ટીસિપેટ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે અને તેઓના સ્ટોલ પરથી ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ યુનિટ નાંખવા માટે જે પણ ચીવસ્તુઓની જરૂર પડે છે એવી વસ્તુઓ જેવી કે મશીન, ધાગા, લેસ, બટન, કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનર વિગેરેનું ડિસપ્લે કરાઇ રહયું છે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન તેમજ ઓલ એકઝીબીશન્સના ચેરમેન બિજલ જરીવાલા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ CMAIના ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડો. અજોય ભટ્ટાચાર્ય, ગારમેન્ટ મેન્યુફેકચરર દીપક શેટા, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, મેનેજિંગ કમિટીના સભ્યો અને ઉદ્યોગ સાહસિકો તથા ફેશન ડિઝાઇનીંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. અંકિતા ગોયલે ઉદ્‌ઘાટન સમારોહનું સમગ્ર સંચાલન કર્યું હતું.

SHARE

Related stories

Latest stories