સુરત, કાપડમાં અપ રિસાયકલ્સમાં શરૂઆત કરે અને દેશના અન્ય ટેક્ષ્ટાઇલ શહેરો માટે ઉદાહરણરૂપ બને : એડીશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્મા
ચેમ્બર ઓફ કોમર્સના જીએફઆરઆરસી દ્વારા ટેક્ષ્ટાઇલ પર્વની શરૂઆત કરાઇ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા સોમવાર, તા. ૯ ઓકટોબર, ર૦ર૩થી સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે પઃ૦૦ કલાકે ટેક્ષ્ટાઇલ પર્વનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ભારત સરકારના એડીશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા. જ્યારે ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી અતિથિ વિશેષ તરીકે હાજર રહયા હતા.
ભારત સરકારના એડીશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર એસ.પી. વર્માએ જણાવ્યું હતું કે, દેશમાં યુવાનોના કપડાના ઇમ્પોર્ટનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં એમએમએફનું ૪ર ટકા અને ફેબ્રિકનું પ૩ ટકા ઇમ્પોર્ટ થાય છે. હાલમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને અને દેશને સ્કીલ વર્ક ફોર્સની જરૂર છે. સુરતમાં આગામી ત્રણ વર્ષમાં પ૦૦ જેટલા ગારમેન્ટ યુનિટ શરૂ થવાના છે ત્યારે ગારમેન્ટ બનાવવા માટે અરીસા જેવું કાપડ હોવું જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ હવે વીજળીના ઓછા વપરાશની સાથે એગ્રીકલ્ચર વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહયું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે આનંદની વાત એ છે કે, હાલમાં યુએઇ અને યુકેમાં માર્કેટ ઉભરી રહયું છે ત્યારે સુરત, કાપડમાં અપ રિસાયકલ્સમાં શરૂઆત કરે અને દેશના અન્ય ટેક્ષ્ટાઇલ શહેરો માટે ઉદાહરણરૂપ બને તેવી આશા તેમણે ઉદ્યોગકારો માટે સેવી હતી.
ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, હાલમાં સૌથી મહત્વનું છે કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે રિસર્ચ કરીને કાર્ય કરવું જોઈએ. યુરોપિયન દેશોમાં છ મહિના પહેલા જ રિસર્ચ કરવામાં આવે છે કે માર્કેટમાં કેવા રીતનું કાપડ હાલમાં ટ્રેન્ડમાં છે અને લોકો કયા પ્રકારનું કાપડ પહેરવાનું પસંદ કરે છે. તેમણે કહયું હતું કે, ફૂડ અને એગ્રીકલ્ચર વિભાગ જે રીતે ટેગ આપે છે એવી રીતે કાપડમાં પણ ટેગ આપવામાં આવે. જે રીતે દેશના ર૮ રાજ્યોમાં મિનિસ્ટ્રી ઓફ ટેક્ષ્ટાઇલનો એક વિભાગ છે એવી જ રીતે ગુજરાતમાં પણ મિનિસ્ટ્રી ઓફ ટેક્ષ્ટાઇલ બનાવવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મર, ભૂતપૂર્વ પ્રમુખો આશીષ ગુજરાતી અને પ્રફુલ્લ શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ ટેક્ષ્ટાઇલ પર્વની રૂપરેખા આપી હતી. કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.