કતારગામ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને શિક્ષક દિન ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો
} તેજસ્વીતા અને પરાક્રમી વૃત્તિથી યુવાનો રાષ્ટ્રવિકાસના પ્રજ્વલિત યજ્ઞમાં આહૂતિ આપે
} વાયુ અને પાણી પ્રદુષિત થવાની સાથે વિચારો પણ પ્રદુષિત થયા છે, એ પ્રદૂષણને દૂર કરવા માટે સ્વામી વિવેકાનંદજીના વિચારો અતિ ઉપયોગી :- શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
શિક્ષણમંત્રીના હસ્તે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળામાં જોડાયેલી શાળાઓને રૂ.૩.૨૦ લાખનો ચેક અર્પણ
જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં ૫૦૦ ફર્સ્ટ-એડ કીટનું વિતરણ
વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવાની હોડમાં સંસ્કારો પણ પ્રાપ્ત કરવાની શીખ આપતા શિક્ષણમંત્રી
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વિદ્યાદીપ યુનિવર્સિટી, લાઈફ મોલ્ડીંગ એકેડેમી અને માતૃશ્રી દવલબેન આર. મુંજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કતારગામ, આંબાતલાવડી સ્થિત રામકૃષ્ણ હોલ ખાતે શિક્ષક દિન ‘પર્વત્રયી’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણમંત્રીના હસ્તે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળામાં જોડાયેલી શાળાઓને રૂ.૩.૨૦ લાખનો ચેક અર્પણ અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં ૫૦૦ જેટલી ફર્સ્ટ-એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદ એ એક વિચાર અને તેજસ્વી આત્માની વાણી છે. એમનું આદર્શ જીવન સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમના આદર્શ વિચારોને અનુસરવાથી ૧૦૦ % સિધ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. અમેરિકાની ધરતી પર સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના અદ્દભુત વારસાથી વિદેશીઓને અવગત કરાવ્યા હતા. વિવકાનંદજી કહેતા કે, સત્યના સિદ્ધાંત ક્યારેય જુદા નહિ પડે, આજે નહિ તો કાલે સત્યનો વિજય થશે.
મંત્રીએ વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવાની હોડમાં સંસ્કારો પણ મેળવવાની શીખ આપતા કહ્યું કે, સંસ્કારી સમાજનું નિર્માણ નવી પેઢીના સંસ્કારી વિચારો અને વર્તનવ્યવહારથી થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના વિકાસની સાથે યુવાનોમાં સંસ્કાર વારસો હોવો પણ ખૂબ જરૂરી છે.
બાળકોમાં વાંચનની વૃત્તિ ઘટવા લાગી છે, જેથી વિચારવાની શક્તિ પણ ઘટી છે. એક વ્યક્તિ પોતાના પેટ માટે મજૂરી કરવા સાયકલ ચલાવે છે, ત્યારે બીજી તરફ ધનવાન વ્યક્તિ પોતાનું પેટ ઓછું કરવા માટે સાયકલ ચલાવે છે, જેથી યોગ્ય જીવન જીવવા અને સ્વાસ્થ્ય જાળવણી માટે સાયકલ જેવી નાની બાબતો પણ મોટું મહત્વ ધરાવે છે એમ તેમણે જણાવ્યું હતું.
સુરતના કતારગામથી નવા આયામ અને પ્રયોગ સ્વરૂપે વિદ્યાર્થીઓ તેજસ્વી બને એ માટે ૫ વર્ષ માટે સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી રહી છે, જે સરાહનીય અને પ્રેરક પગલું છે એમ જણાવી મંત્રીએ ઉમેર્યું કે, વાયુ અને પાણી પ્રદુષિત થવાની સાથે વિચારો પણ પ્રદુષિત થયા છે, એ પ્રદૂષણને દૂર કરવા માટે સ્વામી વિવેકાનંદના વિચારો અતિ ઉપયોગી છે. વ્યાખ્યાનમાળાના માધ્યમથી વિવેકાનંદજીના વિચારો સેંકડો ઘર સુધી, વિદ્યાર્થીઓ, શિક્ષકો સુધી પહોંચશે. જેથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બનશે.
તેજસ્વીતા અને પરાક્રમી વૃત્તિથી યુવાનો રાષ્ટ્રવિકાસના પ્રજ્વલિત યજ્ઞમાં આહૂતિ આપે એવી હાંકલ કરતા મંત્રીએ
આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નિખિલેશ્વરનંદ સ્વામીએ જણાવ્યું કે, ભારતની નવી પેઢીના ઘડતરની જવાબદારી શિક્ષકો પાસે છે. સુરતથી સ્વામી વિવેકાનંદ વ્યાખ્યાનમાળાનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે જો આ પ્રયોગથી સુરતની સૂરત બદલાશે તો બાકીના શહેરો પણ પોતાની વૈચારિક સૂરત બદલવા માટે આ અભિગમને અપનાવશે. વિવેકાનંદજીના વિચારોથી એક વૈચારિક ક્રાંતિનો જન્મ થશે.
સ્વામી વિવેકાનંદજી કહેતા કે, પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા ભારત સમસ્ત વિશ્વ પર વિજયધ્વજ લહેરાવશે. વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાનના યુનાઈટેડ નેશનમાં પ્રસ્થાવના કારણે તા.૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માત્ર ત્રણ મહિનામાં યુનાઈટેડ નેશન દ્વારા આ પ્રસ્થાવ પાસ કરાયો હતો. ૧૯૮ દેશોમાંથી ૧૭૮ દેશોના પ્રતિનિધિઓ હાજર હતા,જેમાંથી એક દેશે વિરોધ નોંધાવ્યો ન હતો એ આપણી અપ્રતિમ સિદ્ધિ કહી શકાય એમ નિખિલેશ્વરનંદ સ્વામીએ કહ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, આપણા સપનાના ભારતને બનાવવા માટે પહેલાં તમામ ભારતીયોએ સારા, સંસ્કારી અને સક્ષમ બનવું પડશે. રાષ્ટ્રની પ્રગતિ માટે ચારિત્ર્ય અને સંસ્કારો પણ ખૂબ જરૂરી છે. માતા પિતા, સમાજ અને શિક્ષકો પાસેથી મળેલા સંસ્કાર, વિશ્વ અને દેશમાં પરિવર્તન લાવી શકે છે.
આ પ્રસંગે પદ્મશ્રી યઝદી કરંજીયા, વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જયંતિભાઈ પટેલ, નર્મદ યુનિ.ના કુલપતિ ડો.કે.એન. ચાવડા, લાઈફ મોલ્ડિંગ એકેડમીના ડૉ. સંજયભાઈ ડુંગરાણી, મુંજાણી ટ્રસ્ટના ચેરમેન મોહનભાઈ મુંજાણી, દિનકરભાઈ નાયક, સવજીભાઈ હુણ, શાળાના આાર્યઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-
સ્વામી વિવેકાનંદજીના આદર્શો સ્થાપિત કરવા માટે પર્વત્રયીના માધ્યમથી ત્રણ સામાજિક સંસ્થાઓની આગવી પહેલ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . .
સ્વામી વિવેકાનંદજીના આદર્શો સ્થાપિત કરવા માટે પર્વત્રયીના માધ્યમથી ત્રણ સામાજિક સંસ્થાઓની આગવી પહેલ કરી છે, જેમાં દ. ગુજરાતની એકમાત્ર રૂર્બન યુનિવર્સિટી એવી વિદ્યાદીપ યુનિ. ગ્રામીણ તથા શહેરી વિદ્યાર્થીઓને વર્લ્ડ કલાસ શિક્ષણ પૂરું પાડે છે. નવીનતમ સાધનો અને ટેકનોલોજીયુક્ત વર્ગખંડો સાથે વર્લ્ડ ક્લાસ ગ્રીન કેમ્પસ અને પ્લેસમેન્ટની ૧૦૦% ગેરંટી વિદ્યાદીપ યુનિવર્સિટીની આગવી ઓળખ છે.
લાઈફ મોલ્ડીંગ એકેડેમી એ બાળઘડતર, ગર્ભ-સંસ્કાર, સુખી દામ્પત્ય જીવન, કારકિર્દી માર્ગ દર્શન અને વડીલ વંદના જેવા વિશેષ કાર્યક્રમો દ્વારા સૌને સવિશેષ માર્ગદર્શન મળી રહે તેમજ વિધવા બહેનોના બાળકોને ઉચ્ચ શિક્ષણ સહાય પુરી પાડવી તેના માટે સતત કાર્યરત છે.
મણિવલ્લભ કન્યા-કેળવણી ધામ સરદાર સાહેબ અને પરિવારના ત્યાગ અને દૃઢ મનોબળને પ્રતિબિંબિત કરતુ મણિ-વલ્લભ કન્યા-કેળવણી ધામ જે પિતા વિહોણી દીકરીઓનું શિક્ષણ દ્વારા ચારિત્ર્યનિર્માણ કરી યોગદાન આપી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં અનોખી પહેલ ધોરણ ૧૦ની દીકરીઓ માટે નિઃશુલ્ક શાળા+ટ્યુશનના અભ્યાસની સગવડ તેમજ ધોરણ-૧૧ (સાયન્સ)ના ટ્યુશન-JEE, NEETના નિઃશુલ્ક વર્ગો કાર્યરત છે.