સ્વચ્છતા હી સેવા: શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા
માંડવી એસટી ડેપો ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનમાં સહભાગી થયા
આદિજાતિ મંત્રીએ એસ.ટી. ડેપો અને બસોની સાફસફાઈ કામગીરીમાં શ્રમદાન કર્યું
સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે એસ.ટી. બસો અને બસ સ્ટેશનોને સ્વચ્છ બનાવવા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંડવી એસટી ડેપો ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનમાં સહભાગી થયા હતા. તેમણે અહીં એસ.ટી. ડેપો અને બસોની સાફસફાઈ કામગીરીમાં શ્રમદાન કર્યું હતું.
મંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા ઝુંબેશમાં દરેક નાગરિકે ઐતહાસિક-ધાર્મિક સ્થળો, બાગ-બગીચા, રોડ રસ્તાઓ, શેરી મહોલ્લાઓ આસપાસની ગંદકી દૂર કરી સ્વચ્છતા રાખવા વધુ કટિબદ્ધ બનવું જોઈએ. દરેક ગુજરાતી એક નાનું ડગલું સ્વચ્છતા તરફ માંડશે તો જોત જોતામાં આપણું ‘ગુજરાત વધુ સ્વચ્છ અને સુંદર’ બનશે. તેમણે ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ ઝુંબેશનો હેતુ સ્પષ્ટ કરી જણાવ્યું કે, સામાન્યજન માટે મુસાફરી માટે આજે પણ એસટી બસ મુખ્ય સાધન છે, જાહેર પરિવહનની બસોમાં કચરો, ગંદકી ન ફેલાય એ માટે જાગૃત્ત થવું જરૂરી છે. દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવી છે, તેમજ બસોની નિયમિતપણે સફાઈ થાય એ માટે એસ.ટી. કર્મીઓ કાળજી રાખશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નીતિનભાઈ, માંડવી ડેપો મેનેજર આર.એમ.ગાંધી, સુપરવાઈઝર્સ, નિગમ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો સાથે પ્રવાસીઓ પણ સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી બન્યા હતા.