સુરત ખાતે પ્રભારી સચિવ આર.બી.બારડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત થયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
સુરત કલેકટર કચેરીના સભાખંડમાં જીપીસીબીના ચેરમેન અને સુરત જિલ્લાના પ્રભારી સચિવ આર.બી.બારડની અધ્યક્ષતામાં જિલ્લામાં ચાલી રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતાં પ્રભારી સચિવે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીનું યોગ્ય દસ્તાવેજીકરણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકાય. ઉપરાંત તેમણે તમામ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહી કામગીરીને આજ રીતે આગળ વધારવા માટે ઉપયોગી સૂચનો કર્યા હતા.
પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ડી.ડી.કાપડિયાએ એમના કાર્ય વિસ્તાર હેઠળની નગરપાલિકાઓમાં આગામી સમય દરમિયાન યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગોતરા આયોજન અંગે વિગતે જાણકારી આપી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.સી.પટેલે ગ્રામ્ય વિસ્તારમાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સુરત જિલ્લાના ૮ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નવ રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જિલ્લાની ૬૯૪ ગ્રામ પંચાયતો પૈકી ૨૭૭ ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની ૨૭ યોજનાઓ અંતર્ગત સુરત જિલ્લામાં ૧.૭૪ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે. ૧.૧૫ લાખ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે, તેમજ યાત્રાના સ્થળે મિલેટ્સની વાનગીઓનું પ્રદર્શન તથા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
સુરત મહાનગર પાલિકાના નાયબ કમિશનરે મહાનગરપાલિકામાં યોજાઇ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે જાણકરી આપી યાત્રા દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે વિગતે છણાવટ કરી હતી. જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવાએ પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર વાય.બી.ઝાલા, ડીઆરડીએના નિયામક એમ.બી.પ્રજાપતિ,જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞાસાબેન ઓઝા, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.