HomeBusinessPlantation Is Necessary For Oxygenation/ચેમ્બર ઓફ કોમર્સના ‘ગ્રીન અર્થ – ગ્રીન સુરત’કાર્યક્રમ...

Plantation Is Necessary For Oxygenation/ચેમ્બર ઓફ કોમર્સના ‘ગ્રીન અર્થ – ગ્રીન સુરત’કાર્યક્રમ અંતર્ગત SIECC કેમ્પસમાં ૮૪૦ વૃક્ષોનું રોપણ/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સના ‘ગ્રીન અર્થ – ગ્રીન સુરત’કાર્યક્રમ અંતર્ગત SIECC કેમ્પસમાં ૮૪૦ વૃક્ષોનું રોપણ, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે પોતાના નામનું પ્રથમ વૃક્ષ વાવ્યું

કોરોના કાળમાં લોકોને ઓકિસજનની કિંમત સમજાઇ હતી, ઓકિસજન માટે વૃક્ષારોપણ જરૂરી છે અને એના માટે વન અને પર્યાવરણ વિભાગ વિનામૂલ્યે વૃક્ષો આપશે : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ

સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના કેમ્પસમાં વૃક્ષોને પેરેલલ વોક–વે બનાવાશેઃ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ

પ્રકૃતિના સંવર્ધન માટે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત દર રવિવારે ૮૪૦ વૃક્ષો મળી આખા કેમ્પસમાં કુલ ૮૪૦૦ વૃક્ષો વાવી કેમ્પસને ગ્રીન – ઓકિસજનયુકત બનાવવામાં આવશે : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ર૦ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સવારે ૭:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પટાંગણમાં પર્યાવરણ સંવર્ધન માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી (રાજ્ય કક્ષા) મુકેશ પટેલના હસ્તે પ્રથમ વૃક્ષ તેમના પોતાના નામનું વાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન કુલ ૮૪૦ વૃક્ષોનું રોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા અને તેમણે પણ પોતાના નામનું વૃક્ષ વાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના સંવર્ધન માટે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ૧૦ રવિવારે ૮૪૦ વૃક્ષો વાવવામાં આવશે. આમ આખા કેમ્પસમાં કુલ ૮૪૦૦ વૃક્ષો વાવીને કેમ્પસને ગ્રીન અને ઓકિસજનયુકત બનાવવામાં આવશે. ત્યારબાદ આ જ સ્થળે મોટો ડોમ બનાવીને ૮૪ દેશોના વ્યાપારીઓને એકત્રિત કરાશે અને ૮૪૦૦૦ કરોડના વ્યાપારના એમઓયુ કરવામાં આવશે. આ અંગે ચેમ્બર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરાઇ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી (રાજ્ય કક્ષા) મુકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે સૌપ્રથમ કલાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરી હતી, જેની દેશ – દુનિયાએ નોંધ લીધી હતી. ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યારે કમોસમી વરસાદ પડી રહયો છે, જેને કારણે સમગ્ર પર્યાવરણ અને પ્રકૃતિને પણ નુકસાન થઇ રહયું છે, આથી તેમણે દરેક વ્યકિતને વૃક્ષો વાવવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે કહયું કે, કોરોના કાળમાં લોકોને ઓકિસજનની કિંમત સમજાઇ હતી. ઓકિસજન માટે વૃક્ષારોપણ જરૂરી છે અને એના માટે વન અને પર્યાવરણ વિભાગ વિનામૂલ્યે વૃક્ષો આપશે.

સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે પ્રકૃતિના સંવર્ધન માટે ચેમ્બર ઓફ કોમર્સના ‘ગ્રીન અર્થ – ગ્રીન સુરત’ અંતર્ગત હાથ ધરાયેલા પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધંધા – વ્યવસાયના વિકાસ માટે કામ કરતી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ પર્યાવરણના જતન માટે જે કામગીરી કરી રહયું છે તે અભિનંદનને પાત્ર છે. વૃક્ષો વચ્ચે પૂરતું અંતર રાખીને જાપાનની પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિ મુજબ શહેરી જંગલ ઉભું કરવાનો પ્રયાસ કરનાર ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાને તેમણે અભિનંદન આપ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૧૦ રવિવાર સુધી ૮૪૦૦ વૃક્ષો વાવી તેઓને મોટા કરવામાં આવશે ત્યારે આ કેમ્પસમાં આ વૃક્ષોને પેરેલલ વોક–વે બનાવવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના ‘ગ્રીન અર્થ – ગ્રીન સુરત’વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી તથા ભૂતપૂર્વ પ્રમુખો પ્રેમ શારદા, અમરનાથ ડોરા, દિલીપ ચષ્માવાલા, પ્રવિણ નાણાવટી, હેતલ મહેતા અને દિનેશ નાવડિયા તેમજ મેનેજિંગ કમિટીના સભ્યો, વિવિધ ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો અને વિવિધ સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હતો અને પોતપોતાના નામના વૃક્ષો વાવ્યા હતા.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગ્રો નેટીવ ગ્રીન ફોરમ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સંસ્થાના ૧૦૦થી વધુ સભ્યોએ સમગ્ર પરિસરમાં વૃક્ષો વાવવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આ ઉપરાંત વઘાસિયા પરિવારની ટીમ, સુસંસ્કાર દીપ યુવા મંડળના સભ્યો અને રોટરી કલબના સભ્યોએ વૃક્ષો વાવ્યા હતા.

SHARE

Related stories

Latest stories