મનુષ્યને જે કર્મ મળે તેણે મનગમતું બનાવે તો જીવન સુખી બને, જ્યાં વસ્તુઓ છીનવી લેવાની ભાવના હોય છે ત્યારે મહાભારત થાય છે પણ જ્યારે સંપૂર્ણ ત્યાગની ભાવના હોય ત્યારે રામાયણ થાય છે : CA ભગીરથ મર્ચન્ટ
ચેમ્બરના ‘નીતિ પંચામૃત’કાર્યક્રમના અંતિમ દિવસે બોમ્બે સ્ટોક એકસચેન્જના પૂર્વ પ્રેસિડેન્ટ CA ભગીરથ મર્ચન્ટે ‘શ્રી રામ નીતિ’અંગે ઉદ્યોગ સાહસિકોને માહિતી આપી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘નીતિ પંચામૃત’અંતર્ગત શુક્રવાર, તા. ૦૬ જાન્યુઆરી, ર૦ર૪ના રોજ સાંજે ૦પઃ૦૦ કલાકે ‘નીતિ પંચામૃત – શ્રી રામ નીતિ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી રામના જીવનનો ઊંડો અભ્યાસ કરનાર બોમ્બે સ્ટોક એકસચેન્જના પૂર્વ પ્રેસિડેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભગીરથ મર્ચન્ટે રામની નીતિઓ સાંપ્રત સમયમાં કેટલી ઉપયોગી નીવડી શકે છે તે અંગે ઉદ્યોગ સાહસિકોને માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ‘મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ એ માત્ર કોઈ ભજવવાનું પાત્ર નથી, પણ પોતાના જીવનમાં આચરણમાં મૂકવાનો બોધ આપતા મહાપુરૂષ છે. સૌના હૃદયમાં એમનું સ્થાન અનન્ય છે, એ બાબતે કોઈ શંકા જ નથી. ભગવાન શ્રી રામના એક બોલ પર તમામ સ્નેહીજનો પ્રાણ ન્યોછાવર કરવા તત્પર રહેતા હતા. એક સમૃદ્ધ રાજ્યના સમ્રાટ, જેના ચરણોમાં જગતભરનું સુખ પડ્યું હતું છતાં તેઓએ માતા–પિતાની આજ્ઞાને માન આપી, ‘પ્રાણ જાય પર વચન ન જાય’ની પ્રતિજ્ઞાનું પાલન કરવા સર્વ આનંદ–વૈભવને ત્યાગી વનવાસમાં જીવન જીવવા તૈયાર થઈ ગયા એ છે શ્રી રામ. એટલે જ તેમની નીતિઓ અતુલનીય છે તેમ તેમણે જણાવ્યું છે.’
બોમ્બે સ્ટોક એક્સચેન્જના પૂર્વ પ્રેસિડેન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભગીરથ મર્ચન્ટે જણાવ્યું હતું કે, ‘પ્રથમ રામાયણ વાલ્મિકીએ સંસ્કૃતમાં લખી હતી અને ત્યારબાદ સામાન્ય લોકોને રામની નીતિઓની માહિતી મળે તે હેતુથી હિન્દી ભાષામાં લખવામાં આવી હતી. રામાયણ ગ્રંથએ સંયુક્ત કુટુંબનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આપણે બધા ઈશ્વરને શોધતા હોય અને ઈશ્વર તો આપણી આસપાસ જ હોય છે. તેમને જોવા માટે માત્ર આંતરભાવ હોવો જોઈએ. રામાયણ રાષ્ટ્રધર્મ શીખવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મનુષ્યને જે કર્મ મળે તેણે મનગમતું બનાવે તો જીવન સુખી બને. જ્યાં વસ્તુઓ છીનવી લેવાની ભાવના હોય છે, ત્યારે મહાભારત થાય છે. પણ જ્યારે સંપૂર્ણ ત્યાગની ભાવના હોય, ત્યારે રામાયણ થાય છે. ગ્રંથને વાંચવા કરતા જીવનમાં ઉતારશો તો જીવન સાર્થક બનશે. આનંદપૂર્વક કરેલું શ્રમ એટલે આશ્રમ. વિશેષ વ્યક્તિઓએ પોતાની વિશેષતાઓની સાથે વંચિત વર્ગની સાથે રહેવું જોઈએ. જેથી આ વર્ગ પોતાને વિશેષ માની વિશેષતાને પામવા ઉદ્યમી થશે તેમ તેમણે રામ નીતિ વિશે જણાવતા કહ્યું હતું.’
ચેમ્બરના પૂર્વ પ્રમુખ રૂપિન પચ્ચીગરે જણાવ્યું હતું કે, ‘ભગવાન રામે જ્યારથી રાજ્ય કર્યું છે, ત્યારથી તમામ લોકો હંમેશા રામ રાજ્યની ઈચ્છા વ્યક્ત કરે છે. આ જ કારણે ભગવાન રામની નીતિઓ જાણવી મહત્વની છે. અનુચિત અને ઉચિતનું મૂલ્યાંકન કરે તે ભગવાન રામ. રાક્ષસો સામે લડીને તેમનો સંહાર કરવા માટે જેમ રામજીએ ધનુષ્ય બાણ સજ્જ કર્યા હતા તેમ આપણે કામ, ક્રોધ, મોહ, મદ રૂપી રાક્ષસો સામે લડવાનું છે. તેમ તેમણે જણાવ્યું હતું.’
ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો રજનીકાંત મારફતિયા, પ્રફૂલ શાહ, શરદ કાપડિયા, અરવિંદ કાપડિયા તથા જગદીશ ટેકરાવાલા અને વિજય બેંકર કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના માનદ્ ખજાનચી કિરણ ઠુમ્મરે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.